જેએનએનયુઆરએમની ગ્રાન્ટનો હપ્તો સમયસર ન મળતા કોન્ટ્રાકટરને નાણા ચૂકવવા અન્ય હેડમાંથી કરોડો રૂપિયા વર્ગફેર કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત
કેન્દ્ર સરકારમાં પૂર્ણ બહુમતિ સાથે ભાજપની સરકાર સત્તારૂઢ હોવા છતાં ભાજપ શાસીત રાજકોટ મહાનગરપાલિકાને સમયસર ગ્રાન્ટ મળતી નથી.
જેએનએનયુઆરએમની મિશન-૧ની ગ્રાન્ટનો હપ્તો સમયસર ન મળતા હવે બેડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કોન્ટ્રાકટરને ચૂકવણુ કરવા માટે ૫.૫૦ કરોડ ‚પિયા અન્ય હેડમાંથી વર્ગફેર કરવા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી ર્હયું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરની પાણીની જરૂરીયાતને ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા રૂ.૭૨.૯૬ કરોડના ખર્ચે બેડી ખાતે ૫૦ એમએલડીની ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે.
આજથી એક વર્ષ પૂર્વે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે.
બેડી ખાતે બનેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે કેન્દ્ર સરકારના જેએનએનયુઆરએમ મિશન-૧ દ્વારા ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. લોકાર્પણના એક વર્ષ બાદ પણ કેન્દ્ર સરકારે આ કામ માટે મંજૂર કરેલી રકમનો હપ્તો ન ચૂકવતા હવે આ કામ કરનાર રણજીત બિલ્ડકોમ અને મશીનરી સપ્લાય કરનાર સુરેન્દ્ર એન્જીનીયરીંગને નાણા ચૂકવવા માટે રૂ.૫.૫૦ કરોડ વર્ગફેર કરવામાં આવશે.
જે પૈકી જીઆઈએસ સીસ્ટમ ડેવલોપ હેડમાંથી રૂ.૩ કરોડ, વોટર વર્કસના નવા કામના હેડમાંથી રૂ.૧.૨૫ કરોડ અને વોટર વર્કસના સીવીલ કામમાંથી રૂ.૧.૨૫ કરોડ સહિત કુલ ૫.૫૦ કરોડ જેએનએનયુઆરએમ મિશન-૧માં વર્ગફેર કરવા માટે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટના હપ્તાની ફાળવણી થતા ફરી તેને જે તે હેડમાં જમા કરી દેવામાં આવશે.