- જમીનના મામલામાં પોલીસનું બિનજરૂરી ચંચૂપાત આફત નોતરી રહ્યું છે…
- સીસીટીવી લૂંટની ફરિયાદના ઓઠા તળે જમીનની ફરિયાદ ક્વોશીંગ બાબતે હાઇકોર્ટ આકરાપાણીએ
જમીન કૌભાંડનું એપિસેન્ટર બની રહેલા રાજકોટ શહેરની વધુ એક જમીનનું પ્રકરણ હાઇકોર્ટ સુધી પહોંચ્યું છે. જે મામલે હાઇકોર્ટ આકરાપાણીએ છે. હાઇકોર્ટએ કડક વલણ અપનાવી તાત્કાલિક તપાસનીશ અધિકારીને સસ્પેન્ડ કરો અથવા તો કાર્યવાહી માટે તૈયાર રહો તેવી ટિપ્પણી કરતા પોલીસબેડામાં પણ હડકંપ મચી જવા પામ્યો છે. ત્યારે જમીન વિવાદમાં નીચલી અદાલતમાં સ્ટે હોવા છતાં ટાંગ અડાવવી પીએસઆઈ મારૂને મોંઘી પડી જશે તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર મેંગો માર્કેટ પાછળ આવેલી રેવન્યુ સર્વે નંબર 37 પૈકી 1/2ની 4.35 એકર જમીનમાં ખેડૂત અને બિલ્ડર ગ્રુપ દ્વારા કાચો વ્યવહાર કરવામાં આવ્યો હતો. કાચા વ્યવહાર જમીનનો વહીવટ ગોબરો થયો હતો પરિણામે ખેડૂત અને બિલ્ડર ગ્રુપે સામસામે આક્ષેપ કર્યા હતા. જે બાદ બિલ્ડર ગ્રુપ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં જમીન પર મુકાયેલા સીસીટીવી કેમેરાની લૂંટની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં કરાઈ હતી. જેની સામે ખેડૂતે સીધી જ હાઇકોર્ટમાં જમીન કૌભાંડની ફરિયાદ કરતા હાઇકોર્ટએ મામલામાં કડક વલણ અપનાવ્યું છે. ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ નિર્ઝર દેસાઈની સિંગલ જજની બેંચ સમક્ષ ચાલી રહેલા મામલામાં ન્યાયાધીશે પીપીને ખખડાવતા કહ્યું હતું કે, હવે અદાલતની ધીરજનો અંત આવી ગયો છે. હું હવે અવમાનનાનો ઓર્ડર પાસ કરવા જઈ રહ્યો છે. તમારા સીપી – ડીસીપીના નામ આપો, હું કાર્યવાહી કરવા જઈ રહ્યો છે. મામલામાં અદાલતે અવલોકન કર્યું હતું કે, દીવાની કેસ નંબર 11/2023 અનુસંધાને રાજકોટના એડિશનલ સિવિલ જજે આ જમીનના વિવાદમાં વેચાણ, ગીરો સહીતની તમામ બાબતો પર સ્ટે આપ્યો હતો. જે બાદ 25 જુલાઈની રાત્રે આ જમીન પર ગોઠવેલા સીસીટીવી કેમેરાની લૂંટ થાય છે અને નાટકીય ઢબે 7 ઓગસ્ટના રોજ સીસીટીવી લૂંટની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં દાખલ કરવામાં આવે છે. અરજદાર એવુ દર્શાવે છે કે, સીસીટીવીના બિલ નહિ હોવાથી ફરિયાદ કરવામાં મોડું થયું હતું. હવે ફરિયાદમાં પણ એવો ઉલ્લેખ કરવામાં આવે છે કે, અમારા કબ્જાવાળી જમીનમાંથી સીસીટીવીની લૂંટ ચલાવી લેવામાં આવી છે પણ કોર્ટએ સ્ટે મૂકી દીધો હોય તો તમારો કબ્જો કેવી રીતે હોઈ શકે? તેવો સવાલ હાઇકોર્ટએ પૂછ્યો હતો. હાઇકોર્ટએ કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, તમારા પોલીસ કમિશ્નરથી માંડી તમામ અધિકારીઓ સામાન્ય નાગરિકની હિતની રક્ષા કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. મામલામાં તાત્કાલિક તપાસનીશ અધિકારીને સસ્પેન્ડ કરો અથવા તો હું આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા સૂચન કરીશ તેવી ચીમકી હાઇકોર્ટએ ઉચ્ચારી હતી. પીપીએ પોલીસ તંત્રનો બચાવ કરતા ન્યાયાધીશએ કહ્યું હતું કે, મારે કાર્યવાહી જોઈએ છે, સામાન્ય નાગરિકને એવો અહેસાસ થવો જોઈએ કે, અધિકારીનો વાંક હતો એટલે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થઇ છે. પ્રજાને હવે તંત્ર પ્ર થોડો ઘણો ભરોષો છે તે તો રહેવા દો નહીંતર એ ભરોષો પણ ઉઠી જશે. પીપી કાર્યવાહી માટે સમય માંગતા અદાલતે કહ્યું હતું કે, હવે અદાલત કોઈ ચાન્સ આપવા માંગતી નથી, મેં અગાઉ સમય આપ્યો જ હતો. હવે પીએસઆઈના સસ્પેનશન ઓર્ડર સાથે કોર્ટમાં આવો અથવા તો તમામ અધિકારીઓને હાજર રાખો. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, મામલામાં પોલીસ કમિશ્નર લેખિતમાં માફી માંગે અથવા હું સીબીઆઈને તપાસ સોંપવાની સાથે તપાસનીશ પીએસઆઈને સસ્પેન્ડ કરવાનું સૂચન કરીશ.
