કોર્પોરેશનમાં પોતાની ચેમ્બરમાં પડી જતાં તાત્કાલીક ફાયર બ્રિગેડની એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે ખસેડાયા: મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સીનર્જીએ દોડી ગયા
રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઈ મોલીયાની તબીયત આજે અચાનક લથડતા તેઓને ફાયરબ્રિગેડની એમ્બ્યુલન્સ મારફત તાબડતોબ શહેરના ૧૫૦ ફૂટ રોડ પર આવેલ સીનર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓની તબીયત સ્થિર હોવાનું અને કશુ ચિંતાજનક ન હોવાનું ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું.
આજે બપોરે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે પોતાની ચેમ્બરમાં અરજદારો સાથે વાતચીત દરમિયાન ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઈ મોલીયાને અચાનક ચક્કર આવતા પડી જતા તેમના પીએએ તાબડતોબ ફાયર બ્રિગેડની એમ્બ્યુલન્સ મારફતે યુદ્ધના ધોરણે સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં તેઓના અલગ અલગ પરીક્ષણ કરવામાં આવ્યા હતા. અશ્ર્વિનભાઈ મોલીયાને ચક્કર સાથે યાદ શક્તિ પર પણ અસર પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. કોર્પોરેશનના સુત્રો અને સીનર્જી હોસ્પિટલના તબીબોના જણાવ્યાનુસાર ડેપ્યુટી મેયરની તબીયત સ્થિર છે અને તેઓ વાતચીત પણ કરી રહ્યાં છે. બીપી, સુગર, કોલેસ્ટ્રોલ અને ઓકસીઝન લેવલ સહિતના તમામ રિપોર્ટ સામાન્ય આવ્યા છે. ક્યાં કારણોસર ચક્કર આવ્યા અને મેમરી લોસની સમસ્યા સર્જાય તે અંગે વિસ્તૃત નિદાન કર્યા બાદ ખબર પડશે. ડેપ્યુટી મેયરની તબીયત લથડી હોવાનું અને તેઓને સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયાનું માલુમ પડતા. કોર્પોરેશનના પદાધિકારી, શહેર ભાજપના હોદ્દેદારો અને તેઓના સમર્થકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. હાલ સારવાર ચાલી રહી છે અને તબીયત ચિંતામુક્ત છે.