નવસારી, મહુવા, જલાલપોરમાં ૭ ઈંચ, વાલોદમાં ૬, વલસાડ અને હાલોલમાં ૫ ઈંચ, ઉમરગામ, ચોર્યાસી, તાપી, કપરાડામાં ૪ ઈંચ વરસાદ: નવસારી અને જલાલપોર તાલુકામાં ભારે વરસાદના પગલે શાળાઓમાં રજા જાહેર
દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ છેલ્લા એક પખવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસવાના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. ભારે વરસાદના પગલે નવસારી અને જલાલપોરમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે હજુ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય એનડીઆરએફની ૧૫ ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. સવારથી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.
સ્ટેટ કંટ્રોલ રૂમના સુત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૨૫ જિલ્લામાં ૧૩૭ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. દક્ષિણ ગુજરાત પર આ વર્ષે મેઘરાજા સવિશેષ હેત વરસાવી રહ્યા હોય તેમ અહીં બારે મેઘ ખાંગા થયા હોય તેવું લાગી રહ્યું છે.
દક્ષિણ ગુજરાતના ભરૂચમાં ૨૯ મીમી, તાપીના સોનગઢમાં ૧૭ મીમી, વાલોદમાં ૧૪૨ મીમી, વ્યારામાં ૭૬ મીમી, ડોલવાણમાં ૨૩ મીમી, સુરત જિલ્લાના બારડોલીમાં ૮૫ મીમી, ચોર્યાસીમાં ૯૮ મીમી, કામરેજમાં ૨૩ મીમી, મહુવામાં ૧૭૬ મીમી, પલાસણામાં ૪૩ મીમી, નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ૮૨ મીમી, ગણદેવીમાં ૯૭ મીમી, જલાલપુરમાં ૧૬૯ મીમી, ખેર ગામમાં ૭૭ મીમી, નવસારીમાં ૧૭૮ મીમી, વાસંદામાં ૪૨ મીમી વરસાદ પડયો છે. વલસાડ જિલ્લાના ધરમપુરમાં ૭૦ મીમી, કપરારામાં ૯૫ મીમી, પારડી ૮૪ મીમી, ઉંમરગામમાં ૧૦૯ મીમી, વલસાડમાં ૧૨૬ મીમી, વાપીમાં ૯૬ મીમી, ડાંગ જિલ્લાના ડાંગ તાલુકામાં ૪૮ મીમી, સુબીરમાં ૭૬ મીમી, વઘઈમાં ૫૦ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છના ૬ તાલુકાઓમાં હજુ એક ટીપુ પણ પાણી પડયું નથી ત્યારે વલસાડના ઉંમરગામમાં અત્યાર સુધીમાં ૬૬ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે.
મુંબઈમાં ભારે વરસાદી અફરાતફરી: હજારો ફસાયા
મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં સતત વરસાદને કારણે અફરા-તફરી મચી જવા પામી છે. મુંબઈ જતી લાંબા અંતરની બે ટ્રેનો રેલવે ટ્રેક પર ભારે પાણીને કારણે નાલાસોપારા અને વસઈ ફસાઈ ગઈ હતી. જો કે એનડીઆરએફ અને પોલીસના સંયુક્ત ઓપરેશન થકી તેમાં રહેલા આશરે ૨,૦૦૦ મુસાફરોને બચાવી લેવાયા હતા. શતાબ્દી એકસપ્રેસ અને વડોદરા એકસપ્રેસ રેલવે ટ્રેક પર ફસાઈ ગઈ હતી.
આસપાસ પાણીનો મારો વધુ હોવાને કારણે હોડકામાં લઈને લોકોને બચાવી લેવાયા હતા. વડોદરા એકસપ્રેસને સવારે પોણા પાંચ કલાકે નિયત સ્થળે પહોંચવાનું હતું. પરંતુ તે સવારે ચાર વાગે પાણીમાં ફસાઈ હતી. ફસાયેલા મુસાફરોને નિયત સ્થળોએ લઈ જવા માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની ૩૦થી વધુ બસો ગોઠવવામાં આવી હતી. પાલઘર પોલીસનું કહેવું છે કે વિવિધ સત્તાવાળાઓએ મીઠાઘરમા થી ૪૦૦ લોકો, વસઈ ટાઉનમા થી ૬૬ અને રજવાલી ગામમાંથી આશરે ૬૦ લોકોને બચાવી લીધા છે. બીજી તરફ ભારે વરસાદને કારણે એર ઈન્ડિયાનું એક વિમાન રન-વે પરી લપસી ગયું હોવાનું જાણવા મળે છે.
