- 3 ડીસીપી, 7 એસીપી, 18 પીઆઈ, 57 પીએસઆઈની સાથે 25 વીડિયોગ્રાફરોને પણ તૈનાત રખાશે
આવતીકાલે મુસ્લિમ બિરાદરોનો શહીદીના પર્વ તાજીયા નિમિત્તે શહેરભરમાં કુલ 195 તાજીયા સહીત કુલ 221 જેટલાં ઝુલુસ નીકળનાર છે ત્યારે મુસ્લિમ બિરાદરોના પાક પર્વમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગઈકાલે પોલીસ કમિશ્નર કચેરી ખાતે શહેરના તમામ પોલીએ અધિકારીઓની બેઠક યોજી બંદોબસ્તનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. જે બંદોબસ્ત પ્લાન હેઠળ તાજીયાના જુલુસમાં 3 ડીસીપી, 7 એસીપી, 18 પીઆઈ, 57 પીએસઆઈ સહીત કુલ 1789 પોલીસ અધિકારી-કર્મચારીઓ બંદોબસ્તમાં હાજર રહેનાર છે.
શહેર પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર શહેરના અલગ અલગ પોલીસ મથક વિસ્તારોમાંથી કુલ 195 તાજીયા પડમાં આવશે. જેમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 21 તાજીયા અને 4 પંજાસવારી, કુવાડવા પોલીસ મથક વિસ્તારમાં 1 તાજીયા, થોરાળા પોલીસ મથક વિસ્તારમાં 31 તાજીયા અને એક ડુલડુલ, આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં 8 તાજીયા, ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં 60 તાજીયા, પ્ર.નગર વિસ્તારમાં 14 તાજીયા અને 12 પંજાસવારી, ગાંધીગ્રામ પોલીસ વિસ્તારમાંથી 30 તાજીયા 2 પંજાસવારી અને એક ડુલડુલ, યુનિવર્સીટી પોલીસ મથક વિસ્તારમાં 5 તાજીયા, એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં 25 તાજીયા, 1 અખાડા, 2 પંજાસવારી, 3 ડુલડુલ, માલવિયાનગર પોલીસ વિસ્તારમાં 5 તાજીયા, તાલુકા પોલીસ મથક વિસ્તારમાં 55 તાજીયા એમ કુલ 195 તાજીયા, 1 અખાડા, 20 પંજાસવારી, 5 ડુલડુલ સહીત કુલ 221 જુલુસ નીકળનાર છે.
જે જુલુસ દરમિયાન કયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાની આગેવાનીમાં બંદોબસ્તનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. જે મુજબ ડીસીપી ઝોન-1, ઝોન-2 અને ડીસીપી ટ્રાફિક સહીત કુલ ત્રણ ડીસીપી, એસીપી ક્રાઇમ સહીત કુલ 7 એસીપી, 18 પીઆઈ, 57 પીએસઆઈ, 710 પોલીસ જવાન, 148 મહિલા પોલીસકર્મીઓ, 608 હોમગાર્ડના જવાન, 222 ટીઆરબી જવાન અને 25 વીડિયોગ્રાફર હાજર રહેનાર છે.
રેન્જ હસ્તકના જિલ્લાઓમાં 300 તાજીયામાં 4700 પોલીસ અધિકારી-કર્મચારીઓનો ચાંપતો બંદોબસ્ત
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં મહોર્રમ નિમિત્તે 300થી વધુ તાજીયા પડમાં આવશે અને તેના જુલુસ નીકળનાર છે ત્યારે રાજકોટ રેન્જમાંથી મળતી વિગત અનુસાર આ જુલુસમાં કુલ 2 લાખથી વધુ લોકો ભાગ લઇ શકે છે તેવા અંદાજ સાથે રેન્જ હસ્તકના જિલ્લાઓમાં બંદોબસ્તનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. રેન્જ આઈજી અશોકકુમાર યાદવના નેતૃત્વમાં અલગ અલગ જિલ્લાના પોલીસ વડાના નિરીક્ષણ હેઠળ 15 જેટલાં ડીવાયએસપી, 200થી વધુ પીઆઈ અને પીએસઆઈ, 2500 જેટલાં એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તેમજ 2000થી વધુ હોમગાર્ડ, જીઆરડી અને ટીઆરબીના જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે. રેન્જ હસ્તકના જિલ્લાઓમાં નીકળનાર ઝૂલુસના વિસ્તારના આગેવાનો સાથે પોલીસ દ્વારા 100થી વધુ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી છે. મહોર્રમ નિમિત્તે અસામાજિક તત્વો દ્વારા કોઈ વાંધાજનક પોસ્ટ કે ટિપ્પણી કરવામાં ન આવે તે માટે સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવા અલગ અલગ 25 ટીમો કાર્યરત હોવાનું રેન્જ પોલીસે જણાવ્યું છે.