કૌશલ્યપૂર્ણ તાલીમ આપીને રોજગારી આપવાની વડાપ્રધાન મોદીના મહત્વાકાંક્ષી યોજના કૌશલ વિકાસ યોજના હેઠળ ગુજરાતમાં નોંધાયેલ ૯૭,૪૯૭ ઉમેદવારોમાંથી ૧૮,૦૦૯ ઉમેદવારોને જ રોજગારી મળે
એક સમયે કારીગરી ક્ષેત્રે ગુજરાતનો ડંકો વાગતો હતો ભગવાન વિશ્વકર્માના સંતાનો ગણાતા કારીગરો પોતાની પરંપરાગત કલા કારીગીરીના આધારે રાજયમાં વિવિધ મોટા ઉઘોગો સ્થાપવામાં સફળ થયા હતાં. રાજકોટનો એન્જીનીયરીંગ ઉઘોગ, થાનનો માટી કામ ઉઘોગ, જેતપુરનો સાડી કામ ઉઘોગ, જામનગરનો બ્રાસ પાર્ટ ઉઘોગ, રાજકોટનો જવેલરી ઉઘોગ સહિતના અનેક જેના ઉદાહરણ છે. કારીગરોની ગળથુથી કે ડિએનએમાં કારીગરો હોય તેઓ દ્વારા દિલથી કરવામાં આવતી કલા કારીગીરી દીપી ઉઠતી હતી. પરંતુ સમયાંતરે કારીગરો પરંપરાગત પોતાની કલા-કારીગરીથી વધારે આવક ન મળતી હોવાના કે અન્ય કારણોસર ઉદાસીનતા સેવી અબાલ થવા લાગ્યા હતા. અને અન્ય ધંધા-રોજગારો તરફ વવ્યા હતા.
જેથી કલા-કારીગરી ક્ષેત્રે પારાંગત કારીગરોની ધીમે ધીમે અછત વરતાવા લાગી છે. વળી, ટેકનોલોજીના થયેલા વિકાસના કારણે કુશળ કારીગરોની માંગમાં વધારો થવા પામ્યો છે. હાલમાં રાજયમાં સ્થિતિ એવી છે કે પરંપરાગત કારીગરો અન્ય વ્યવસાય ક્ષેત્રમાં લાગી ગયા.
હોય શ્રમિક ક્ષેત્રમાં અનુભવી કારીગરોને સરકારી કે ખાનગી નોકરી કરતા પણ સારું વળતર મળતું હોવા છતાં સારા કારીગરોની અછત વર્તાવા લાગી છે જેથી, આ સમસ્યાને નિવારવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના બનાવીને શ્રમિક ક્ષેત્રમાં નિપુણતાવાળા કારીગરો તૈયાર કરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. આ યોજના દ્વારા બેરોજગારી પણ ઓછી થવાની સંભાવના સેવવામાં આવી હતી.
પરંતુ તાજેતરમાં આ યોજનાના બહાર આવેલા આંકડાઓમાં ગુજરાતમાં જેનો નબળો અમલ થયો હોય તેમ રોજગારી આપવામાં દેશભરના રાજયોમાં છેક ૧પમાં ક્રમે ધકેલાઇ ગયું છે. રાજય સભાના સાંસદ પ્રતાપસિંહ બાજવાએ પુછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રાજયમંત્રી અનંતકુમાર હેગડેએ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના વર્ષ ૨૦૧૬ થી અત્યાર સુધીના આંકડા રજુ કર્યા હતા.
જેમાં આ યોજનામાં નોંધાયેલા ઉમેદવારો, જેમને મળેલી ટ્રેનીંગ સર્ટીફીકેટ અને તેમાંથી કેટલાને રોજગારી મળી તેની તમામ વિગતો આપવામાં આવી હતી. જે મુજબ ગુજરાતમાં આ યોજના હેઠળ ૯૭,૪૭૯ ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી ૧૮,૦૦૯ ઉમેદવારોને રોજગારી મળ્યાનું ખુલવા પામ્યું હતું. જયારે ઉત્તરપ્રદેશમાં નોંધાયેલા ૬,૬૮,૩૦૧ ઉમેદવારોમાંથી ૧,૬૫,૧૦૫ ઉમેદવારોને રોજગારી આપવા સાથે પ્રથમ ક્રમે રહ્યું હતું.
આ યોજના હેઠળ ઉમેદવારને તાલીમ પ્રમાણપત્ર આપવાના ૯૦ દિવસની અંદર પ્લેસમેન્ટ ડેટાની જાણ કરવામાં આવે છે આ અહેવાલ મુજબ ર૪ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ આ યોજના હેઠળ ૨૧.૦૩ લાખ ઉમેદવારો પ્રમાણિત થયા હતા. ૯૦ દિવસ પહેલા પ્રમાણિત ઉમેદવારોની સંખ્યા ૧૯.૩૯ લાખ હતી આમાંથી સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રોમાં ૧૦.૬૪ લાખ ૫૫ ટ ઉમેદવારોને વિવિધ ક્ષેત્રોમાં રોજગારી મળી ચૂકી હતી.
ગુજરાતમાં આ યોજનાને મળેલા નબળા પ્રતિસાદ અંગે શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧ થી આ પ્રકારની યોજના ચલાવવામાં આવે છે જેમાં દર વર્ષે એક લાખ યુવાનોને તાલીમ આપવામાં આવે અને તેમાંથી મોટાભાગના યુવાનોને રોજગારી મળે છે રાજય સરકારના કૌશલ્ય વર્ધન કેન્દ્રોને એવો સ્થળો પર સારો પ્રતિસાર મળ્યો છે કે જયાં આઇટીઆઇ નથી. રાજયભરમાં આઇટીઆઇની સંખ્યા પણ વિશાલ હોય ગુજરાતના યુવાનો આઇટીઆઇમાં મોટી સંખ્યામાં જોડાઇને વિવિધ કોર્ષો કરીને કૌશલ્યપૂર્ણ તાલીમ મેળવીને રોજગાર મેળવેલ છે.