વધુમાં અદાલતે એવુ પણ અવલોકન કર્યું હતું કે, સીસીટીવી કેમેરાની લૂંટ ચલાવવામાં આવી જેની બજાર કિંમત રૂ. 18 હજાર દર્શાવવામાં આવી હતી. તો આટલી રકમનાં ગુન્હામાં માટે પીએસઆઈએ આટલી ઊંડી તપાસ શા માટે કરી? તપાસમાં કોલ ડિટેઇલ્સ કાઢવાની જરૂરિયાત જ શું હતી? તેવો વેધક સવાલ પણ હાઇકોર્ટએ કર્યો હતો.
સાટાખત કરનાર એડવોકેટે કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યાનું ચિત્ર ઉપસ્યુ
મામલાની સુનાવણી દરમિયાન બિલ્ડર ગ્રુપ વતી હાજર રહેલા એડવોકેટએ એવુ કહ્યું હતું કે, પોલીસ અમારી જમીન બારાની ફરિયાદ લઇ રહી નથી. ત્યારે હાઇકોર્ટએ કહ્યું હતું કે, પોલીસ ફરિયાદ નથી લઇ રહી તો તમે આપેલી અરજી, ટેક્સ્ટ મેસેજ, એસએમએસ, વોટ્સઅપ મેસેજ કંઈ પણ અદાલત સમક્ષ રજૂ કરો. જે નહિ કરી શકતા હાઇકોર્ટએ બિલ્ડર ગ્રુપના એડવોકેટને અદાલતમાં કંઈ પણ નહિ બોલવા માટે આદેશ કર્યો હતો. હાઇકોર્ટએ એવો પણ સવાલ કર્યો હતો કે, પીપીની હાજરી હોવા છતાં તમે કેમ તેમના સ્થાને માટે દલીલ કરી રહ્યા છો?
પીએસઆઈ કે ડી મારૂને સસ્પેન્ડ કરી તપાસ સીબીઆઈને સોંપવાની ચીમકી
હાઇકોર્ટએ સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, પ્રાથમિક તબક્કે જ આ મામલામાં તપાસનીશ પીએસઆઈ મારૂની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી છે. ત્યારે તાત્કાલિક પીએસઆઈ કે ડી મારૂને સસ્પેન્ડ કરવામાં આવે. અદાલતે વધુમાં જણાવ્યું હતું કે, જો પોલીસ કાર્યવાહી નહિ કરે તો હું તપાસ સીબીઆઈને સોંપવાની સાથે પીએસઆઈને સસ્પેન્ડ કરવાનું સૂચન કરીશ. હવે અદાલતના વિધાન બાદ પીએસઆઈ કે ડી મારૂને તાત્કાલિક ફરજ મોકૂફ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
બહુ થયું…. પોલીસ ખાતામાં ‘સ્વચ્છતા અભિયાન’ની જરૂરિયાત
હાઇકોર્ટએ મામલાની સુનાવણી દરમિયાન અત્યંત સૂચક ટિપ્પણી કરી હતી કે, હવે બહુ થયું… પોલીસ ખાતામાં સ્વછતા અભિયાનની જરૂરિયાત હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. પ્રજા હેરાન – પરેશાન થઇ રહી છે અને પોલીસ ખરા અર્થમાં જે કામ કરવાનું છે તે છોડી બીજી બધી તપાસમાં લાગેલી હોવાનું અવાર નવાર સામે આવે છે.
પીએસઆઈ મારૂને સસ્પેન્ડ કરો અથવા પોલીસ કમિશ્નર સોગંદનામા સાથે માફી માંગે : હાઇકોર્ટ
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન ન્યાયાધીશ નિર્ઝર દેસાઈએ સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે, બપોરે અઢી વાગ્યાં સુધીમાં પીએસઆઈ મારૂને સસ્પેન્ડ કરી રિપોર્ટ અદાલતમાં સબમિટ કરવામાં આવે અન્યથા પોલીસ કમિશ્નર સોગંદનામા સાથે લેખિતમાં માફી માંગે. હાઇકોર્ટએ કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, જો નક્કર પગલાં નહિ લેવાય તો તપાસ સીબીઆઈને સોંપવા સૂચન કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો થોડા દિવસો પૂર્વે રાજકોટના બી-ડિવિઝન પોલીસ મથકમાં એક બિલ્ડરે તેની જમીન પરથી 3 શખ્સે સીસીટીવી કેમેરાની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં 30 કરોડની જમીન કાચા વ્યવહારને લીધે ગોબરી થયાંનું સામે આવ્યું હતું. દિલીપભાઈ કરસનભાઈ મકવાણા નામના જમીન માલિકે કરેલી અરજીમાં આરોપી તરીકે સંજયભાઈ ઈશ્વરભાઈ ઘાટલિયા, રસિકભાઈ અરજણભાઈ ભલગામા, દિનેશભાઈ નાનાલાલ ચૌહાણ, મનસુખભાઈ શીવાભાઈ તલસાણીયા, હંસાબેન વિનોદભાઈ કોશિયા, પ્રફુલભાઈ હીરાભાઈ નડીયાપરા અને ગોવિંદભાઈ છગનભાઈ લાઠીયાનું નામ આપી આ સાતેય શખ્સોએ કીમતી જમીન પચાવી પાડવા ખોટા લખાણો ઉભા કરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ધાકધમકી અને ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયત્ન કર્યો હોય તેવા આક્ષેપ કર્યા છે.