કરોડો ‚પીયાની નુકશાની: ૪૨ પશુઓ મોતને ભેટ્યા: વિજપુરવઠો બે દિવસથી ઠપ્પ: બંગાવડી ડેમના ૩૩ ફ્લેશ ગેઇટ પાણીમાં ધોવાયા
વરસાદે તારાજી સર્જ્યા બાદ હવે મહામારીની ભીતિ: તંત્ર ખડે પગે, સેવાભાવી લોકોએ પૂરના અસરગ્રસ્તોને આશરો આપી માનવતા મહેકાવી
સમગ્ર ટંકારા તાલુકા મા વરસેલા અનરાધાર વરસાદને કારણે તાલુકા આખામાં ઠેરઠેર ભારે તારાજી સર્જાય છે. જેમાં ગત રોજ સવારથી જ ટંકારા તાલુકામાં મેઘરાજા મન મૂકી વરસ્યા બાદ મોરબી જિલ્લાનો ટંકારા તાલુકો વરસાદ વાવાઝોડાની તારાજીમાં સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યો છે. ટંકારા તાલુકામાં આશરે ૨૦ ઈંચ જેટલો સાંબેલાધાર વરસાદ પડતા જ્યાં જુઓ ત્યાં તબાહીનાં રૂંવાડા ઉભા કરનારા દ્રશ્યો નજરે પડી રહ્યા છે.
ગત શનિવારે ટંકારા તાલુકામાં આકાશ ફાંટતા જ સવારથી જ રેસ્ક્યુની ટીમ કામ પર લાગી ગઈ હતી. જેણે અનેક લોકોને ડૂબતા અને આર્થિક જાનહાની બચાવી હતી. વરસાદ થંભી જતા અને વરસાદી પાણી ઓસરતા સર્વત્ર તબાહીનાં વરવા દ્રશ્ય સામે આવી રહ્યા છે. જેમાં કલ્યાણપુરને જોડતા મુખ્ય રસ્તામાં ૨૦ ફૂંટ ગાબડું પડતા કલ્યાણપુર જવા-આવવાનું સદંતર બંધ થઈ ગામ સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે. આ ઉપરાંત પીજીવીસીએલ વિભાગને આશરે ૧૨થી ૧૫ લાખ નુકસાની થઈ છે. વરસાદને કારણે ખેતરવાડીનાં અનેક વીજ પોલ જમીનદોસ્ત થઈ ગયા છે. ટંકારા તાલુકાનાં ૩૦ ગામો અમારાપર અને ધુનડા ગામમાં છેલ્લા ૨૪ કલાકથી વધુ સમયથી વીજ પુરવઠો ઠપ્પ થઈ ગામ સંપર્ક વિહોણા છે. ચેકડેમ અને તલાવડીમાં ગાબડું પડતા વરસાદનું અમૃત સમું પાણી પલભરમાં ઓસરીને વહી ગયું હતું.
ટંકારા તાલુકાનાં નાના ખીજડીયા ગામમાં ૧૨, મોટા ખીજડીયા ગામમાં ૨૦, સરૈયામાં ૭ અને નસીતપરમાં ૨ તથા ટંકારા શહેરમાં ૧ પશુ સહિત કુલ ૪૨ જેટલા પશુઓનાં મોત નીપજ્યા છે. તંત્ર દ્વારા વરસાદી ખાનાખરાબીનાં આંકડા મેડિકલ ઓફિસર પાસેથી મગાવી પશુઓનાં પીએમ રીપોર્ટ કરાવીને પીડિતોને સહાયતા ચૂકવાની કામગીરી કામગીરી તંતર દ્વારા શરુ કરી દેવામાં આવી છે.
આ તબાહી વચ્ચે ટંકારામાં માનવતા મહેકી ઉઠી હતી. ટંકારાનાં પુરગ્રસ્ત માણસોને બચાવી અને પીડિત પરિવારનો સામાન તથા ઘરવખરી તણાઈ જતા ઉપર આભ અને નીચે ઘરતી જેવી સ્થિતિમાં ગરીબ પરિવારનાં સભ્યો ને અજાણ્યા એ પોતાના સમજી જમાડ્યા અને ફૂડ પેકેટ્સ આપ્યા હતા. આ તકે એડી. કલેકટર પી.જી પટેલે માનવતાનું ઉદાહરણ પૂરું પાડતી અ કામગીરીને બિરદાવી છે. . આ સિવાય ટંકારા તાલુકાનાં યુવાનોનાં સિદ્ધિ વિનાયક ગ્રુપ અને ટંકારા યુવા ગ્રુપ દ્વારા ફૂડ પેકેટ્સ પીડિતોને પહોંચાડવામાં આવી રહ્યા છે. તંત્ર સાથે ટંકારા તાલુકાવાસીઓએ સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારી સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અનેક પીડિત ઘર-પરિવારને આશરો અને સહાય સાથે હિમત મળી છે.
