ટીસીએસ ભરવામાં કંપનીઓને પડી રહી છે મુશ્કેલી જેમાં સિસ્ટમ અપડેશન સૌથી મોટો પડકાર
કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા આવકવેરા વિભાગમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં કંપનીઓ કે જે ઈ-કોમર્સ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે તેઓને પણ ઘણાખરા પ્રશ્ર્નો ઉદભવિત થઈ રહ્યા છે. હાલની સ્થિતિને ધ્યાને લઈ દેશને ટેકસની જે આવક થઈ રહી છે ત્યારે આંટીઘુંટીના કારણે આવક છતાં સરકારની તિજોરી ખાલી થતી જોવા મળે છે. ઈ-કોમર્સ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓ ટીસીએસને ભરવામાં ઘણીખરી તકલીફનો સામનો પણ કરવો પડે છે જેમાં સિસ્ટમ અપડેશનથી માંડી અનેકવિધ મુદાઓના પગલે જે આવક સરકારને થવી જોઈએ તે થઈ શકતી નથી. દેશની ઘણીખરી કંપનીઓ ટીસીએસ માટે ઘણી અગવડતાનો સામનો પણ કરવો પડે છે. કંપનીઓ હાલના સમયમાં કર ભરવા માટે દ્વિધામાં જોવા મળે છે. નવા નિયમો અને સિસ્ટમમાં ફેરબદલથી અસમંજસની સ્થિતિ પણ નિર્માણ થઈ છે. સરકારે ફાયનાન્સ બિલમાં ૧ ટકા ટીસીએસ લગાવવાનો નિર્ણય કરેલો છે જેમાં કંપનીઓ કે જે ટીસીએસનો કર ભરતા હોય તેઓને તે કર ભરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
અત્યારસુધી ટીસીએસ એક્રુઅલ પઘ્ધતિથી ભરવામાં આવતો હતો પરંતુ સરકારના નવા નિયમો મુજબ હવે ટીસીએસ એટલે કે ટેકસ કલેકટેડ એટ સોર્સ રીસીપ્ટ બેઈઝ ઉપર ભરવામાં આવશે. આ અસમંજસની સ્થિતિને ધ્યાને લઈ કંપનીઓને ઘણીખરી રીતે મુશ્કેલી વેઠવી પડે છે. સાથોસાથ આવક છતાં પણ સરકારની તિજોરી ખાલીખમ્મ રહેતી હોય છે. હાલ સરકાર આ તમામ મુદાઓને ધ્યાને લઈ આવકવેરા વિભાગની કાર્યપઘ્ધતિને સરળ બનાવે તો કંપનીઓની સાથો સાથ દેશને પણ આર્થિક રીતે ઘણોખરો ફાયદો પહોંચશે. દેશની નામાંકિત ડિજિટલ કંપનીઓ કે જે ઈ-કોમર્સ ક્ષેત્રે સંકળાયેલી છે તેઓએ કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયને ભલામણ કરતા જણાવ્યું છે કે, ટીસીએસ ભરવા માટે પારદર્શકતા રાખવામાં આવે જો આ કાર્ય શકય બનશે તો ઘણાખરા પ્રશ્ર્નોનું નિવારણ ત્વરીત થઈ શકશે. એવી જ રીતે કંપનીઓ અને કરદાતાઓને રીફંડના પ્રશ્ર્નો પણ ઘણાખરા અંશે સતાવી રહ્યા છે. આ મુદ્દે પણ તેઓએ સરકારને ભલામણ કરતા જણાવ્યું છે કે આવકવેરા વિભાગમાં કરદાતાઓને ઘણી મુશ્કેલી વેઠવી પડે છે જેનું ત્વરીત નિવારણ લાવવામાં આવે.
કેન્દ્ર સરકાર આવકવેરા વિભાગની કામગીરીને પારદર્શક બનાવવા માટે ઘણા પ્રયત્નો હાથ ધરી રહ્યું છે ત્યારે ટીસીએસને ભરવામાં આશરે ૮૦ ટકા જેટલા કરદાતાઓને ઘણા પ્રકારની તકલીફો વેઠવી પડે છે. સિસ્ટમ અપડેશન સહિતના મુદાઓ સૌથી મોટા પડકારો હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે કરદાતાઓની સાથો સાથ ડિજિટલ કંપનીઓ પણ સરકારને અપીલ કરી છે કે જે રીતે આવકવેરામાં પારદર્શકતા લાવવા માટે ફેસલેસ અસેસમેન્ટ કરવા માટેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને ધ્યાને લઈ ટીસીએસ એટલે કે ટેકસ કલેકટેડ એટ સોર્સમાં પણ સુધારા કરી સરળ બનાવવામાં આવે.