- હુમલા બાદ ઇરાનની જાહેરાત: હવે ઇઝરાયેલ વળતો હુમલો નહિ કરે તો અમે પણ શાંત રહીશું
ઇરાને ઇઝરાયેલ ઉપર ઘાતક હુમલો કર્યો છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સે 300થી વધુ મિસાઈલો અને ડ્રોન વડે ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. જો કે આ તમામ મિસાઈલ અને ડ્રોન ઇઝરાયેલની હાઇટેક સિસ્ટમે તોડી પાડતા ઇઝરાયેલનો વાળ પણ વાંકો થયો નથી. બીજી તરફ ઇરાને કહ્યું છે કે હવે જો ઇઝરાયેલ વળતો હુમલો નહિ કરે તો અમે પણ શાંત રહીશું.
ઈરાને આ હુમલાને ઑપરેશન ટ્રુ પ્રોમિસનામ આપ્યું છે. ઈરાનનું કહેવું છે કે આ હુમલો ઈઝરાયેલના ગુનાઓની સજા છે. હકીકતમાં સીરિયામાં ઈરાનના પર થયેલા હુમલામાં ઈરાની સૈન્ય કમાન્ડર માર્યા ગયા હતા. ઇઝરાયેલ પર હુમલાનો આરોપ હતો, જોકે તેમણે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ઈરાને ધમકી આપી હતી કે તે બદલો લેશે. અમેરિકા એ એમ પણ કહ્યું હતું કે ઈરાન જલદીથી હુમલો કરી શકે છે.
ઈરાને શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ ઈઝરાયેલ પર 150 ક્રુઝ મિસાઈલ અને 200 ડ્રોન વડે હુમલો કર્યો હતો. ઈરાન પણ ઇઝરાયેલના વળતા હુમલાથી ડરે છે, જેના કારણે તેણે અન્ય દેશોને ધમકી આપી છે. ઈરાને કહ્યું છે કે, જો કોઈ દેશ ઈઝરાયેલને હુમલા માટે તેની એરસ્પેસ આપશે તો ઈરાન તેને પણ નિશાન બનાવશે. કારણ કે ડ્રોનની સ્પીડ મિસાઈલ કરતા ઓછી છે, તેથી જ ઈઝરાયેલ સુધી પહોંચવામાં સમય લાગી રહ્યો છે. એએફપીના અહેવાલ મુજબ, યુએસ આર્મી ઈઝરાયેલને નિશાન બનાવીને લોન્ચ કરાયેલા ઈરાની ડ્રોનને તોડી પાડી રહી છે. ઈઝરાયેલની આયર્ન ડોન સંરક્ષણ પ્રણાલી પણ સક્રિય થઈ ગઈ છે જે મોટાભાગના હુમલાઓને નિષ્ફળ બનાવી રહી છે.
ઈરાન દ્વારા આ હુમલો અચાનક નથી થયો. અમેરિકા અને ઈઝરાયેલને પહેલાથી જ આ હુમલાનો અંદાજ હતો. અમેરિકન સેના પહેલાથી જ ઍલર્ટ પર હતી. તેણે ઈઝરાયેલની સુરક્ષા માટે તેના બે યુદ્ધ જહાજો તહેનાત કર્યા હતા. હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ સિવાય તેમણે નેતન્યાહુ સાથે ફોન પર પણ વાત કરી છે. બિડેને ઈઝરાયેલની સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. યુએન સેક્રેટરી જનરલ, યુકે, જર્મની અને ફ્રાન્સે હુમલાની નિંદા કરી છે. આ હુમલા બાદ ઈજિપ્ત, સાઉદી, સ્પેન, પોર્ટુગલે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને સંયમ રાખવા જણાવ્યું છે.
લેબનોનના હિઝબુલ્લાએ એક નિવેદનમાં દાવો કર્યો છે કે, તેના આતંકવાદીઓએ ગોલાન હાઇટ્સના કૈલાહ બેરેક્સ વિસ્તારમાં ઇઝરાયેલી સંરક્ષણ દળો અને ઍર ડિફેન્સ હેડક્વાર્ટરને નિશાન બનાવીને ડઝનેક રોકેટ છોડ્યા હતા. સ્થાનિક સમય અનુસાર રવિવારે સવારે 12:35 વાગ્યે 25 રોકેટ વડે હુમલો કર્યો. ઈરાની હુમલા બાદ સમગ્ર ઈઝરાયેલમાં સાયરનનો અવાજ સંભળાયો હતો. આકાશમાં તેજસ્વી વિસ્ફોટો જોવા મળ્યા હતા.