જગતના તાત તો વરસાદ થી રાજી થવુ કે દુખી એવી નોબત છે ખેતર ખેદાન મેદાન છે કુવા મા માટી થી બુરાણ થઈ ગયુ છે ઉભો પાક ભોભીતર થતા ભારે તબાહી સર્જી છે
આમ, સમગ્ર ટંકારા તાલુકો વરસાદી કહેરનો ભોગ બન્યો છે. જેમાં ધીમેધીમે ગામડાઓ સાથે સંપર્ક થતા તારાજીની ખબર અને અન્ય માહિતી મળી રહી છે.
ટંકારા વિસ્તારમાં પડેલ ભારે વરસાદને કારણે ટંકારા આસપાસ વિસ્તારમાં આવેલ ચેક ડેમ તથા તળાવો તૂટ્યા હતા જેના કારણે ટંકારાની ધબકતી જીનીંગ ઇન્ડસ્ટ્રીઝ અને ઓઈલ મિલોમાં પાંચથી સાત ફૂટ પાણી ભરાઈ ગયા હતા.જીનીગ-ઓઈલ મિલો તળાવમાં રૂપાંતર થઈ હતી.જેમાં શ્રી રામકૃષ્ણ કોટન એન્ડ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ,રાધેકૃષ્ણ કોટન ઇન્ડસ્ટ્રીઝ,શુભમ કોટન ઇન્ડસ્ટ્રીઝ,લક્ષ્મીનારાયણ કોટન,ક્રિષ્ના કોટન,અમર ઓઈલ મીલ જેવી વિવિધ મીલોમાં પુરના પાણી ફરી વર્યા હતા.જીનીગ તથા ઓઈલ મીલોમાં પાણી ભરાતા કપાસ અને કપાસિયા તણાય ગયા હતા.તેમજ કપાસિયા અને ખોળની ગુણીઓ પલળી જવાથી ટંકારાની કોટન ઇન્ડસ્ટ્રીઝને લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
ટંકારા તાલુકા મા વરસાદી તોફાને ૪૭ થી વધુ પશુ મોત ને ભેટયા હતા અને માલધારી એ તેનુ રોજીરોટી નુ આયામ ગુમાવ્યું હતું તેથી આ બાબત ગંભીર ગણી જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા પંચાયત ને તાલુકા પંચાયત ના સભ્ય એ ૨૪ કલાકમાં સહાય ચેક અર્પણ કરી દીધા હતા આ સાથે ટંકારા મામલતદાર કચેરી દ્વારા. સામાજીક કાર્યકર બિપીનભાઈ ટંકારા ના યુવાન રાજ કિશન. સિધ્ધાર્થ. કરન. ભૌતિક સહિતના ટંકારા ના જે વિસ્તારો માં પાણી ભરાયા હતા તે વિસ્તારમાં જઇ જે લોકોનુ જીવન અસ્ત વ્યસ્ત થયુ હતુ અને જેના માલ ઢોર પાણી માં તણાય ગ્યા અને તેમજ તેની ધર વખરી પાણી માં વહી ગઇ હતી જેથી તેને ખાવા પીવા ના ફાફા હતા તેવા લોકો ને આજ આ યુવાનોએ પોતાના પોકેટ મનીમાંથી ભેગા કરેલા રુપીયા આ નેક કામ માં વાપરીયા હતા.પાંઉ ,સૂકી ભાજી,બિસ્કીટ, ચેવડો…વગેરે ખાધચીજો આપી હતી.
સૌરાષ્ટ્રમાં વરાપ રાજયમાં સિઝનનો ર૪ ટકા વરસાદ
સૌરાષ્ટ્રનાં મોટાભાગના જીલ્લામાં રવિવારથી મેધ વિરામ: હળવા વરસાદની આગાહી: ડાંગના વધઇમાં પાંચ ઇંચ વરસાદ
સતત ત્રણ દિવસ અનરાધાર રીતે વરસાવ્યા બાદ રવિવારથી સૌરાષ્ટ્રમાં મોટાભાગના જીલ્લાઓમાં મેધરાજાએ વિરામ લીધો છે. રાજયમાં ચોમાસાની સિઝનનો ૨૩.૮ ટકા વરસાદ વરસી ગયો છે. આગામી બે દિવસ રાજયમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. શનિવારે મોરબી પંથકમાં મુશળધાર વરસાદ બાદ ભારે તારાજી સર્જાય છે અહીં રાહત અને બચાવની કામગીરી હજુ ચાલી રહી છે.
