- ભલે વિશ્વ ઉપર મંદીના વાદળો છવાય, ભારત માટે આવનારા દિવસો સારા જ રહેવાના
- સરકાર અને આરબીઆઇ ફુગાવો ઘટાડવાની સાથે અર્થતંત્રને વેગ આપતા રહે એટલે સ્થિતિ ટનાટન જ રહેશે
ભારતમાં મંદીને કોઈ સ્થાન નથી. ભલે વિશ્વ ઉપર મંદીના વાદળો છવાય, ભારત માટે આવનારા દિવસો સારા જ રહેવાના છે. સરકાર અને આરબીઆઇ ફુગાવો ઘટાડવાની સાથે અર્થતંત્રને વેગ આપતા રહે એટલે અર્થતંત્ર ટનાટન જ રહેશે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.
હિંદુસ્તાન યુનિલિવર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સંજીવ મહેતાએ જણાવ્યું હતું કે ભારત મંદીનો સામનો કરે તેવી શક્યતા નથી. ભલે વિશ્વ ઉપર આર્થિક સંકટ તોળાઈ રહ્યું હોય પણ ભારતનું ઉભરતું અર્થતંત્ર છે. જેમાં જરા પણ નકારાત્મક અસરની સંભાવના જરા પણ દેખાઈ રહી નથી. તેઓએ કહ્યું કે “મને ભારતમાં મંદી દેખાતી નથી. આ તબક્કે, હું આશાવાદી છું કે આપણું અર્થતંત્ર 6-7%ના ક્ષેત્રમાં વૃદ્ધિ પામી શકે છે, જે સંજોગોમાં એક મોટી સિદ્ધિ હશે. રિઝર્વ બેંક અને સરકાર પડકારજનક સ્થિતિ હોવા છતાં સારું કામ કરી રહ્યા છે.
સરકાર માટે બે આવશ્યકતાઓ છે – એક ફુગાવાને કાબૂમાં રાખવાની અને બીજી અર્થવ્યવસ્થાને આગળ વધતી રાખવી. વર્ષના અડધા માર્ગમાં, કેટલીક મોટી અર્થવ્યવસ્થાઓ વાજબી અંશે વિશ્વાસ સાથે કહી શકે છે કે તેઓ 7 ટકાની આસપાસ વૃદ્ધિ કરી શકે છે.
ભારત વિશ્વને નવી દિશા બતાવી રહ્યું છે: પિયુષ ગોયલ
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે ભારત પ્રગતિના પંથે ચાલવા માટે વિશ્વને એક નવી દિશા બતાવી રહ્યું છે. વિશ્વભરની અર્થવ્યવસ્થાઓમાં મંદી છે. વિશ્વનો જીડીપી વૃદ્ધિ દર ઘટી રહ્યો છે. આજે ઘણા દેશોમાં ફુગાવો 10 ટકાથી વધુ છે. આવી સ્થિતિમાં ભારત વિશ્વને પ્રગતિના પંથે ચાલવા માટે એક નવી દિશા બતાવી રહ્યું છે. પીએમ મોદીના નિર્ણાયક નેતૃત્વમાં ભારતનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે.
વૈશ્ર્વિક અર્થતંત્રની પીડાને આઇટી ક્ષેત્ર આપશે રાહત
વિશ્વ ઉપર મંદી તોળાઈ રહી છે. પરંતુ વિશ્વની આ સમસ્યામાં સૌથી વધુ રાહત આઇટી ક્ષેત્ર આપી શકે છે. કારણકે આઇટી ક્ષેત્રની આવકમાં આ વર્ષે 5.7 ટકા અને 2023માં 5.2 ટકા વૃદ્ધિ થવાની ધારણા છે. તેમ આઇડીસીના અહેવાલમાં જણાવાયું છે. વધુમાં અહેવાલમાં જણાવાયું છે કે આ ક્ષેત્રની આવક વધતા વૈશ્વિક અર્થતંત્રને ઘણો લાભ થવાનો છે.