વૈશ્વિક મહામારી કોરોનામાં લોકડાઉનના ૫૪ દિવસ જેટલો સમયમાં નાગરીકોની પારાવાર મુશ્કેલીઓમાં રોજનું લાવીને રોજનું કમાનાર રીક્ષાચાલકો, ફેરીયાઓ, સ્વરોજગારી વગેરેનું કામ કરતાં લોકો માટે સરકારે મોટી જાહેરાત કરી હોઈ તેમ વાત કરી છે તેમ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકત્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતુ કે સરકારની અનેક જાહેરાતોની જેમ આ જાહેરાત ન રહી જાય તે જોવાનું રહ્યું. રાજ્યમાં રોજનું કમાઈને રોજનું ખાનાર વર્ગ જેવા કે, રીક્ષાચાલકો, સુથાર, કડીયા, વાળંદ, મોચી, પ્લમ્બર, ઈલેકટ્રીશીયન, ગેરેજ વર્કસ, કલરકામ, લારી-ગલ્લાચાલક, પાથરણાવાળા, પથ્થર કામ કરનાર, લાકડા કામ કરનાર (કાર પેન્ટર), ટાઈલ્સનું કામ કરનાર વગેરે કારીગરોનો ખૂબ મોટો વર્ગ છે. આવા કારીગરોની આવક લોકડાઉનના કારણે બંધ થઈ હોવાથી પરીવારનું ગુજરાત ચલાવવામાં ભારે મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે આવા લોકોને કોંગ્રેસ પક્ષની પહેલાંથી જ માંગ હતી કે આર્થિક સહાય/રાહત આપવામાં આવે નહીં કે લોનની લોલીપોપ. ભૂતકાળમાં પણ સરકારે આવી લોનની જાહેરાત કરી છે તેમાં ગેરેન્ટરી વગર બેંકો દ્વારા લોન ન આપવી વગેરે સહિતના અનેક પ્રશ્નો ઉભા થાય છે. સરકાર અગાઉ પણ શિક્ષણ-રોજગાર માટે વ્યાજ વિનાની લોનની જાહેરાત કરી ચુકી છે પણ સામાન્ગ માણસ લોન લેવા બેંકમાં જાય ત્યારે બેંક ગેરેન્ટર માગે છે અને આવા માણસોને લોન આપવામાં આવતી નથી. પરીણામે નાના વર્ગના નાગરીકોને પોતાનું ગુજરાન ચલાવવા એક લાખ જેવી મામુલી રકમની પણ લોન મળી શકતી નથી.

ન્યાય યોજના અંતર્ગત પહેલાંથી જ તેઓના ખાતામાં સીધા પૈસા આપવામાં આવે જેથી તેઓ પરીવારનું ગુજરાત ચલાવી શકે કારણ કે રીક્ષાચાલકો છેલ્લા ત્રણ મહીનાથી લોનના હપ્તાઓ ભરી શકયા નથી, ૩૩% રીક્ષાચાલકો લોનના હપ્તાઓથી ચાલે છે, ૩૩% રીક્ષાઓ ભાડાથી ચાલે છે અને ૩૩% રીક્ષાચાલકોના માલિકો જુદા હોઈ છે. હાલના લોકડાઉન સમય બાદ નાના-મધ્યમ વર્ગના પરીવારોને ગુજરાત ચલાવવા પહેલા લોનની નહીં જીવન નિર્વાહ કરવા પરીવારનું ગુજરાન ચલાવવા આર્થિક સહાયની જરૂરીયાત છે. આ બધી પરિસ્થિતિમાં રોજેરોજનું કમાઈને ખાનાર વર્ગને બહાર લાવવા/પગભર કરવા, ધંધા-રોજગારમાં ગતિ લાવવા માટે સરકારે તેઓને આર્થિક સહાય સીધી તેઓના ખાતામાં આપવા જોઈએ. સરકારની આ જાહેરાત આત્મનિર્ભરને બદલે માત્ર જાહેરાત ન બની રહે અને નાના વર્ગના નાગરીકો કે જે રોજે રોજનું કમાઈ ખાનાર છે તેઓને આર્થિક સહાય સીધી જ તેઓના ખાતામાં કરવામાં આવે અને તેઓને આપવામાં આવેલ લોન સહાય ઝીરો ટકા વ્યાજે આપવામાં આવે તેવી માંગ પુન: કોંગ્રેસ પક્ષે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.