ચોમાસાના વિધિવત આગમન પૂર્વે જ સૌરાષ્ટ્રભરમાં વાવણી
સાવરકુંડલામાં ૨॥ ઈંચ, ખંભાળિયા-ભેંસાણમાં ૩ ઈંચ, માળિયા મિયાણા-ઉમરાળા-તાલાલા-જામજોધપુર-મોરબી-લાલપુર-કાલાવડમાં ૨ ઈંચ વરસાદ: રાજ્યના ૧૧૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું વિધિવત આગમન થયું નથી છતાં પ્રિ-મોન્સુન એક્ટિવીટીની અસરતળે છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વે જ મોટાભાગના જિલ્લાઓમાં વાવણીલાયક વરસાદ વરસી જતાં ખેડૂતોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. આ વર્ષ સોળ આની રહે તેવા સુખદ અણસારો જેઠ માસમાં જ મળી રહ્યાં છે. ગઈકાલે બપોરબાદ મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ભારે જમાવટ કરી હતી. રાજકોટ જિલ્લાના ગોંડલમાં અનરાધાર ૪ ઈંચ વરસાદ વરસી ગયો હતો તો ભાવનગર અને વલ્લભીપુરમાં ૩॥ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. સાવરકુંડલામાં ૩ ઈંચ, ખાંભામાં ૩ ઈંચ, ભેંસાણમાં ૩ ઈંચ, માળિયા મિયાણા, ઉમરાળા, તાલાલા, જામજોધપુર, મોરબી, લાલપુર અને કાલાવડમાં ૨ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. કોટડા સાંગાણી, કુતિયાણા, બગસરા, ઘોઘા, માણાવદર, વેરાવળ, પડધરીમાં ૧॥ વરસાદ પડ્યો હતો તો ગાંધીધામ, મુળી, જૂનાગઢ, સાયલામાં ૧ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. લીંબડી, ખાંભા, લોધીકા, વઢવાણ, ભાણવડ, બાબરા, માળીયા હાટીના, રાણપુર, વિસાવદર, કોડીનાર, સુત્રાપાડા, ઉના, વડીયા અને માંગરોળમાં ૧ ઈંચ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. જ્યારે લીલીયા, વાંકાનેર, વંથલી, કેશોદ, જસદણ, ચોટીલા, રાજકોટ, વિંછીયા, અમરેલી, જેસર સહિતના સૌરાષ્ટ્રના અનેક ગામોમાં હળવા ઝાપટાંથી લઈ અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૧૨ તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. હાલ મધ્ય ગુજરાત પર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યારે બંગાળની ખાડીમાં એક લો-પ્રેસર ઉદભવી રહ્યું છે. જેની અસરતળે રાજ્યમાં આગામી ૩ થી ૪ દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
મેઘકૃપા બાદ જગતાત વાવણીકાર્યમાં પોરવાયો
ખંભાળિયા
ખંભાળિયા પંથકમાં એક થી ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. ખેડૂતો ખુશ-ખુશાલ બન્યા હતા. તેલી નદીમાં એકા એક પુર આવતા ભારે આશ્ર્ચર્ય સર્જાયું હતું. અહીં મહાપ્રભુજી બેઠકની સમીપમાં જે પુલ નિર્માણનું કામ પુરબહારમાં કાર્યરત હતું જેમાં પુલ ઉપર ધ્રાબો નાખવા ચોકા ટેકા ગોઠવવામાં આવ્યા હતા તે તમામ સામાન્ય વરસાદમાં આવેલ પુરમાં તણાઈ ગયા હતા.
ગોંડલ
ગોંડલમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ વરસી ગયો હતો. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. રાતા પુલ અને ઉમવાડા અંડરબ્રીજમાં પાણી ભરાતાં વાહન વ્યવહાર અટકી ગયો હતો. શ્રી રામ સાર્વજનીક હોસ્પિટલ, રણછોડનગર, અરુણ કોલોની, પંચવટી સહજાનંદ નગર સહીતનાં વિસ્તારોમાં રહેતાં રહીશોનો શહેર સાથે સંપર્ક તુટી ગયો હોય તેમ બે કિ.મી.નું ચક્કર કાપી નેશનલ હાઈવે પરથી વરસાદમાં અટવાયેલાં લોકો ઘરે પંહોચ્યાં હતાં. ભારે વરસાદથી કોલેજ ચોક સહીત વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. પંચવટી સહજાનંદ નગર માં પ્રવેશતી વેળા બુગદા ઉપરનાં પુલને નુકશાન પંહોચ્યાં નગરપાલિકા તંત્ર દોડી ગયું હતું.
