વિશ્ર્વના કુલ કેરી ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૩૬ ટકા જયારે વેચાણ માત્ર ૩ ટકા!
ભારત કેરીના ઉત્પાદનમાં નંબર વન છે તેમ છતાં પણ કેરીની નિકાસમાં ઘટાડો નોંધાયો છે. આ બાબતે ભારત કરતા પાકિસ્તાન આગળ છે. પાકિસ્તાનની સરખામણીએ ભારતમાં કેરીનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થાય છે. તેમ છતા તેના વેચાણમાં પાકિસ્તાન સામે ભારતને પછડાટ લાગી છે. વિશ્ર્વના કુલ કેરી ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૩૬ ટકા છે જયારે વેચાણ ૩ ટકાથી પણ ઓછુ થાય છે. આ તફાવતનું મુખ્ય કારણ કેરીની નિકાસ અને યોગ્ય સુવિધા માટે સરકાર તરફથી મજુરીમાં વિલંબ છે.
સેન્ટ્રલ ફોર એન્વાયરોનમેન્ટ એન્ડ એગ્રીકલ્ચરના અહેવાલ અનુસાર ભારતમાં કેરીની નિકાસમાં ઘટાડો થયો છે. ૩૬ ટકા ઉત્પાદનમાં હોવા છતા માત્ર ૩ ટકા જેટલી જ નિકાસ શકય બને છે. ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનિઝેશન (એફએઓ)ની માહિતી પ્રમાણે વર્ષ ૨૦૧૪માં ભારતે ૧૮.૪૩ મીલીયન ટન કેરીનું ઉત્પાદન કર્યું હતું. જયારે ભારત પછી બીજા ક્રમે ચીને ૪.૬૭ મીલીયન ટન અને પાકિસ્તાને માત્ર ૧.૭૨ મીલીયન ટન જ કેરીનું ઉત્પાદન કર્યું હતું.
ઉત્પાદનમાં અન્ય દેશોની સરખામણીએ ભારત અગ્રેસર હોવા છતા વેચાણમાં ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૪ના ઉત્પાદનની સામે ભારતે માત્ર ૪૨,૯૯૮ યુનિટ કેરીનું જયારે પાકિસ્તાને ૬૫,૦૦૦ યુનિટ કેરીનું વેચાણ કર્યું હતું. વર્ષ ૨૦૧૫-૧૬ની વાત કરીએ તો, પાકે ૧,૨૭,૦૦૦ યુનિટ કેરીની નિકાસ કરી હતી. જયારે ભારતની નિકાસમાં લગભગ ૩૬૦૦૦ યુનિટનો ઘટાડો નોંધાયો હતો. એક વર્ષ પહેલા પાકિસ્તાન ફુડ સિકયુરીટી એન્ડ રિસર્ચના મંત્રી સિકંદર હયાત ખાન બોસને કહ્યું હતું કે, પાકિસ્તાનને કેરીની નિકાસમાં વિશ્ર્વનો સૌથી મોટો દેશ બનાવવાના અથાગ પ્રયત્નો કરી રહ્યા છીએ. અનુમાન છે કે, ભારત આ વર્ષે ૧૯.૨૧ મીલીયન ટન કેરીનું ઉત્પાદન કરશે. ઓસ્ટ્રેલિયા, કોરિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશો પણ કેરીની નિકાસ કરી રહ્યા છે. જેમાં પાકિસ્તાન બાદ ભારત અને ત્યારબાદ આ દેશોનો ક્રમાંક આવે છે. કવોલીટીને લઈને ભારતની આલ્ફોન્સો કેરીની માંગમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત ઘટાડાનું મુખ્ય કારણ નિકાસ માટે સરકાર પાસેથી મંજુરી મોડેથી મળે છે.