ગીર સોમનાથ-જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર: તાલાલામાં પાંચ ઈંચ ખાબકયો
વેરાવળમાં સાડા ત્રણ ઈંચ, કોડીનાર, માળીયા હાટીનામાં અઢી ઈંચ, માંગરોળમાં બે ઈંચ વરસાદ: બોટાદ જિલ્લામાં પણ ઝાપટાથી લઈ દોઢ ઈંચ સુધી વરસાદ
સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં હજુ વાવણીલાયક વરસાદનો ઈન્તજાર જગતાત કરી રહ્યો છે ત્યારે છેલ્લા બે દિવસથી સોરઠ પંથક પર મેઘરાજા મહેર ઉતારી રહ્યા છે. ગઈકાલે જુનાગઢ તથા ગીર-સોમનાથ જીલ્લામાં નોંધપાત્ર વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. બોટાદ જિલ્લામાં પણ હળવા ઝાપટાથી લઈ દોઢ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન જુનાગઢ જિલ્લામાં માળીયા હાટીનામાં ૬૬ મીમી, માંગરોળમાં ૫૩ મીમી, કેશોદમાં ૧૫ મીમી, જુનાગઢમાં ૧૪ મીમી, મેંદરડામાં ૧૩ મીમી, ગીર-સોમનાથ જીલ્લામાં ગીર ગઢડામાં ૪૪ મીમી, કોડીનારમાં ૬૦ મીમી, સુત્રાપાડામાં ૬૪ મીમી, તાલાલામાં ૧૧૬ મીમી, વેરાવળમાં ૮૬ મીમી, અમરેલી જીલ્લાના જાફરાબાદમાં ૧૨ મીમી, ભાવનગર જિલ્લાના ઉમરારામાં ૧૧ મીમી, વલ્લભીપુરમાં ૨૦ મીમી, બોટાદ જિલ્લાના બરવાળામાં ૪૦ મીમી, બોટાદ શહેરમાં ૨૦ મીમી, રાણપુરમાં ૧૩ મીમી, રાજકોટ જિલ્લાના પડધરીમાં ૧૮ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ૧૫ ટીમો એલર્ટ
ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી ૪ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય આકાશી આફતને પહોંચી વળવા માટે રાજય સરકારનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર એલર્ટ થઈ ગયું છે. એનડીઆરએફની ૧૫ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.
અમરેલી ગીર-સોમનાથ, વલસાડ, નવસારી, અમદાવાદ સહિતના શહેરો માટે એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ અતિભારે વરસાદ વરસી રહ્યો હોવાના કારણે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં અમુક સ્થળોએ અતિભારે વરસાદ પડે તેવી સંભાવના
દક્ષિણ ગુજરાત અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં દરિયાઈ સપાટીથી ૦.૯ કિમીથી લઈ ૩.૬ કિમીની ઉંચાઈ સુધી અપરએલ સાયકલોનીક સરકયુલેશન સર્જાતા સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આગામી ૪ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ ઉપરાંત વડોદરા, દાહોદ, પંચમહાલ, દમણ જયારે સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર અને દાદરાનગર હવેલી, છોટા ઉદેપુર અને ગીર-સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ આવતીકાલે બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, મહીસાગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા ૧૩મીએ જુલાઈએ નોર્થ ગુજરાતમાં બનાસકાંઠા અરવલ્લી ઉપરાંત ગીર-સોમનાથ અને દીવ ૧૪મી જુલાઈના રોજ બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ તથા દીવ અને ૧૫મી જુલાઈના રોજ વલસાડ, નવસારી ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના ગીર સોમનાથ, દીવ, જુનાગઢ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.