શનિવારે સરકારી કચેરીઓ ચાલુ છતા ઉમેદવારી ફોર્મ નહી સ્વીકારવામાં આવે
આવતીકાલે મંગળવારે ગુરૂનાનક જયંતિની જાહેર રજા હોવા છતા વિધાનસભાની ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોના ફોર્મ સ્વીકારવામાં આવશે. જ્યારે આગામી શનિવારે સરકારી કચેરીઓ ચાલુ હોવા છતા ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવશે નહી તેવી ઘોષણા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી દ્વારા કરવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે કેન્દ્રીય ચુંટણી પંચે વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે નક્કી કરેલ કાર્યક્રમ અનુસાર પ્રથમ તબક્કા માટે તા.14મી સુધી તથા બીજા તબક્કા માટે તા.10 થી તા.17મી સુધી ઉમેદવારી પત્રો રજુ કરી શકાશે. જાહેર રજાના દિવસો બાદ કરતાં બાકીના તમામ દિવસોએ સવારના 11.00 કલાકથી બપોરના 3.00 કલાક દરમિયાન ઉમેદવારીપત્રો સ્વીકારવામાં આવશે.
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 33(1) મુજબ ચૂંટણી અધિકારીએ જાહેર રજાના દિવસોએ ઉમેદવારીપત્રો સ્વીકારવાના રહેશે નહીં. અહીં “જાહેર રજા” એટલે કે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ- 1881ની કલમ-25 હેઠળના હેતુ માટેની “જાહેર રજા” સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત ઉપર જણાવ્યા મુજબના પ્રથમ તથા બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રો રજૂ કરવાના દિવસો દરમ્યાન 8 નવેમ્બરના રોજ જાહેર રજા નિયમ મુજબ “જાહેર રજા” વ્યાખ્યામાં આવતી નથી જેથી, આ દિવસે ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારીપત્રો સ્વીકારવામાં આવશે.
આ ઉપરાંત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા.21.10.2022ના જાહેરનામાંથી રાજ્યમાં તા.25.10.202 2ના રોજ રજા જાહેર કરવામાં આવી છે. તથા આ રજાની અવેજીમાં તા.12 નવેમ્બરને શનિવારના રોજ રાજ્ય સરકાર હસ્તકની તમામ કચેરીઓ ચાલુ રાખવામાં આવેલ છે. પરંતુ સામાન્ય વહીવટ વિભાગના ઉક્ત જાહેરનામા અંતર્ગતની તા.12ના રોજ બીજા શનિવારની રજા ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ- 1881ની કલમ-25 હેઠળના હેતુ માટેની “જાહેર રજા” વ્યાખ્યામાં આવતી હોવાથી આ દિવસે ચૂંટણી અધિકારીઓ દ્વારા કોઈપણ ઉમેદવારીપત્ર સ્વીકારવામાં આવશે નહીં.