કેસર કેરીના રસિકો માટે સોરઠ પંથકમાંથી સારા સમાચાર મળી રહ્યા છે, અને તે એ કે વાતાવરણની વિપરીત અસર છતાં આંબામાં વિપુલ પ્રમાણમાં મોર આવતા ફળોની રાણી કેસર કેરીનો આ વર્ષે મબલક પાક ઉતરશે, તેવી શકયતાઓ જુનાગઢ કૃષિ બાગાયત વિભાગ દ્વારા જણાવાઈ રહી છે.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં બાગાયત વિભાગના વડા ડી.કે વરૂના જણાવ્યા અનુસાર, આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારા પ્રમાણમાં આવે તેવી શક્યતાઓ છે, કારણ કે, ગત ચોમાસામાં ઓક્ટોબરમાં વરસાદ થયો હતો જેની વિપરીત અસર થયેલ હતી, છતાં પણ હાલમાં મોટાભાગના આંબામાં મબલક મોર આવી ગયા છે, જે કેરીનો સારો પાક આવે તેની નિશાની છે.
ડી.કે વરૂના વધુમાં જણાવ્યા અનુસાર જો કે, ગત ચોમાસામાં ઓક્ટોબરમાં વરસાદ થયો હતો જેની વિપરીત અસર થયેલ હતી તેના પરિણામે અમુક આંબાઓમાં દિવાળીના સમયમાં જ કોર આવીને ફૂટી ગયા હતા. એટલે જે આંબામાં કોર આવેલા તેની અંદર હજુ મોર આવ્યા નથી, પરંતુ જે આંબાઓને વાતાવરણની અસર થયેલ નથી તેવા આંબામાં મોર આવ્યા છે અને તેમાં ફળ આવવાની પ્રક્રિયા શરૂ થયેલ છે. ત્યારે આગમી કેરીની સિઝન સૌથી સારી રહેશે તેવું દેખાઈ રહ્યું છે