મોરબી
મોરબીમાં વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ થયો હતો.જેમાં માળીયામાં એક કલાકમાં ઓઢમાર અઢી ઇંચ વરસાદ પડ્યો હતો અને મોરબીમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.જેના પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા. માર્ગો પર પાણી નદીના વહેણની માફક દોડ્યા હતા અને લાતી પ્લોટ સહિતના નીચાંણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.અમુક જગ્યાએ ઘરોમાં પાણી ઘુસી ગયાની ફરિયાદ ઉઠી હતી.જ્યારે મળિયા પંથકમાં એક કલાકમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ ખાબકતા પાણી પાણી થઈ ગયું હતું અને માળીયા પંથક જળ તરબોળ થઈ ગયું હતું.જ્યારે માળીયાની ઘોડાધ્રોઈ નદી બે કાંઠે વહેવા લાગી હતી. મોટાભાગના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.જોકે વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. માળીયા તાલુકામાં ૬૦ મિમી વરસાદ અને મોરબીમાં ૨૮ મિમી વરસાદ તેમજ વાંકાનેરમાં ૧૬મિમી વરસાદ પડ્યો હતો.જ્યારે મોરબી નગરપાલિકા વિસ્તારમાં ૩૨ મિમી વરસાદ પડ્યો હતો. જોકે હળવદ અને ટંકારા તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો.
જૂનાગઢ
જૂનાગઢમાં ૩૧ મીમી, ભેસાણમાં ૭૩ મીમી, વંથલી ૧૬ મીમી, અને કેશોદમાં ૧૩ મીમી, વિસાવદરમાં ૨૨ મીમી, માળીયા ૨૩ મીમી, માણાવદરમાં ૩૪, માંગરોળમાં ૧૯ અને મેંદરડામાં ૪ મીમી વરસાદ આજ સવાર સુધીમાં નોંધાયો છે. શહેરના મજેવડી દરવાજા નજીક આવેલ અંડર બ્રિજ પહેલા જ વરસાદમાં બેટમાં ફેરવાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ જવા પામેલ છે, તો મધુરમ વિસ્તારમાં આવેલ મંગલધામ ૧ માંથી પસાર થતા વોકળા પેક કરી દેવામાં આવેલ હોવાથી વોકળાના ગંદા પાણી રસ્તા પર ફળી વળ્યા હતા. જ્યારે બહાઉદ્દીન કોલેજ નજીકના હાજીયાણી બાગના મેદાન અને હાઉસિંગ બોર્ડની ગલીઓમાં પાણી ભરાયાં હતાં.
બીજી બાજુ ભેસાનમાં પણ ભારે વરસાદના પગલે પ્રથમ વરસાદમાં જ ઉબેણ નદીમાં ઘોડાપુર આવ્યા હોવાના વાવડ મળી રહ્યા છે. તો જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી આંબાજળ ડેમમાં ગઈકાલે ૨ કલાકમાં ૪૩૭ ક્યુસેક નવા નીરની આવક થઇ હતી.
જામનગર
જામનગર જિલ્લામાં પણ ગઈકાલે સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો હતો. કાલાવાડ, લાલપુર, જામજોધપુર, ધ્રોલ, જોડીયામાં હળવા ઝાપટાંથી લઈ બે ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. જામજોધપુરમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મહેર ઉતારી હતી અને ૨ ઈંચ વરસાદ વરસી ગયો હતો. આજે સવારથી સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં વાદળછાંયુ વાતાવરણ છવાયું છે.
