તટવર્તી વિસ્તારોમાંથી ૩ લાખ લોકોને સુરક્ષીત ખસેડાયા
શાળા-કોલેજો બંધ
હજારો વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયા
એનડીઆરએફની ૧૮ ટુકડીઓ તૈનાત
બંગાળની ખાડી પર બનેલા દબાણના કારણે આવેલા ચક્રવાતી તોફાન તિતલીએ ભયાનક સ્વરુપ ધારણ કરી લીધું છે. વાવાઝોડું ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના તટવર્તી વિસ્તારો સુધી પહોંચી ગયું છે. તિતલી વાવાઝોડાંની અસરી બચવા માટે ઓડિશામાં ત્રણ લાખ લોકોને તટવર્તી વિસ્તારોમાંથી હટાવીને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે. તિતલીનો લેન્ડફોલ ઓડિશાના ગોપાલપુરી ૮૬ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં છે. ગોપાલપુરમાં ભારે પવનની ઝડપ ૧૪૦થી ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકે પહોંચી છે.
વાવાઝોડાંને કારણે ફૂંકાઈ રહેલા ભારે પવનને કારણે ગોપાલપુર અને બેરહમપુરમાં ઘણાં વૃક્ષો મૂળમાંથી ઉખ઼ડી ગયા છે. તિતલી વાવાઝોડાંની સંભવિત અસરોને ખાળવા માટે ઓડિશા અને આંધ્રપ્રદેશ સરકારના વહીવટી તંત્ર દ્વારા પહેલેથી જ ખાસી સુરક્ષાલક્ષી તૈયારીઓ કરવામાં આવી છે. અલગ-અલગ જિલ્લાઓમાં એનડીઆરએફની ૧૮ ટુકડીઓને તેનાત કરવામાં આવી છે. ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળના ઘણાં વિસ્તારોમાં તિતલી વાવાઝોડાંને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે.
ઓડિશા સરકારે તિતલી વાવાઝોડાંને કારણે આજે અને આવતીકાલે રાજ્યની શાળા-કોલેજોને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વાવાઝોડાંના દુષ્પ્રભાવી બચવા માટે તંત્રની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે એક ઉચ્ચસ્તરીય બેઠક પણ કરી છે. ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના તટવર્તી વિસ્તારોમાં તિતલીની અસરોને જોતા ઘણી ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનોના માર્ગોમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે.
વાવાઝોડાંને કારણે ઓડિશાના તમામ અધિકારીઓની રજાઓને રદ્દ કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છેકે ઓડિશાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશમાં ભુસ્ખલનની પણ દહેશત છે. આગામી અઠાર કલાકમાં તિતલી વાવાઝોડું વધુ ગંભીર સ્તર પર પહોંચવાનું પણ અનુમાન છે. ગંજમ, ગજપતિ, પુરી, જગતસિંહપુર, કેન્દ્રપાડા, ખુર્દા, નયાગઢ, કટક, જાજપુર, ભદ્રક, બાલાસોર, કંધમાલ, બૌંધ અને ઢેંકનલમાં ગુરુવારે સવારે મૂસળધાર વરસાદની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.