પદાધિકારીઓ-નગરસેવકોને અંધારામાં રાખી જનરલ બોર્ડમાં દરખાસ્ત ગરકાવી દેવાઈ
કોર્પોરેશનની તિજોરી પર વાર્ષિક ૧૫ કરોડનું ગાબડુ
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તાજેતરમાં કાર્પેટ એરિયાના દરમાં ફેરફાર કરવાની દરખાસ્ત સુધારા સાથે મંજુર કરવામાં આવી હતી. જેમાં ઈન્ડસ્ટ્રીયલ માટેનો ભારાંકમાં ઘટાડો કરવાનું મંજુર કરાયું હતું અને કોમ્યુનિકેશન ટાવરના ભારાંકમાં ઘટાડો કરવાનું નામંજુર કરવામાં આવ્યું હતું.
દરમિયાન પદાધિકારીઓ અને નગરસેવકોને અંધારામાં રાખી જનરલ બોર્ડની બેઠકમાં ગઈકાલે મોબાઈલ ટાવરના વેરાના ઘટાડો કરવાની દરખાસ્ત ગરકાવી દેવામાં આવી હોવાની ઘટનાનો આજે પર્દાફાશ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોતે નામંજુર કરેલી દરખાસ્ત જનરલ બોર્ડમાં કમિશનરે મોકલેલી મુળ દરખાસ્તના પમાં મંજુર થઈ ગયા હોવાની વાતથી ખુદ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ પણ અજાણ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચાલુ નાણાકીય વર્ષથી મહાપાલિકા દ્વારા મિલકત વેરાની અમલવારીમાં કાર્પેટ એરીયા આધારીત વેરા પઘ્ધતિની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેમાં ઈન્ડસ્ટ્રીયલ કેટેગરીમાં આવતી મિલકતોનો ભારાંક વધુ હોવાના કારણે ઉધોગપતિઓ દ્વારા પદાધિકારીઓ સમક્ષ દરમાં ઘટાડો કરવા રજુઆત કરી હતી.
જેને ધ્યાનમાં રાખી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ઈન્ડસ્ટ્રીયલ માટેનો ભારાંક જે ૨.૫૦ હતો તે ઘટાડી ૧.૭૫ કરવાનો મંજુર કરવામાં આવ્યો હતો. આ સાથે અન્ય એક દરખાસ્ત પણ મુકવામાં આવી હતી. જેમાં કોમ્યુનિકેશન ટાવરનો ભારાંક ૫૦ હતો જે ઘટાડી ૩૫ કરવાનું મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા સુચવવામાં આવ્યું હતું. જો કોમ્યુનિકેશન ટાવરના વેરાના દરમાં ઘટાડો કરવામાં આવે તો મહાપાલિકાની તિજોરી પર ૧૫ કરોડનું ગાબડુ પડતું હોય સ્ટેન્ડિંગ
કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે દરખાસ્ત ફગાવી દીધી હતી.
દરમિયાન ગઈકાલે મહાપાલિકામાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં કાર્પેટ એરિયાના દરમાં ફેરફાર કરવાની દરખાસ્ત જે સ્ટેન્ડિંગ કમિટીએ સુધારા સાથે મંજુર કરી હતી જે ગ્રાહ્ય રાખવાના બદલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા મોકલાવામાં આવેલી મુળ દરખાસ્તને મંજુર કરવામાં આવી છે. જનરલ બોર્ડમાં દેકારા વચ્ચે નગરસેવકોને અંધારામાં રાખી કોમ્યુનિકેશન ટાવરના વેરાના દરમાં ઘટાડો કરવાની દરખાસ્ત મંજુર કરાવી દેવામાં આવી હોવાની ઘટનાનો પણ પર્દાફાશ થયો છે.
સ્ટે.ચેરમેન ઉદય કાનગડ ઘટનાથી અજાણ!
કોમ્યુનિકેશન ટાવરના વેરાના દરમાં ઘટાડો કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફગાવી દેવામાં આવી હતી. જોકે જનરલ બોર્ડ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીએ સુધારા સાથે કરવેરાના દરમાં ફેરફાર કરવાની મંજુર કરેલી દરખાસ્ત જનરલ બોર્ડે ગ્રાહ્ય રાખવાના બદલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા મોકલાવામાં આવેલી મુળ દરખાસ્તને મંજુરીની મહોર મારી હોવાની વાતથી ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ અજાણ હોવાનું જાણવા મળી રહ્યું છે.
લોકોના હિતમાં નિર્ણય લેવાયો છે: મેયર
કોમ્યુનિકેશન ટાવરના વેરાના દરમાં ઘટાડો કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ નામંજુર કરી હોવા છતાં જનરલ બોર્ડમાં કમિશનરને મોકલેલી મુળ દરખાસ્ત એટલે કે ઘટાડાના સુચનવાળી દરખાસ્ત મંજુર કરવામાં આવતા ભારે વિવાદ ઉભો થયો છે ત્યારે મેયર બીનાબેન આચાર્યએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે, લોકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ઈન્ડસ્ટ્રીયલ મિલકતોના વેરામાં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે અમને એવું લાગ્યું કે હાલ બધુ નેટ દ્વારા જ મળવા માંડયું છે ત્યારે કોમ્યુનિકેશન ટાવરના દરમાં ઘટાડો કરવાની આવશ્યકતા છે જે ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.