ધારાસભ્ય ગ્રુપનું પલડુ ભારે; પ્રમુખ પદે ક્ષત્રિય કે પાટીદાર?
હળવદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં તાલુકા પંચાયતની 20 બેઠકોમાંથી ભાજપે 16 બેઠકો પર વિજય વાવટો ફરકાવ્યો છે પરંતુ તાલુકા પંચાયતમાં ભાજપની સ્પષ્ટ બહુમતી આવવા છતાં હાલ પ્રમુખ પદને લઇ બે જૂથ વચ્ચે ભારે ખેચાખેચી ચાલી રહી છે.
જાહેર થયેલા રોટેશન મુજબ હળવદ તાલુકા પંચાયતનું પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત હોય જેથી ક્ષત્રિય અને પાટીદાર મહિલા ને પ્રમુખપદે બેસાડવા હાલ ભાજપના એ અને બી બંને જૂથો કામે લાગી ગયા છે અને સભ્યોને અંકે કરવા તમામ પ્રયાસો હાથ ધરી એકાદ સભ્યને તો ડરાવવા માટે ઉપાડી લેવાયાનું પણ બિનસત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.
વધુમાં એવુ પણ બહાર આવ્યું છે કે ચૂંટણી પૂર્વે પણ હળવદ ભાજપમાં બે ફાડીયા જોવા મળ્યા હતા અને ભારે ખેંચતાણ બાદ ધારાસભ્ય સાબરીયાએ જે વ્યક્તિઓને ટીકીટ અપાવી હતી તે તમામ જીત્યા છે જેથી હાલ 16 તાલુકા પંચાયતના સદસ્યો માંથી 11 સદસ્ય ધારાસભ્ય પક્ષમાં હોય જેથી પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાના ધર્મપત્ની હર્ષાબા ઝાલાને પ્રમુખ પદે બેસાડવા માંગ કરાઈ રહી છે.જ્યારે બીજા બળિયા જૂથના સમર્થકો રાણમલપુર તાલુકા પંચાયતની સીટ પર જીતેલા મહિલા ઉમેદવારને પ્રમુખપદે બેસાડવા ગોઠવણ કરી હોવાનું જાણવા મળ્યું છે અને જિલ્લા સંગઠનમાં પણ પ્રદેશ નેતાનું ચાલતું હોય પ્રમુખ પદેને લઈ હાલ રાજકારણ ગરમાયુ છે આ સંજોગોમાં હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ પદે કોણ બિરાજશે તે તો આગામી 17 માર્ચના રોજ નક્કી થશે.