ગુજરાતમાં ૧૫મી જૂને ચોમાસુ બેસે તેવા ઉજળા સંજોગો
મધ્ય ગુજરાતમાં સાયકલોનિક સરકયુલેશનની અસર તળે આગામી ૪૮ કલાક રાજયમાં વરસાદની આગાહી
ગુજરાતમાં નિર્ધાર્તિ સમયે એટલે કે ૧૫મી જૂને નૈઋત્યનું ચોમાસુ બેસી જાય તેવા ઉજળા અને સાનુકુળ સંજોગો રચાયા છે. મધ્ય ગુજરાતમાં સાયકલોનિક સરકયુલેશન સર્જાયું છે. જેની અસરના કારણે આગામી ૪૮ કલાક રાજયભરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.હાલ નૈઋત્યનું ચોમાસું ગૌવા સુધી પહોચી ગયું છે. અને ખૂબજ સારી રીતે અગળ વધી રહ્યું છે. ગુજરાતમાં ૧૫મી જૂન આસપાસ ચોમાસુ બેસી જાય તે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. હાલ જે ગતીથી ચોમાસુ આગળ વધી રહ્યું છે અને સાનુકુળ સંજોગો જોવા મળી રહ્યા છે જો કોઈ અવરોધ ઉભો નહી થાય તો ૧૫મીએ ચોમાસાનું આગમન થઈ જશે.હાલ મધ્ય ગુજરાતમાં ૩.૧ કિ.મી.થી ૩.૬ કિ.મી. વચ્ચેએક સાયકલોનિક સરકયુલેશન સર્જાયું છે. જેની અસરનાં કારણે રાજયભરમાં આગામી ૪૮ કલાકમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. બંગાળની ખાડીમાં પણ એક લો-પ્રેશર સર્જાયું છે. જે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાશે જોકે તેની ઈફેકટ સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં નહી વર્તાય ઓડિસ્સા સહિતના રાજયોમાં ભારે વરસાદ વરસી શકે છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રમાં વરસાદની શકયતા રહેલી છે.
સાર્વત્રિક વરસાદથી ર૪ જળાશયોમાં નવા નીરની આવક
મીણસારમાં ૧૬.૭૩ ફુટ, ફુલઝર-રમાં ૧૪.૯૩ ફુટ, ગોંડલીમાં ૭.૮૭ ફુટ, ઇશ્ર્વરીયામાં ૪.૫૯ ફુટ અને સાંકરોલીમાં પ ફુટ પાણી આવ્યું
સૌરાષ્ટ્રમાં સોમવારે પડેલા સર્વાત્રિક વરસાદના કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે. ર૪ જળાશયોમાં પાણીની આવક થયાનું નોંધાર્યુ છે. પ્રિ-મોનસુન એકિટવીટીની અસર તળે પડેલા વરસાદમાં જ જળાશયોમાં પાણીની આવક થયાનું શરૂ થતાં સારા સંકેતો હોવાનું મનાઇ રહ્યું છે.
રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા ર૪ કલાક દરમિયાન ર૪ જળાશયોમાં નવા નીરની આવક થયાનું નોંધાયું છે. રાજકોટ જિલ્લાના ડોંડી ડેમમાં ૧.૩૧ ફુટ, ગોંડલીમાં ૭.૮૭ ફુટ, વાછપરીમાં ૧.૧૨ ફુટ, વેરીમાં ૨.૫૯ ફુટ, ફાડદંગ બેટીમાં ૧.૩૧ ફુટ, ખોડાપીપરમાં ૦.૩૩ ફુટ, લાલપરીમાં ૦.૧૬ ફુટ, ઇશ્ર્વરીયામાં ૪.૫૯ ફુટ, કરમાળમાં ૧.૯૭ ફુટ, કર્ણુંકીમાં ૩.૨૮ ફુટ, મોરબી જિલ્લાના મચ્છુ-૧ ડેમમાં ૦.૧૬ ફુટ, મચ્છુ-ર ડેમમાં ૦.૦૭ ફુટ, બ્રાહ્મણીમાં ૧.૮૦ ફુટ, મચ્છુ-૩ માં ૧.૮૦ ફુટ, જામનગર જિલ્લાના ફુડઝર-ર ડેમમાં ૧૪.૯૩ ફુટ, ડાઇ મીણસારમાં ૦.૭૫ ફુટ, ઉમીયા સાગર ડેમમાં ૧.૯૭ ફુટ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘી ડેમમાં ૨.૦૩ ફુટ, વેરાડી-૧ ડેમમાં ૧.૬૪ ફુટ, મીણસાર (વાનાવડ)માં ૧૬.૭૩ ફુટ, સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ ડેમમાં ૦.૭૨ ફુટ, વઢવાણ ભોગાવો-ર (ધોળી ધજા) માં ૦.૫૦ ફુટ, ત્રિવીણી ઠાંગામાં ૦.૬૬ ફુટ અને અમરેલી જિલ્લાના સાકરોલી ડેમમાં ૪.૯૯ ફુટ પાણીની આવક થવા પામી છે.
ગુજરાતમાં ચોમાસાનો સત્તાવાર આરંભ થયો નથી હાલ પ્રિ-મોનસુન એટિવીટીની અસર તળે વરસેલા વરસાદમાં જ જળાશયોમાં પાણીની આવક થતા જગતાતમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે.