હેમુ ગઢવી નાટય ગૃહના મીની થિયેટરમાં રવિવારે બપોરે ૨:૩૦ કલાકે સરકારી સેવા નિવૃત વિદાય સમારંભ તેમજ સામાજિક ક્ષેત્રે પૂર્ણ સમય પ્રવૃત આવકાર સમારોહ યોજાશે
ગાંધીનગર સચિવાલય ખાતે નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા અશોકસિંહ પરમાર સેવા નિવૃત થતા મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન પ્રેરિત ક્ષત્રિય કરિયર એકેડેમી દ્વારા વિદાય સમારંભ તેમજ સામાજીક સેવા ક્ષેત્રે પૂર્ણ સમય પ્રવૃત આવકાર સમારોહ આગામી તા.૨૮ને રવિવારને બપોરના અઢી કલાક હેમુ ગઢવી નાટય ગૃહના મિની થિયેટર ખાતે યોજાશે.
વધુ વિગત મુજબ મુળ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના કુકડા ગામના વતની અને ભાવનગરની શામળદાસ કોલેજના નિવૃત પ્રોફેસર તખ્તસિંહજી (ગુરૂજી)ના પુત્ર અશોકસિંહ પરમાર એમ.એ. સુધી અભ્યાસ પૂર્ણ કરી સન ૧૯૮૧માં કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એકસાઈઝમાં કલાર્ક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યા બાદ ટૂંકાગાળામાં કસ્ટમમાં ઈન્સ્પેકટર તરીકે પસંદગી પામ્યા હતા. ૧૯૮૩માં ઈન્ડિયન આર્મીમાં સેકેન્ડ લેફટનન્ટ તરીકે પસંદગી પામ્યા હતા તેમજ જી.પી.એસ.સી. દ્વારા લેવાયેલી પરીક્ષામાં સચિવાલયમાં નાયબ સેકશન અધિકારી તરીકે પસંદગી પામતા સર્વિસમાં જોડાયા હતા.
નાયબ સેકશન અધિકારી તરીકે કારકિર્દીનો પ્રારંભ કરનાર અશોકસિંહ પરમાર નાયબ સચિવ સુધીમાં ૧૯૮૫ થી ૨૦૦૯ દરમિયાન સરકારના મંત્રીઓ ખોડીદાન ઝુલા, શક્તિસિંહ ગોહિલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, બાબુભાઈ શાહ અને ફકીરભાઈ વાઘેલાના અંગત સચિવ તરીકે ફરજ બજાવી ચુકયા છે. હાલ શહેર વિકાસમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવી રહ્યાં છે.
મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન રાજકોટ પ્રેરીત ક્ષત્રિય કરીયર એકેડમી દ્વારા સરકારી સેવા નિવૃત થતાં અશોકસિંહ પરમારનો વિદાય સમારંભ તેમજ સામાજીક સેવા ક્ષેત્રે પૂર્ણ સમય પ્રવૃત આવકાર સમારોહના રાજય સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, ક.કા.ગુ.ગરાસીયા એસોશીએશનના પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા અને સંકલ્પ શક્તિના તંત્રી યશવંતસિંહ રાઠોડના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. શહેરના ટાગોર રોડ ખાતે આવેલા હેમુ ગઢવી નાટય ગૃહના મીની થિયેટરમાં આગામી તા.૨૮ને રવિવારે બપોરે ૨:૩૦ કલાકે ઉપસ્થિત રહેવા ક્ષત્રિય સમાજના ભાઈ-બહેનોને ડો.યોગરાજસિંહ જાડેજા (જાબીડા) દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.