- રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલે પૂછેલા પ્રશ્ર્નનો કેન્દ્ર સરકાર દ્વારા અપાયો જવાબ: ગુજરાત સરકારની બેદરકારી ખુલી
- ગુજરાતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં પડેલા અતિભારે વરસાદથી ખેડૂત પાયમાલ થઇ ગયા છે. છતાં ગુજરાત સરકાર દ્વારા આર્થીક સહાય મેળવવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ કોઇ જ માંગણી કરવામાં આવી નથી.
ગુજરાતમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને જે નુકસાની થઈ છે એના સંદર્ભમાં એક પ્રશ્ન રાજ્યસભામાં સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો હતો. જેના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે, જ્યારે-જ્યારે મોટી કુદરતી આફત આવે ત્યારે એમડીઆરએફમાંથી સહાયની મોટી રકમ મળે, પરંતુ નુકસાનીનો સર્વે કરીને રાજ્ય સરકાર દ્વારા આવેદન આપવામાં આવે, માંગણી કરવામાં આવે ત્યારે આ રકમ છૂટી થતી હોય છે. 2024માં ગુજરાતમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને મોટું નુકસાન થયું, પરંતુ નુકસાની માટે માંગણી કરતું આવેદન ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રને નહોતું અપાયું માટે કેન્દ્ર સરકાર તરફથી એનડીઆરએફ માંથી ખાસ સહાય મળવી જોઈએ એ નથી મળી શકી. એસડીઆરએમમાંથી મળતી સહાયની મર્યાદા હોય છે. શકિતસિંહ ગોહિલે આ અંગે ખેદ વ્યકત કરતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આવા પ્રસંગોએ ગુજરાત સરકારને કેન્દ્રની ખાસ સહાય મળે તે માટે આજના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, હું વિપક્ષનો નેતા હતો ત્યારે એમણે ખાસ સહાય માટે આવેદન રજૂ કર્યું હતું. અમે પણ કોંગ્રેસ પક્ષ તરીકે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને ગુજરાતને વધારે સહાય મળે તે માટે માંગણી કરી હતી અને ત્યારે આટલું મોટું નુકસાન નહોતું છતાં ઉદાર હાથે એનડીઆરએફમાંથી સહાય મળી હતી. આ વખતે ગુજરાતમાં મોટાપાયે નુકસાન થયું છે, ખેડૂતો બરબાદ થયા છે ત્યારે ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા આંકડા મુજબ ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગણી કરવી જોઈતી હતી, પરંતુ મળેલા જવાબ પરથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન આપ્યું નથી કે માંગણી કરી નથી, જે ગુનાહિત બેદરકારી છે. ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા હોય, કેન્દ્રમાંથી સહાય મળતી હોય, ડબલ એન્જિન સરકારની વાતો કરતા હોય એટલે રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને વડાપ્રધાનશ્રી પણ ગુજરાતના છે ત્યારે મોસાળમાં લગ્ન અને મા પીરસનારી છે ત્યારે ગુજરાતના ખેડૂતોને નુકસાનીમાં વધારે ફાયદો મળવો જોઈતો હતો, એના બદલે માંગણી પણ નહીં કરવાની, આવેદન પણ નહીં આપવાની એ ગુજરાતની ભાજપ સરકારની ગુનાહિત બેદરકારી છે. ગુજરાતની જનતાને ઘોર અન્યાય ગુજરાતની ભાજપ સરકાર દ્વારા થયો છે તેનું ભારોભાર દુ:ખ છે તેમ અંતમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.