સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલ: અમરેલીમાં ૪ ઈંચ, ગીરગઢડા ૩॥ ઈંચ, લીલીયા, ઉના, વડીયા, બગસરા, જામજોધપુર, લાઠી, કોડીનાર, ભેંસાણમાં ૨ ઈંચ, જાફરાબાદ, સુત્રાપાડામાં દોઢ ઈંચ, ગારીયાધાર, જુનાગઢ, જોડીયા, વંથલી, બાબરા, વેરાવળ સહિતનાં ગામોમાં ૧ ઈંચ વરસાદ
રાજકોટમાં બપોરે મેઘરાજા મન મુકીને વરસી પડયા છે. ઘનઘોર વાતાવરણ છવાઈ ગયું છે. આકાશમાં કાળા દિબાંગ વાદળોનો જમાવડો જામ્યો છે. વાતાવરણ એક રસ હોય આજે શહેરને તરબોળ કરે તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રભરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. બપોર સુધીમાં રાજયનાં ૧૦૪ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
આજે સવારથી રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા ધીમીધારે હેત વરસાવતાં હતા. બપોરે ૨ વાગ્યા સુધીમાં ન્યુ રાજકોટમાં ૧ ઈંચ વરસાદ વરસી ગયો હતો તો જુના રાજકોટ અને સામાકાંઠા વિસ્તારમાં હળવા ઝાપટા પડયા હતા. બપોરે ૨:૪૫ કલાકે મેઘો મન મુકીને મંડાણો છે. ઘનઘોર વાતાવરણ વચ્ચે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આકાશમાં કાળાદિબાંગ વાદળોનો જમાવડો જામ્યો હોય ફરી એક વખત મેઘરાજા રાજકોટને તરબોળ કરે તેવું લાગી રહ્યું છે. બપોરે ૨:૦૦ વાગ્યા સુધીમાં રાજયનાં ૧૦૪ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. અમરેલીમાં ૨ કલાકમાં સુપડાધારે ૪ ઈંચ વરસાદ પડયો હતો. ગીર ગઢડામાં ૩॥ ઈંચ, લીલીયા, બગસરા, ઉના, વડીયા, જામજોધપુર, લાઠી, કોડીનાર, ભેંસાણમાં બે ઈંચ વરસાદ વરસી ગયો છે. જાફરાબાદ, સુત્રાપાડામાં દોઢ ઈંચ વરસાદ પડયો છે. ગારીયાધાર ,જુનાગઢ, જોડીયા, વંથલી, બાબરા, વેરાવળ સહિતનાં ગામોમાં ૧ ઈંચ વરસાદ વરસ્યો છે. રાજકોટમાં બપોરે અનરાધાર વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરનાં યુનિવર્સિટી રોડ પર એક વૃક્ષ ધરાશાયી થઈ જતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો આ લખાય રહ્યું છે ત્યારે પણ શહેરમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે.