રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર બંને મુખ્યમંત્રી પદના દાવેદાર, ભારે ખેંચતાણ : જો નારાજગી ઉભી થઇ તો રાજસ્થાન કે મહારાષ્ટ્રવાળી થતા વાર નહિ લાગે તેવા એંધાણ
કર્ણાટક ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ પણ કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈને ધમાસાણ મચ્યું છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર બંને મુખ્યમંત્રી પદના દાવેદાર છે. ત્યારે સીએમ પદ કોને આપવું તે અંગે પાર્ટી પણ મૂંઝાઈ હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
કોંગ્રેસના નિરીક્ષકોએ કર્ણાટકના આગામી સીએમ અંગે તમામ ધારાસભ્યોના અભિપ્રાય લીધા હતા. મોડી રાત સુધી ધારાસભ્યો પાસેથી અભિપ્રાય લેવાની પ્રક્રિયા ચાલી રહી હતી. હવે કર્ણાટકને લઈને નિરીક્ષકોનો રિપોર્ટ લગભગ તૈયાર છે, જેને તેઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સોંપશે. 10 મેના રોજ યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો સાથે જંગી જીત મેળવી હતી. જ્યારે ભાજપને માત્ર 66 બેઠકો મળી હતી.
હવે જીત બાદ કોંગ્રેસ સીએમ પદ કોને આપવું તેની મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. એક તબક્કે જો નારાજગી ઉભી થાય તો મહારાષ્ટ્ર અને રાજસ્થાનવાળી પણ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર બંને મુખ્યમંત્રી પદના દાવેદાર છે.
ડી કે વોક્કાલિગા સમુદાયમાંથી આવે છે. કર્ણાટકના રાજકારણમાં વોક્કાલિગા સમુદાયને લિંગાયત પછી બીજા કિંગમેકર માનવામાં આવે છે. જેડીએસના વડા દેવેગૌડા પણ આ સમુદાયમાંથી આવે છે. કર્ણાટકમાં વોક્કાલિગા સમુદાયમાંથી અત્યાર સુધીમાં 6 મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. વોક્કાલિગા સમુદાયને કોંગ્રેસની છાવણીમાં લાવવા માટે ડી કે શિવકુમાર જવાબદાર છે. તેઓ 2008માં રામનગરમ જિલ્લાની કનકપુરા વિધાનસભા બેઠક પરથી પ્રથમ વખત કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા. જે બાદ 2013માં તેઓ આ જ સીટ પરથી વિક્રમી મતોથી જીત્યા હતા. જ્યારે સિદ્ધારમૈયા કુરુબા સમુદાયના છે અને આ સમુદાય રાજ્યમાં ત્રીજા નંબરની સૌથી મોટી વસ્તી ધરાવે છે.
18મીએ નવા મુખ્યમંત્રી લેશે શપથ
કોંગ્રેસની જાહેરાત મુજબ આગામી મુખ્યમંત્રી તેમની કેબિનેટ સાથે 18 મેના રોજ શપથ લેવા જઈ રહ્યા છે. વાસ્તવમાં, બેંગલુરુમાં ધારાસભ્ય દળની બેઠક થઈ છે. આ બેઠકમાં તમામ ધારાસભ્યોએ એક અવાજે કહ્યું કે મુખ્યમંત્રી અંગેનો નિર્ણય પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લેશે. ખડગે હાલ દિલ્હીમાં હાઈકમાન્ડને પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.
136માંથી 70 ટકા ધારાસભ્યોનું મને સમર્થન છે : સિદ્ધારમૈયા
સિદ્ધારમૈયા કે જેઓ 75 વર્ષની વયે કદાચ મુખ્ય પ્રધાનપદ માટે છેલ્લી વખત અપેક્ષા રાખી રહ્યા છે, તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના 136 ધારાસભ્યોમાંથી લગભગ 70% તેમને સમર્થન આપી રહ્યા છે. શિવકુમારના સમર્થકોએ આગ્રહ કર્યો હતો કે તેમને એટલું જ સમર્થન છે. શિવકુમાર કોઈપણ માપદંડથી સીએમ બનવા માટે લાયક છે, તેમનિર્મલાનંદનાથ સ્વામીએ કહ્યું. “તેમણે પાર્ટી બનાવવા માટે સખત મહેનત કરી છે, અને તેને સીએમ પદ મળવુ જોઈએ.
મેં પાર્ટી માટે ઘણું સહન કર્યું, હવે ન્યાયનો સમય આવ્યો : ડી.કે.શિવકુમાર
ડીકે શિવકુમારએ ચૂંટણીમાં જીત પછી મંદિરો અને મઠના ચક્કર લગાવ્યા અને તેમના ઘરે સમર્થકો સાથે વ્યૂહરચના સત્રો યોજ્યા. તુમાકુરુમાં નોનાવિનાકેરે મઠની મુલાકાત લીધા પછી, તેમણે કહ્યું, “મેં પાર્ટી ખાતર જેલની સજા સહિત ત્રાસ સહન કર્યો છે. જ્યારે સિદ્ધારમૈયાને 2013 માં સીએમ બનવાની તક આપવામાં આવી ત્યારે મેં ધીરજ રાખી હતી. હવે ન્યાયનો સમય આવી ગયો છે.