ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાના વધતાં પ્રકોપના કારણે વિશ્વભરના શેરબજારોમાં મંદીની મોકાણ
ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસમાં થઇ રહેલા સતત વધારાના કારણે વિશ્વભરના શેરબજારોમાં મંદીની મોકાણ સર્જાય છે. આજે સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં મંદી રહેવા પામી હતી. સેન્સેક્સે 28 હજારની સપાટી તોડી હતી. નિફ્ટીમાં પણ તોતીંગ ગાબડાં પડ્યા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં સામાન્ય નરમાશ જોવા મળી હતી. રોકાણકારોમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી હતી.
આજે સતત ત્રીજા દિવસે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ રેડ ઝોનમાં રહ્યાં હતાં. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સે 61 હજારની સપાટી તોડી હતી અને 60,938.38ના લેવલ સુધી નીચે ગરકાવ થઇ ગયો હતો. ત્યારબાદ થોડી રિક્વરી જોવા મળતાં સેન્સેક્સ ફરી 62 હજારની સપાટીને ઓળંગવા સફળ રહ્યો હતો. આજે બજારમાં એક હજારથી પણ વધુ પોઇન્ટની અફરાતફરી રહેવા પામી હતી. સેન્સેક્સે ઇન્ટ્રાડેમાં 62,006.46ની સપાટી હાંસલ કરી હતી. નિફ્ટીમાં પણ તોતીંગ કડાકા બોલી ગયા હતાં.
ઇન્ટ્રાડેમાં નિફ્ટી 18162.75ના નીચલા લેવલ સુધી પહોંચી ગયા બાદ ઉંચકાઇને 18,473.35 સુધી ઉપર આવ્યું હતું. બેંક નિફ્ટી અને નિફ્ટી મિડકેપ-100માં પણ આજે તોતીંગ ધોવાણ થવા પામ્યું હતું. આજની મંદીમાં ગ્લેનમાર્ક, મેટ્રો પોલીસ, ડો.લાલપેથ લેબ, ડેવિસ લેપ્સ જેવી કંપનીના શેરોના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ, મેક્સ ફાઇનાન્સિયલ, રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેંક, પીએનબી, વોડાફોન-આઇડિયા, ભેલ, આઇડીએફસી ફર્સ્ટ બેંક સહિતની કંપનીઓના શેરના ભાવ તૂટ્યા હતા. બૂલીયન બજારમાં આજે તેજી જોવા મળી હતી. સોના અને ચાંદીના ભાવો ઉંચકાયા હતા.
આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 581 પોઇન્ટના ઘટાડા સાથે 61,121 અને નિફ્ટી 167 પોઇન્ટના ઘટાડા સાથે 18218 પર કામકાજ કરી રહી છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો બે પૈસાની નરમાશ સાથે 82.77 પર કામકાજ કરી રહ્યો છે. વિશ્વભરના શેરબજારો પર આજે કોરોનાની વિપરિત અસર જોવા મળી હતી. આગામી દિવસોમાં પણ શેરબજારમાં મંદી વધુ પ્રબળ બને તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.