છૂટક ફુગાવો જે જુલાઈમાં 7.4 ટકા હતો તે ઓગસ્ટમાં ઘટીને 6.8 ટકાએ પહોંચ્યો, સરકારના પ્રયાસો સફળ રહ્યા પણ હજુ ફુગાવાને ઘટાડવો જરૂરી
ખાદ્ય ફુગાવો જુલાઈમાં 11.5 ટકા રહ્યા બાદ ઓગસ્ટમાં 9.9 ટકાએ પહોંચ્યો, શાકભાજીનો ફુગાવો જુલાઈમાં 37.4 ટકા રહ્યા બાદ ઓગસ્ટમાં 26.1 ટકાએ પહોંચ્યો
ફુગાવો કાબુમાં નહિ રહે તો રિઝર્વ બેન્ક વ્યાજદરમાં વધારા સહિતના પગલાં પણ લઈ શકે છે
જુલાઈમાં મોંઘવારીના ડામથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા બાદ ઓગસ્ટમાં સરકારના પ્રયાસો સફળ રહેતા મોંઘવારી મહદ અંશે ઘટાડો નોંધાયો છે. જો કે મોંઘવારી મુદ્દે દિલ્હી હજુ દૂર છે. સરકારે આ દિશામાં વધુમાં વધુ પગલાં લેવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ઓગસ્ટમાં ટામેટાં અને અન્ય શાકભાજીના ભાવમાં થયેલા ઘટાડાને કારણે છૂટક ફુગાવામાં થોડો ઘટાડો થયો છે, પરંતુ આ દર હજુ પણ આરબીઆઈ દ્વારા નિર્ધારિત મહત્તમ મર્યાદા કરતા વધારે છે. સરકારી આંકડા અનુસાર, ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીએ આ વર્ષે ઓગસ્ટમાં છૂટક ફુગાવો 6.83 ટકા વધ્યો છે. ગયા વર્ષના જુલાઈની સરખામણીએ આ વર્ષે જુલાઈમાં છૂટક ફુગાવો 7.44 ટકા વધ્યો હતો.
ઓગસ્ટમાં ખાદ્ય ચીજોનો મોંઘવારી દર 9.94 ટકા હતો જ્યારે આ વર્ષે જુલાઈમાં ખાદ્ય ચીજવસ્તુઓનો મોંઘવારી દર 11.51 ટકા હતો. રિટેલ ફુગાવા માટે આરબીઆઈએ છ ટકાની મહત્તમ મર્યાદા નક્કી કરી છે.
જો ફુગાવો આજ ગતિએ વધતો જાય, તો આરબીઆઇ વ્યાજદરો વધારવા અને છૂટક ફુગાવાને નિયંત્રિત કરવા માટે અન્ય પગલાં લેવાનું વિચારી શકે છે. વરસાદના અભાવે અનાજની કિંમતો ઘટી રહી નથી અને તેનાથી છૂટક ફુગાવાને પણ ટેકો મળી રહ્યો છે. કઠોળના ઓછા સ્થાનિક ઉત્પાદનને કારણે દાળ પણ મોંઘી થઈ રહી છે.
સરકારી આંકડા અનુસાર, ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીમાં ગયા વર્ષે ઓગસ્ટમાં શાકભાજીના છૂટક ભાવમાં 26.14 ટકાનો વધારો થયો હતો. ઓગસ્ટમાં કઠોળના છૂટક ભાવમાં 13.04 ટકા, અનાજમાં 11.85 ટકા, દૂધ અને દૂધની બનાવટોમાં 7.73 ટકા, ફળોના ભાવમાં 4.05 ટકા અને મસાલાના ભાવમાં 23.19 ટકાનો વધારો થયો છે.
માત્ર ખાદ્યતેલ અને વનસ્પતિ તેલના છૂટક ભાવમાં ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં 15.28 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
એકંદરે સ્થિતિ જોઈએ તો છૂટક ફુગાવો જે જુલાઈમાં 7.4 ટકા હતો તે ઓગસ્ટમાં ઘટીને 6.8 ટકાએ પહોંચ્યો છે. સરકારના પ્રયાસો સફળ રહ્યા પણ હજુ ફુગાવાને ઘટાડવો જરૂરી બન્યું છે. ખાદ્ય ફુગાવો જુલાઈમાં 11.5 ટકા રહ્યા બાદ ઓગસ્ટમાં 9.9 ટકાએ પહોંચ્યો, શાકભાજીનો ફુગાવો જુલાઈમાં 37.4 ટકા રહ્યા બાદ ઓગસ્ટમાં 26.1 ટકાએ પહોંચ્યો છે.
સ્થાનિક માંગના સમર્થન સાથે ઔદ્યોગિક ઉત્પાદન વિસ્તરણ કરવાનું ચાલુ રાખે છે. ગયા વર્ષના જુલાઈની સરખામણીએ આ વર્ષે જુલાઈમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 5.7 ટકાનો વધારો નોંધાયો હતો. આ વર્ષે જુલાઈમાં મેન્યુફેક્ચરિંગ અને કેપિટલ ગુડ્સ બંનેમાં 4.6-4.6 ટકાનો વધારો થયો છે.