સેન્સેક્સમાં 1100 થી વધુ અને નિફ્ટીમાં 350 પોઇન્ટથી વધુનો તોતીંગ કડાકો: રૂપિયો પણ રાંક
અબતક, રાજકોટ
સપ્તાહના પ્રથમ દિવસે જ આજે ભારતીય શેરબજારમાં મંદીની સુનામી જોવા મળી હતી. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા તનાવ વચ્ચે અમેરિકાની બિનજરૂરી દખલગીરી અને અમેરિકી દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી પ્રબળ સંભાવનાના કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઉંધા માથે પટકાયા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ ઉંધા માથે પટકાયો હતો.
આજે સવારે ભારતીય શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સો રેડ ઝોનમાં ખૂલ્યા હતા. અમેરિકા દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના ઉભી થવા પામી છે. બીજી તરફ યુક્રેન અને રશિયા વચ્ચે સતત તનાવ વધી રહ્યો છે. આવામાં શેરબજાર પર તેની માઠી અસર પડી રહી છે. છેલ્લા ઘણા સમયથી શેરબજાર મંદીની ગર્તામાં ધકેલાય ગયું છે અને દિનપ્રતિદિન મંદી વિકરાળ બની રહી છે.
આજે ઉઘડી બજારે શેરબજાર પડીને પાદર થઇ ગયું હતું. સેન્સેક્સ અને નિફ્ટી સાથે બેન્ક નિફ્ટી અને નિફ્ટી મીડકેપ ઇન્ડેક્સ પણ રેડ ઝોનમાં ગરકાઉ થઇ ગયા હતા. આજે મંદીમાં પણ ટીસીએસ અને ઓએનજીસીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે જેએસડબલ્યુ સ્ટીલ, એચડીએફસી લાઇફ, આઇટીસી અને એચડીએફસી બેન્કના શેરોના ભાવમાં તોતીંગ કડાકા બોલી ગયા હતા.
આજે સેન્સેક્સ 57140ની ઉપલી સપાટીએ પહોંચ્યા બાદ 57 હજારની સપાટી તોડી 56612 પોઇન્ટ નીચલી સપાટીએ પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટીએ 17099 પોઇન્ટના લેવલને હાંસલ કર્યા બાદ 16916 સુધી નીચો સરક્યો હતો.આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 1149 પોઇન્ટના ઘટાડા સાથે 57003 પોઇન્ટ પર જ્યારે નિફ્ટી 337 પોઇન્ટના કડાકા સાથે 17037 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયા 16 પૈસાના ઘટાડા સાથે 75.74 પર ટ્રેડ કરી રહ્યો છે.