- રંગીલા રાજકોટમાં કાલે આન,બાન, શાન સાથે યોજાશે તિરંગા યાત્રા
- બહોળી સંખ્યામાં તિરંગાયાત્રામાં શહેરીજનોને જોડાવા ભારતીય જનતા પાર્ટીનું આહવાન
Rajkot : ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો બહુમાળી ચોકથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવશે: દેશભકિતનો અનેરો રંગ ઘૂટાશે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા ઉપરાંત કેન્દ્રીય જળશકિત મંત્રી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રંગીલા રાજકોટ ખાતેથી તિરંગાની આન,બાન અને શાન થીમ સાથે હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. આવતીકાલે રંગીલા રાજકોટવાસીઓ દેશભકિતના રંગે રંગાશે. રાજયમાં આવતીકાલથી પાંચ દિવસ દરમિયાન તિરંગા યાત્રા યોજાશે. તિરંગા યાત્રાના સમાપનમાં 13મી ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેશે.
ત્યારે આવતીકાલે રંગીલા રાજકોટમાં બહુમાળી ચોક ખાતેથી તિરંગાયાત્રાનો પ્રારંભ થશે. આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં શહેરીજનોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.
રાષ્ટ્રભાવના દેશભક્તિ અને દેશની એકતા અખંડિતતાને બળવત્તર બનાવવાના આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સર્વ જે.પી.નડ્ડા અને સી.આર. પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પ્રભારી મંત્રી રાધવજીભાઇ પટેલ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા, પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, મેયર નયનાબેન પેઠલિયા, સાંસદશ્રીઓ, ધારાસભ્ય, આગેવાનો અલ્પેશભાઇ ઢોલરિયા, મુકેશભાઇ દોશી, રાજુભાઇ ધ્રુવ સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહી ‘હર ધર તિરંગા યાત્રા’નો પ્રારંભ કરાવવાના છે. જેમાં સમગ્ર રાજકોટવાસીઓ જોડાશે.
રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય ‘હર ઘર તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવેલું છે. જેમાં સૌ પ્રથમ આ યાત્રાનો શુભારંભ રાજકોટથી થશે.
સમગ્ર ગુજરાતમાં આ “હર ઘર તિરંગા” અંતર્ગત અંદાજે 40 થી 50 લાખ તિરંગાનું વિતરણ થવાનું છે. આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલી, યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેલા જેવા બહુવિધ કાર્યક્રમો રાજ્યભરમાં યોજાવાના છે. આ હર ઘર તિરંગા અભિયાન 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જન જનમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારું રાષ્ટ્ર ચેતના અભિયાન બને તેવી નેમ છે. ત્યારે ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉમંગભેર ઉજવણી થાય તેવા હેતુથી વધુને વધુ લોકો આ કાર્યક્રમમાં સહભાગી બનશે.
ત્યારે આજરોજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા સંકલ્પને આગળ વધાવતા અને દેશવાસીઓમાં દેશભાવના પ્રગટ કરવા અભિયાન શરૂ કરેલ છે. જે લઈને આવતી કાલે ગુજરાત સરકાર દ્વારા રાજકોટમાં શહેરીજનોને સાથે રાખીને તિરંગા યાત્રાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવશે. દેશની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશની વિરાસત ને આવનારી પેઢી યાદ કરે અને આપણી સાંસ્કૃતિક વિરાસતનું ગૌરવ થાય તે હેતુથી 75મો આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આવતીકાલે સવારે 9 વાગ્યે બહુમાળી ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી યાત્રાનું પ્રસ્થાન થશે. અને રેસકોર્ષથી મહાત્માગાંધી મ્યુઝીયમએ યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
આવતીકાલે તિરંગા યાત્રામાં વધુમાં વધુ લોકો જોડાઈ તેવો અનુરોધ છે. આવતીકાલનો કાર્યક્રમ કોઈ પોલીટીકલ કાર્યક્રમની પરંતુ રાષ્ટ્રભાવના ઉજાગર કરવા આપણા ગૌરવવંતા ઈતિહાસને યાદ કરવા આઝાદીમાં જે વિર પુરૂષોએ પોતાના પ્રાણોનું બલીદાન આપ્યું છે તેમને શ્રધ્ધાંજલી આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાલે કોલેજ, શાળા વિવિધ એશોસીએશનો, સામાજીક સંસ્થાઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ તંત્ર સહિત શહેરીજનો જોડાશે. અંદાજે એક લાખ લોકો તિરંગા યાત્રામાં જોડાશે. લોકોએ આ કાર્યક્રમને પોતાનો કાર્યક્રમ બનાવ્યો હોય તે પ્રકારનો ઉત્સાહ એક અઠવાડીયાથી અમે જોઈ રહ્યા છે. તમામ રૂટમાં અલગ અલગ પ્રકારના બેન્ડ દ્વારા કલાકારો દ્વારા રાષ્ટ્રભકિતના ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવશે.