જમીન બિનખેતી કરવા માટે રૂા.૩.૯૦ લાખની લાંચ માંગી હતી: ટેબલના ખાનામાંથી મળેલી રૂા.૧.૫૦ લાખની રોકડનો સંતોષકારક જવાબ ન મળતા એસીબીની કાર્યવાહી
જુનાગઢ તા. ૨૩ જૂનાગઢ એસીબી એ જૂનાગઢની કલેકટર કચેરી ખાતે નાયબ મામલતદાર એવા જમીન સંપાદન અધિકારીને રૂ ૧ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતાં, જિલ્લા વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામ્યો હતો.એસીબી દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર એક ફરીયાદીએ પોતાની માલીકીની જમીન ધંધાર્થે કારખાનું નાખવા તથા અન્ય કોમર્સિયલ ઉપયોગ અથવા વેચાણ કરવા સારુ બીનખેતી કરવાની હોય ઓનલાઇન અરજીઓ કરેલ, અને તે બાબતે જૂનાગઢ કલેકટર કચેરીના જામીન શાખાના અધિકારી એવા નાયબ મામલતદાર જગદીશ જી. મકવાણાને રૂબરૂ મળી, પોતે કરેલ અરજી બાબતે વાતચીત કરતા જામીન શાખાના અધિકારી જગદીશ મકવાણાએ દર ચોરસ મીટરે રૂ. ૩૦ નો વહીવટ કરવો પડશે તેમ અરજદાર ફરિયાદીને જણાવેલ, જે ચોરસ મીટર દીઠ રૂા.૩૦ લેખે અંદાજીત રૂા. ૩,૯૦,૦૦૦ જેટલી મોટી રકમ લાંચ પેટે આપવાની થતી હોય જે લાંચની રકમ ફરીયાદી પોતે આપવા માંગતો ન હોય જમીન શાખા અધિકારીની કચેરી ખાતે રૂબરૂમાં જઇ, હેતુલક્ષી વાતચિત કરી, રકજકના અંતે રૂપીયા ત્રણ લાખ રૂપીયાનો વહીવટ કરવો પડશે તેવી માંગણી કરેલ હતી.પરંતુ ફરીયાદીએ રૂપીયા એક લાખ ગઇકાલે મકવાણાને આપવાનુ અને બાકીના રૂપીયા કામ પતી ગયા પછી આપવાનો વાયદો કરેલ. અને બાદમાં જૂનાગઢ એ.સી.બી. માં ફરિયાદ કરતા, એ.સી.બી. એ ફરીયાદીની ફરીયાદ આધારે મદદનીશ નિયામક, એ.સી.બી. જૂનાગઢના સુપરવિઝન તળે ટ્રેપિંગ અધિકારી એમ.એ.વાઘેલા,
પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. જૂનાગઢ તથા ટીમ દ્વારા લાંચનુ છટકુ ગોઠવતા નાયબ મામલતદાર કક્ષાના જૂનાગઢ જામીન શાખાના અધિકારી લાંચની રકમ રૂ.૧,૦૦,૦૦૦ સ્વીકારતા સ્થળ પરથી રંગે હાથે પકડાઇ ગયા હતા.