સ્ટેટ કંન્ટ્રોલ ‚મનાં સૂત્રોનાં જણાવ્યાનુસાર આજે સવારે ૮ કલાકે પુરા થતાં છેલ્લા ર૪ કલાક દરમીયાન ગુજરાતના ર૬ જીલ્લાના ૧૪૧ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ડાંગ જીલ્લાના વધઇ ગામમાં સૌથી વધુ ૧૨૯ મીમી વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે.
આજ સુધીમાં રાજયમાં ચાલુ સસાલ ચોમાસાની સીઝનનો ૨૩.૮૨ ટકા વરસાદ વરસી ગયો છે. ર૪ કલાકમાં વધઇમાં ૧૨૯ મીમી, ડાંગમાં ૭૪ મીમી, મધરજમાં ૬૭ મીમી, ડેડીયાપાડામાં ૬૦ મીમી, સુગબારામાં ૬૪ મીમી, વાસંદામા ૬૦ મીમી, કપરાડામાં ૫૮ મીમી, પોસીનામાં ૫૭ મીમી, વિદ્યાનગરમાં ૫૦ મીમી, ધનસુરામાં ૫૦ મીમી, ધરમપુરમાં ૪૮ મીમી, મોકાસામાં ૪૫ મીમી, ડોલવાનમાં ૪ર મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
સૌરાષ્ટ્રમાં રવિવારે મેધવિરામ જેવો માહોલ રહ્યો હતો. ધ્રાંગધ્રા અને ટંકારને બાદ કરતા એક પણ સ્થળે નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો આજે પણ સવારથી વરાપ જોવા મળી રહ્યો.
બંગાવડી ડેમસહી સલામત
લોકોને અફવાઓથી સાવધાન રહેવા અપીલ ટંકારા તાલુકામાં બંગાવડી ડેમમાં અમુક જગ્યાએ ગાબડાં પડવાની ઘટનાથી ડેમ તૂટવાની દહેશત ફેલાઈ હતી. જોકે આ બાબતે તંત્ર દ્વારા સર્વે હાથ ધરી ડેમને કોઈ જ નુકશાન ન થયાનું જણાવી બંગાવડી ડેમ સહી સલામત હોવાનું જણાવ્યું હતું.
ટંકારા પંથકમાં શનિવારે આવેલા ભારે વરસાદમાં બંગાવડી ડેમ ઓવેર ફ્લો થઇ ગયો હતો. ત્યારે આ ડેમમાં અમુક જગ્યાએ ગાબડાં પડી જવાથી અને ડેમનાં કેટલાંક પથ્થરો થોડા ખસ્યા હતા. જેથી ડેમની સલામતી બાબતે દહેશત ફેલાતા મોરબી તંત્ર બંગાવડી દોડી ગયું હતું અને ગાંધીનગરથી એક ટિમ પણ હાજર થઈ ચૂકી હતી. આ અંગે કોઈ મુશ્કેલી ન પડે તે માટે સમગ્ર પરિસ્થિતિનો અભ્યાસ કરી ડેમની સ્થિતનો સર્વે કર્યો હતો. જેમાં બંગાવડી ડેમ એકદમ સહી સલામત હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા મોરબી જિલ્લાવાસીઓને ખોટી અફવાથી દૂર રહેવા અપીલ કરવામાંઆવી છે.
ત્યારે મોરબી જિલ્લાનાં એક પણ ડેમ તૂટે તેવી કોઈ શક્યતા નથી આથી લોકો ગભરાય નહી‘ અને અફવાઓ પર ધ્યાન ન આપે તેવી મોરબી અપડેટ અપીલ કરે છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી
નૈઋત્યના ચોમાસાએ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં જમાવટ કરી છે. પરિણામે સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. જેથક્ષ ધરતી પુત્રો ગેલમાં આવી ગયા છે. આગામી ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે છે.
દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્ર અને હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થતા લોકો હાલાકી ભોગવી રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે જેની અસરને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પડી રહેલા વરસાદને કારણે રવિવારે સૂર્યનારાયણે દર્શન દીધા ન હતા અને સવારથી જ દિવસભર છુટો છવાયો ઝરમઝર વરસાદ થયો હતો. જેના કારણે આખો દિવસ વાદળ છાંયા વાતાવરણ વચ્ચે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો.