જુના સ્ટેમ્પ પેપર લઈ ન શકનારાની સાથે લઈ શકનારા પણ પસ્તાયા
જેટલાએ જુના સ્ટેમ્પ લીધા અને કોઈ સંજોગોમાં દસ્તાવેજ કરાવવા શક્ય ન બન્યા તેઓ હેરાન થઈ ગયા : સ્ટેમ્પ પેપર જમા કરાવી રિફંડ મેળવવાની ઓનલાઇન સિસ્ટમ તો શોભાના ગાંઠિયા જેવી, ઓફલાઇન પ્રક્રિયામાં પણ સ્ટાફ અરજદારોને લાંબા કરી દેતા હોય ભારે કચવાટ
જુના સ્ટેમ્પ પેપર લઈ ન શકનારાની સાથે લઈ શકનારા પણ પસ્તાયા છે. જેટલાએ જૂની જંત્રીનો લાભ મેળવવા માટે જુના સ્ટેમ્પ પેપર લીધા હતા. બાદમાં તેઓ કોઈ સંજોગો અનુસાર દસ્તાવેજ કરાવી શકતા ન હોય તેઓ બરાબરના ફસાયા છે. કારણકે જુના સ્ટેમ્પ પેપર જમા કરાવીને રિફંડ મેળવવાની ઓનલાઇન પ્રક્રિયા શોભાના ગાંઠિયા જેવી છે. પરિણામે અરજદારો ઓફલાઇન સિસ્ટમમાં પ્રક્રિયા કરાવવા મજબુર બન્યા હોય ત્યાં તો સ્ટાફ અરજદારોને લાંબા કરી દેતો હોવાની ફરિયાદ ઉઠી છે. જેને પરિણામે ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા ૧પ એપ્રિલથી રાજયભરમાં મિલકત નોંધણી માટેના જંત્રીના દરમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન 14 એપ્રિલ સુધીમાં જે લોકોએ દસ્તાવેજ કરવા માટે સ્ટેમ્પ લીધા છે. તેવા લોકો માટે દસ્તાવેજ કરાવવાનો આગામી સોમવારે અંતિમ દિવસ છે.
રાજય સરકાર દ્વારા રાતોરાત જંત્રીના ભાવો ડબલ કરી નાખવામાં આવતા રાજયભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. દરમિયાન સરકાર દ્વારા લોકોમાંથી ઉઠેલા વિરોધને ઘ્યાનમાં રાખી નવી જંત્રીની અમલવારી ૧પમી એપ્રિલ સુધી મોકુફ રાખવાની ઘોષણા કરી હતી. જેમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે 14 એપ્રિલ સુધીમાં નોંધણી માટે સ્ટેમ્પ તૈયાર કરાવી લેનાર વ્યકિતને ૧૨૦ દિવસ સુધી જુની જંત્રીનો લાભ મળશે આ ૧૨૦ દિવસની મુદત આગામી 14 ઓગષ્ટે પુરી થઇ રહી છે. જુના જંત્રી ભાવે દસ્તાવેજ કરવાનો અંતિમ દિવસ 14 ઓગષ્ટ સુધીની છે.
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 32- કના અસરકારક અમલ માટે રાજયની જમીનો સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) 2011ના ભાવોમાં તા.15/04/2023 થી વધારો અમલમાં આવ્યો છે. જેથી, તા.15/04/203 કે તે પછી નોંધણી અર્થે રજુ થતા દસ્તાવેજો માટે કરાયેલી સ્પષ્ટતા અનુસાર તા.15/04/2023 પહેલા (તા.14/04/2023 સુધીમાં) પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે અને આવા દસ્તાવેજ ઉપર પક્ષકારીની સહી થયાની તારીખ પહેલાં અથવા સહી થયાની તારીખના પછીના તરતના કામકાજના દિવસ સુધીમાં જરૂરી હોય તે રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલ હશે તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજૂ થશે તો તેવા દસ્તાવેજમાં તા.15/04/2023થી વધારેલ જંત્રી ભાવ લાગુ પડશે નહીં. પરંતુ, તે પહેલાના ભાવ વધારા સિવાયના અમલી જંત્રી ભાવ (જૂની જંત્રીના ભાવ) મુજબ દસ્તાવેજમાં મિલકતની બજાર કિંમત તથા સ્ટેમ્પ ડ્યુટી ગણવામાં આવશે.
તેમજ તા.15/04/2023 પહેલાં સહી થયેલ અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલ લેખ તા.15/04/2023થી ચાર માસ એટલે કે તા.14/08/2013 સુધી દસ્તાવેજની નોંધણી કરાવવામાં આવશે તો જુની જંત્રીનો લાભ આપવામાં આવશે.
હવે જે લોકોએ જુના સ્ટેમ્પ લઈ લીધા છે. તેવા લોકોને કોઈ સંજોગો વસાત હવે દસ્તાવેજ કરાવવા શક્ય ન બન્યા તેઓ હેરાન થઈ ગયા છે. સ્ટેમ્પ પેપર જમા કરાવી રિફંડ મેળવવાની ઓનલાઇન સિસ્ટમ તો શોભાના ગાંઠિયા જેવી છે તેમાં પ્રક્રિયામાં અનેક લોચા થઈ રહ્યા હોવાનું અરજદારો જણાવી રહ્યા છે. જ્યારે ઓફલાઇન પ્રક્રિયામાં પણ સ્ટાફ અરજદારોને લાંબા કરી દેતા હોય ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.
ઓનલાઇન સિસ્ટમ અરજદારો માટે સુવિધાયુક્ત, પણ સિસ્ટમ મેચ્યોર નથી : એન.જે.પટેલ
રેવન્યુ એડવોકેટ એન.એચ. પટેલે જણાવ્યું કે હાલ દસ્તાવેજ નોંધણી સહિતની પ્રક્રિયામાં ઓનલાઇન સુવિધા અરજદારો માટે સરળ બની શકે છે.પણ સિસ્ટમ મેચ્યોર નથી. ઓનલાઇન પ્રક્રિયા કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે તેમ છે. ઘણી વખત ઓનલાઇન પ્રોસેસ ધીમી ચાલતી હોય છે ઓટીપી આવે ત્યાં સમય પૂરો થઈ ગયો હોય છે. આ ઉપરાંત સ્ટેમ્પ પેપર જમા કરાવવા ઉપર મળતું રિફંડ પણ ખૂબ મોડું આવે છે.
પૈસા સમયસર ભરાઈ છે, પણ રિફંડની વાત આવે ત્યારે કોઈ ચોક્કસ સમય નથી હોતો : સી.એચ.પટેલ
રેવન્યુ એડવોકેટ સી.એચ. પટેલે જણાવ્યું કે સ્ટેમ્પ જમા કરાવવાના કેસોમાં રિફંડ ખૂબ મોડું આવે છે તે પ્રશ્ન જટિલ છે. પૈસા તો સમયસર ભરાઈ છે. પમ રિફંડની વાત આવે ત્યારે કોઈ ચોક્કસ સમય હોતો નથી. રિફંડ માટે બેથી પાંચ મહિના સુધી ક્યારે પૈસા પરત મળશે તેનું કોઈ નક્કી રહેતું નથી. આ સિસ્ટમમાં તંત્રએ સુધારા કરવાની તાતી જરૂરિયાત છે.