ગુજરાતમાં હવે કોરોનાના નવા વેરિયન્ટનો ભરડો જોવા મળ્યો છે. કોરોના મામલે ગુજરાતીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં જેએન.1ના સૌથી વધુ કેસ ગુજરાતમાં જોવા મળ્યા છે. કોરોનાના નવા વેરિયન્ટની ગુજરાતમાં ઝડપ વધી છે તેવુ સ્પષ્ટ દેખાય છે. ગુજરાતમાં હાલ જેએન.1 વિરેયન્ટના 36 કેસ સક્રિય છે. કેરળ-રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં કુલ 109 કેસ છે. જેમાં ગુજરાત સૌથી ટોચ પર છે.
છેલ્લી 24 કલાકમાં દેશભરમાં 524 નવા કેસો: પાંચના મોત
ભારતમાં એકવાર ફરીથી તેજીથી કોરોના પગપેસારો કરી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના આંકડા અનુસાર, બુધવારે 27 ડિસેમ્બરના રોજ ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 529 કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 4093 પાર થઈ ગઈ છે. તો 3 સંક્રમિત દર્દીઓના મોત થયાનું સત્તાવાર નોંધાયું છે જેમાં 2 કર્ણાટકના દર્દી અને એક દર્દી ગુજરાતનો છે. જયારે મહારાષ્ટ્રમાં પણ બે મોત થયાના અહેવાલ છે જો કે, હજુ સુધી આ મામલે સત્તાવાર જાહેરાત કરાઈ નથી. આ વચ્ચે કર્ણાટક સરકારે કોરોના વાયરસના વધતા કેસ મામલે નવી એડવાઈઝરી જાહેર કરી છે. જે અંતર્ગત હવે સંક્રમિતોએ સાત દિવસની અંદર આઈસોલેશનમાં રહેવુ પડશે. સાથે જ તેમના સંપર્કમાં આવેલા લોકોએ ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે.
ગઈકાલે અમદાવાદ શહેરમાં 35 કુલ કોરોના એક્ટિવ કેસ નવા ઉમેરાયા હતા. આ સાથે જ શહેરમાં હાલ કોવીડના 42 એક્ટિવ કેસ થયા છે. નવા કેસ નવરંગપુરા, નારણપુરા , જોધપુર, થલતેજ, સરખેજ અને ગોતામાં નોંધાયા છે. જેમાં એક દર્દી હોસ્પિટલમાં જયારે 41 દર્દી હોમ આસોલેશનમાં સારવાર હેઠળ છે. સંક્રમિત થયેલા બે દર્દી યુએસથી દુબઈથી આવ્યા હતા.
કોરોના જેએન.1નું નવું વેરિયન્ટ દેશના 8 રાજ્યોમાં ફેલાયું છે. અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 109 કેસ મળી આવ્યા છે.
બીજી તરફ દેશભરમાં દરરોજ કોરોનાના 400થી 600 કેસ સામે આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 529 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, 603 દર્દીઓ સાજા થયા છે અને 3નાં મોત થયા છે. અગાઉ સોમવારે 638 નવા દર્દી મળી આવ્યા હતા, જ્યારે મંગળવારે 412 નવા દર્દીઓ મળી આવ્યા હતા.
દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 4093 પર પહોંચી ગઈ છે. એટલે કે આ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમાંથી સૌથી વધુ સંક્રમિતોની સંખ્યા કેરળમાં 353, કર્ણાટકમાં 74 અને મહારાષ્ટ્રમાં 37 છે.
દેશમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ ફેબ્રુઆરી 2020માં મળ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં દેશમાં 4.50 કરોડ લોકો આ વાઇરસથી સંક્રમિત થયા છે. 4.44 કરોડ લોકો સાજા થયા છે જ્યારે 5.33 લાખ મૃત્યુ પામ્યા છે.
અહેવાલો અનુસાર, મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. નવા વેરિઅન્ટના આવવાથી પણ હોસ્પિટલમાં દાખલ થવાનો દર વધ્યો નથી.
નવા વેરિયન્ટનો પોઝિટિવીટી રેટ 1.8%
હાલ નોંધાઈ રહેલા કોરોનાના નવા વેરિયન્ટનો પોઝિટિવીટી રેટ 1.8% જેટલો નોંધાયો છે. દર 1 હજાર ટેસ્ટ પૈકી 18 જેટલાં લોકો સંક્રમિત નોંધાઈ રહ્યા છે જેથી હાલ પોઝિટિવીટી રેટ પણ પ્રમાણમાં ઓછો છે. નિષ્ણાંતોના મત મુજબ શિયાળાની ઋતુને લીધે શરદી, ઉધરસ અને તાવના કેસો પણ વધ્યા છે જેથી લોકોએ ગભરાવાની સહેજ પણ જરૂર નથી.
આરોગ્ય વિભાગ સતત કેસોનું નિરીક્ષણ કરી રહ્યું છે : મંત્રી ઋષિકેશ પટેલ
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કુલ 36 કેસો પૈકી 22 લોકો રિકવર થઇ ચુક્યા છે. 14 હાલ હોમ આઇસોલેશનમાં છે. તેમણે જણાવ્યું હતું કે, આપણે દરેક કેસનું જીનોમ સિકવન્સીંગ પણ કરી રહ્યા છીએ અને કેન્દ્રીય લેબમાં પણ ટેસ્ટિંગ કરાવી રહ્યા છીએ. હાલ નોંધાતા તમામ દર્દીઓને હળવા લક્ષણો જોવા મળ્યા છે અને તેમની ઉપર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. હાલ ત્રણ જેટલાં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને તે પૈકી એક પણ દર્દીમાં નવા વેરિયન્ટના લક્ષણો હજુ સુધી મળી આવ્યા નથી. કદાચ આ દર્દીઓના જીનોમ સિકવન્સીંગમાં ઓમીક્રોન પોઝિટિવ નોંધાય તેવું લાગી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હળવા લક્ષણો હોવાથી કોઈએ ડરવાની જરૂર નથી ફકત સાવચેતી રાખવાની જરૂરિયાત છે.