રૈયાધાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ: મહાત્મા ગાંધી મ્યુઝીયમનું ખાતમુહૂર્ત કરશે: માં નર્મદા મહોત્સવ સમાપનમાં પણ હાજરી આપશે
રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ સાંજે ૪:૩૦ કલાકે રૈયાધાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરશે અને પાંચ કલાકે મહાત્મા ગાંધી અનુભુતિ કેન્દ્રનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત તેઓ માં નર્મદા મહોત્સવ રથયાત્રા સમાપનમું પણ હાજરી આપશે. ત્રણેય કાર્યક્રમનું સંયુકત ડાયસ ફંકશન ૫:૩૦ કલાકે સામાકાંઠે પાણીના ઘોડા પાસે યોજાશે.મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને યોજાનારા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે વોર્ડ નં.૧માં રૈયાધાર ખાતે મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલા ૫૬ એમએલડીના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને ખુલ્લો મુકવામાં આવશે. જયારે કરોડો ‚પિયાના ખર્ચે આલ્ફેડ હાઈસ્કુલ ખાતે બનનારા મહાત્મા ગાંધી અનુભુતિ કેન્દ્ર પ્રોજેકટનું ભૂમિપૂજન કરાશે. આ તકે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, ભિખાભાઈ વસોયા, ડો.દર્શિતાબેન શાહ, જીતુભાઈ કોઠારી, ચારુબેન ચૌધરી, મનીષભાઈ ભટ્ટ, અરવીંદભાઈ રૈયાણી, વશરામભાઈ સાગઠીયા, રાજુભાઈ અઘારા, વોર્ડ નં.૧ના કોર્પોરેટર આશીષભાઈ વાગડીયા, અંજનાબેન મોરજરીયા સહિતના ઉપસ્થિત રહેશે.નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ માં નર્મદાના મહોત્સવના સમાપન પ્રસંગમાં પણ હાજરી આપશે. તેઓના હસ્તે યુએલસીની સનદ વિતરણ સહિતના કાર્યક્રમો પણ યોજાય તેવી સંભાવના જણાય રહી છે.