દ્વારકા પંથકમાં ક્ષારવાળી જમીન હોવાથી ભુગર્ભજળ પણ પીવાલાયક નથી: હાલ એકમાત્ર આધાર સાની ડેમ અને નર્મદાનું પાણી છે: સરકારનો આ પ્લાન્ટ પીવાના પાણીની સમસ્યા દૂર કરશે

ગુજરાતનો દરિયાકિનારો સૌથી મોટો છે અને આ દરિયાકિનારે જ યાત્રાધામો અને ફરવાલાયક સ્થળો આવેલા છે જેને કારણે દરિયાકિનારાના વિસ્તારમાં પ્રવાસન ઉધોગ પણ ફુલ્યો ફાલ્યો છે. ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાણીની તંગી સર્જાય છે પરંતુ જયારે ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા સર્જાય ત્યારે ખાસ કોઈ હલ હોતા નથી પરંતુ હવે ખારા જળને મીઠુ કરતો ડિસોલેશન પ્લાન્ટ શરૂ થવા જઈ રહ્યો છે જેને કારણે પીવાના પાણીની સમસ્યા હલ થઈ જશે.

મુખ્યમંત્રી રૂપાણીએ તાજેતરમાં વેરાવળ, પોરબંદર, દ્વારકા અને ભાવનગરમાં દરિયાના પાણીને મીઠુ કરવાના ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી તે પૈકીનો દ્વારકાનો પ્લાન્ટ કરોડોના ખર્ચે ગોરીંજાની આજુબાજુ સ્થપાશે તેમ જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગના અને એસ્સેવ ઈન્ફ્રા પ્રોજેકટ લિ.વચ્ચે થયેલા કરાર મુજબ જોડીયામાં અંદાજે એક હજાર કરોડના ખર્ચે ડિસેલિનેશન પ્લાન્ટના નિર્માણની જાહેરાત પછી તેનો વિધિવત પ્રક્રિયા શરૂ થઈ છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ સુચવેલા ચાર સ્થળો પૈકી દ્વારકાના ડિસેલિનેશન પ્લાન્ટ માટે વરવાળા, ગોરીંજા સહિતના કેટલાક સ્થળોના વિકલ્પો ચકાસાઈ રહ્યા હતા. સુત્રોના જણાવ્યા મુજબ દ્વારકાનો ડિસેલિનેશન પ્લાન્ટ કરોડોના ખર્ચે ગોરીંજામાં સ્થપાશે.

મહત્વનું છે કે દ્વારકા પંથકમાં સ્થાનિક વસ્તી ઉપરાંત કાયમી ધોરણે હજારો યાત્રિકોનું ફલોટીંગ પોપ્યુલેશન હોવાથી પીવાના પાણીની કાયમ સમસ્યા રહે છે. સરકારે ૧૦૦ કિ.મી.થી વધુ દુર આવેલા સાની ડેમમાંથી પાઈપલાઈન દ્વારા પાણી પુરું પાડવાની યોજના અમલમાં મુકેલી છે અને જયારે સાની ડેમમાં પાણી ખલાસ થઈ જાય ત્યારે નર્મદાના નીર પણ પહોંચાડવામાં આવે છે.

આ યોજના દ્વારા અપાતો પાણી પુરવઠો દ્વારકા-બેટ દ્વારકાની સ્થાનિક વસ્તીને લક્ષ્યમાં રાખીને નિયત માપદંડો મુજબ મળે છે, જે સ્થાનિક લોકો અને પશુઓની જરૂરીયાતો પણ પુરી શકતો નથી ત્યારે યાત્રિકોની ફલોટીંગ પોપ્યુલેશનને ધ્યાને લેતા અહીં પાણીની તંગી રહે છે. દ્વારકા પંથકમાં કોઈ ડાઈનીંગ હોટલ, ધાર્મિક સ્થળોના ભોજનગૃહોને પણ હાલમાં પાણી પુરવઠો મળી શકતો ન હોય આ તમામ સ્થિતિને ધ્યાને લઈને રાજય સરકારે દરિયાના પાણીને મીઠું કરવાનો પ્લાન્ટ મંજુર કર્યો છે.

કારણકે દ્વારકા પંથકમાં કોઈ મોટા જળાશયો કે નદીઓ નથી. ક્ષારોવાળી જમીન હોવાથી ભુગર્ભ જળ પણ પીવાલાયક રહેતા નથી, તેથી હાલમાં સાની ડેમ નર્મદા આધારીત પાણી પુરવઠા પર જ આધાર રાખવો પડતો હોવાથી પાણીની તંગી રહે છે. આ ડિસેલિનેશન પ્લાન્ટ સ્થપાય અને તે કાર્યાન્વિત થાય, તે પછી આ વધારાનો પાણી પુરવઠો દ્વારકા પંથકમાં પાણીની કાયમી ધોરણે રહેતી તંગેની હળવી કરશે. આ માટે દરિયાકિનારાના વિવિધ સ્થળોની ચકાસણી થઈ રહી હતી પરંતુ પ્રાપ્ત માહિતી મુજબ ગોરીંજાની આજુબાજુ આ પ્લાન્ટ સ્થપાશે. આ વિસ્તારમાં સાની ડેમથી દ્વારકા આવતી પાઈપલાઈનનો મોજુદ છે જેથી તેનો ઉપયોગ કરીને દ્વારકા પંથકને આ પ્લાન્ટ કાર્યાન્વિત થયા પછી ઝડપથી પાણી પુરવઠો મળતો થઈ શકે તે હેતુથી ગોરીંજાની પસંદગી કરવામાં આવી છે.

યાત્રીઓને મળશે મીઠુ જળ

સરકારની આ જાહેરાતને આવકારતા હોટલ એસોસીએશનના પ્રમુખ નિર્મલભાઈ સામાણીએ જણાવ્યું હતું કે, પ્રવાસન વિકાસના કારણે દ્વારકા-બેટ દ્વારકામાં યાત્રિકોની સંખ્યા વધી રહી છે અને દ્વારકામાં જ ૨૦૦ થી વધુ હોટલ-રેસ્ટોરન્ટો આવેલા છે. આ ઉપરાંત જ્ઞાતિ-સમાજની વાડીઓ, ધાર્મિક-સ્વૈચ્છિક સંસ્થાઓ-મંદિરો દ્વારા સંચાલિત ધર્મશાળાઓ, સરકારી તંત્રો તથા ખાનગી ગેસ્ટ હાઉસ-અતિથિગૃહો તથા ડાઈનીંગ હોટલ-ધાર્મિક સ્થળોના ભોજનગૃહોને પણ હાલમાં પાણી પુરવઠો મળી શકતો નથી. દ્વારકા પંથકમાં કોઈ ડાઈનીંગ હોટલ-ધાર્મિક સ્થળોના ભોજનગૃહોને પણ હાલમાં પાણી પુરવઠો મળી શકતો નથી. આ તમામ સ્થિતિને ધ્યાને લઈને રાજય સરકારે દરીયાના પાણીને મીઠુ કરવાનો પ્લાન્ટ મંજુર કર્યો છે, કારણકે દ્વારકા પંથકમાં કોઈ મોટા જળાશયો કે નદીઓ નથી. ક્ષારવાળી જમીન હોવાથી ભુગર્ભ જળ પણ પીવાલાયક રહેતા નથી. તેથી હાલમાં સાની ડેમ નર્મદા આધારિત પાણી પુરવઠા પર જ આધાર રાખવો પડતો હોવાથી પાણીની તંગી રહેતી હોય માટે સરકારનો આ નિર્ણય ખુબ જ આવકાર્ય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.