એલટીસી મંજૂર થયું હોય વર્તમાન સ્થિતિની પરવા કર્યા વિના જ ગાંધીનગર ટ્રેનીંગ પૂરી કર્યા બાદ સિધા ફરવા નીકળી ગયા: મેયરે આપ્યો ઠપકો
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્ય પર બિપરજોય વાવાઝોડાનો વિનાશક ખતરો ઝળુંબી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે. મહાપાલિકા તંત્ર પણ સતત 24 કલાક ખડેપગે છે. રજાઓ કેન્સલ કરવામાં આવી હોવા છતાં આજે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી એલ.ટી.સી. અંતર્ગત જમ્મુ-કાશ્મિરમાં ફરવા ઉપડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં મેયર ડો.પ્રદિપ ડવે તેઓને ઠપકો આપ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ બિપરજોય વાવાઝોડાના પગલે ઇન્ચાર્જ મ્યુનિ.કમિશનર અનિલ ધામેલીયા દ્વારા મેડિકલ ઇમરજન્સી સિવાયના તમામ કેસમાં કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી છે. એટલું જ નહિં છેલ્લા બે દિવસથી કોર્પોરેશનની ઝોન ઓફિસ અને વોર્ડ ઓફિસ રાત્રે પણ ખૂલ્લી રાખવામાં આવી રહી છે. શહેરીજનોને વાવાઝોડાની સ્થિતિમાં સાંગોપાંગ ઉગારી લેવા માટે 122 ટીમો બનાવવામાં આવી છે. હાલ તંત્ર યુધ્ધના ધોરણે કામ કરી રહ્યું છે ત્યારે આદેશનો ઉલાળીયો કરી આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી એલટીસી ટૂર અંતર્ગત જમ્મુ-કાશ્મિર ખાતે ફરવા માટે નીકળી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગાંધીનગર ખાતે ત્રણ દિવસની ટ્રેનીંગ પૂર્ણ કર્યા બાદ તેઓ રાજકોટ આવવાના બદલે સિધા જ ફરવા નીકળી ગયા છે. આજે સવારે મેયર ડો.પ્રદિપ ડવે જ્યારે તેઓને ફોન કર્યો ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આવી પરિસ્થિતિમાં ફરવા જવાને મહત્વ આપવાને બદલે ફરજને પ્રાયોરીટી આપવી જોઇએ. તેવું કહી મેયરે આરોગ્ય અધિકારીને ઠપકો આપ્યો હતો. દરમિયાન ચાર્જ ડો.લલીત વાજાને સોંપી દેવામાં આવ્યો છે.
જો આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી જમ્મુ-કાશ્મિર ફરવા જવાના બદલે ફરજને મહત્વ આપી ટ્રેનીંગ બાદ હાજર થઇ ગયા હોત તો તેઓએ માત્ર ટિકિટ બુકીંગ પૂરતી જ નુકશાની વેઠવી પડી હોત તેઓનું એલટીસી મંજૂર થયું છે. જેનો લાભ તેઓ ગમે ત્યારે મેળવી શકત. પરંતુ અફસોસ તગડો પગાર મેળવતા અધિકારીઓ સમય આવ્યે ફરજ નિભાવવાનું ચુકી જાય છે.