ડેટા ઈઝ કિંગ

મુંબઈમાં વિશ્વનું બીજુ સૌથી મોટો ડેટા સેન્ટર તૈયાર: વાઈબ્રન્ટ ડેટા ઈકોનોમી બનવા તરફ ભારતનું વધુ એક ડગલુ

૨૧મી સદીમાં સુપર પાવર બનવા માટે શસ્ત્રો નહીં પરંતુ શાસ્ત્રો એટલે કે, ડેટા મહત્વનો ભાગ ભજવશે. ભૂતકાળમાં પણ જ્યારે કિલ્લો મજબૂત હોય ત્યારે જ રાજા સુરક્ષીત ગણાતો. આજના જમાનામાં કિલ્લો એટલે કે, દેશને સુરક્ષીત રાખવા માટે ડેટાને સાચવવો અને તેને મુલવવો ખુબ જ જરૂરી છે. અત્યાર સુધી એવું બન્યું છે કે, ડેટા વૈશ્વિક કંપનીઓ ભારતમાંથી ઉસેડી જતી હતી. ભારતીયોના જ ડેટા ઉપયોગ કરી તેનો ધરખમ ફાયદો ઉઠાવતી હતી. પરંતુ હવે સરકાર સજાગ બની છે અને ફેસબૂક, ગુગલ સહિતની વિદેશી કંપનીઓ પાસે ચાલ્યો જતો ડેટા રોકવા ભારતમાં જ આ ડેટા સ્થાપવાની તૈયારી કરી છે. જેના માટે વિશ્વનું સૌથી મોટા પૈકીનું એક ડેટા સેન્ટર મુંબઈમાં તૈયાર કરવામાં આવ્યું છે. ફેસબુક, ગુગલ સહિતના પ્લેટફોર્મ ભારતીય ડેટાનો ઉપયોગ કરી ધરખમ કમાણી કરતા હતા. ફ્રાન્સ સહિતના દેશમાં તો નાગરિકોના ડેટાનો ગેરઉપયોગ કરનારા ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કરોડો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જો કે, ભારતમાં તો ડેટાનો ગેરઉપયોગ કરવાનું કારસ્તાન લાંબા સમયથી ચાલ્યું આવે છે. જેથી ભારત સજાગ થઈ ગયું છે. બીજી તરફ સ્થાનિક એપ્લીકેશનોને પ્રાધાન્ય આપવાની પણ હિલચાલ થઈ રહી છે માટે ‘ખુદ કી દુકાન’નો માર્ગ મોકળો થતો જોવા મળી રહ્યો છે.

વિશ્વના બીજા સૌથી મોટા ડેટા સેન્ટરનું ગઈકાલે મુંબઈમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. ભારત વર્તમાન સમયે ડેટા ઈકોનોમી તરફ આગળ વધી રહ્યું હોવાનો મત ઉદ્ઘાટન સમયે મંત્રી રવિશંકરે વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજે મુંબઈમાં વિશ્વના બીજા સૌથી મોટા ડેટા સેન્ટરના ઉદ્ઘાટનનો મને આનંદ છે. જ્યાં વિશ્વ કક્ષાનું ઈન્ફાસ્ટ્રકચર હિરા નંદાણી ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ભારત વિશ્વની વાઈબ્રન્ટ ડેટા ઈકોનોમી બનવાની ક્ષમતા રાખે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.