ભાદર-ઓઝત નદીના પાણી ઘેડ પંથકમાં ફરી વળ્યા
પોરબંદર શહેરમાં છેલ્લા ૩ દિવસ પડેલા ભારે વરસાદને કારણે અનેક વીસ્તારોમાં પાણી ભરાયા છે. જેને લઈને શહેરીજનોની મુશ્કેલી વધી હતી. જો કે આજે વર્ષારાણીએ વિરામ લેતાં લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ ઉપરવાસમાં છોડવામાં આવેલું ભાદરનું પાણી કડીયાપ્લોટ, ઝુંડાળા, મીલપરા અને કુંભારવાડા સહીતના ખાડીકાંઠાના વીસ્તારોમાં આવી જતાં આ વીસ્તારના લોકો ફરી મુશ્કેલીમાં મૂકાયા હતા.
પોરબંદર શહેરમાં ત્રણ દિવસમાં વીસ ઈંચ કરતા પણ વધુ વરસાદ પડી ચૂકયો છે. જેના પરિણામે શહેરના નીચાણાવાળા મોટાભાગના વીસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો અને લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હોવાના પણ અનેક બનાવો બન્યા હતા. જો કે ગઈ મોડીરાતથી મેઘરાજાએ વીરામ લેતા શહેરીજનોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો અને ધીમેધીમે ભરાયેલા પાણીનો નીકાલ પણ થઈ રહ્રાો હતો. પરંતુ આજે વહેલી સવારથી કુતીયાણા ભાદર ડેમ અને ભાદર નદીનું પાણી તેમજ ઉપરવાસમાંથી છોડવામાં આવેલું પાણી પોરબંદર સુધી પહોંચી જતા કડીયાપ્લોટ, ઝુંડાળા, મીલપરા અને કુંભારવાડા સહીતના ખાડીકાંઠાના વીસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. જે પાણી લોકોના ઘરમાં ઘૂસી જતાં લોકોને ઘરવખરીનાં સારા એવા નુકસાનનો સામનો કરવો પડયો હતો. અનેક વીસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસવાનું શરૂ થઈ ગયું હતું. આ બાબતે સ્થાનિકોએ નગરપાલીકા સહીતનાં તંત્રને જાણ કરી હતી. તેના કલાકો બાદ પણ પાલીકાનું તંત્ર ડોકાયું ન હતું ત્યારે લોકોની મુશ્કેલી સમળ યુવક કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમાર સહીતનાં અગ્રણીઓએ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી તંત્રને પણ આ અંગે ઉગ્ર રજુઆતો કરી હતી તેમજ જરૂર જણાય તેવા સ્થાનિકોનું સ્થળાંતર પણ કરાવ્યું હતું.
ઉપરવાસમાંથી પાણી છોડતાં પહેલા સામાન્ય રીતે લોકોને એલર્ટ કરાતા હોય છે. પરંતુ આ વખતે કોઈપણ જાતની ચેતવણી વિના જ ભાદરના પાણી છોડી દેવામાં આવતા પોરબંદરના આ વીસ્તારોમાં અચાનક જ પાણીનો ભરાવો થતાં લોકોની મુશ્કેલીમાં ખાસ્સો વધારો થયો હતો. જેને લઈને તંત્ર સામે લોકોનો રોષ્ જોવા મળે છે.