બાગાયતી ખેતીથી વધુ આવક મેળવતા ધ્રોલ પંથકના ખેડુત વર્ણવે છે ખેતીના અનુભવો
જયારથી ગલગોટાની ખેતી શરુ કરી ત્યારથી કયારેય ખિસ્સા ખાલી રહ્યા નથી તેમ ધ્રોલ પંથકમાં આધુનિક ખેતી બાગાયતી ખેતી અપનાવનાર ખેડુત ચતુરભાઇ ભીમાણીએ જણાવ્યું હતું.
જામનગર ગુજરાતના ખેડૂતો આજે પરંપરાગત પાકો તરફથી નવા પાકો, નવા ફળો, ફૂલોની જાતોની ખેતી તરફ વળ્યા છે. આવા જ અદ્યતન ખેતી તરફ વળીને નવા બાગાયતી પાકોની ખેતી કરતા જામનગરના ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામના પ્રગતિશીલ ખેડૂત ચતુરભાઈ ગણેશભાઈ ભીમાણીએ પોતાની ૧૧ એકર જમીનમાં ગલગોટા, ટેટી અને તરબૂચ જેવા બાગાયતી પાકોનું વાવેતર કર્યું છે. સામાન્ય રીતે જામનગરના ખેડૂતો પરંપરાગત પાકો માંડવી, કપાસ વગેરે જેવા પાકોનું વાવેતર કરતા હોય છે ત્યારે ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામના ચતુરભાઈ ખેતીમાં નવા બાગાયતી પાકો ખાસ કરીને ફૂલની ખેતી કરીને નવો ચીલો ચાતરી રહ્યા છે.
ચતુરભાઈ કહે છે કે મારા ૮ એકર વિસ્તારમાં ગલગોટા(મેરીગોલ્ડ)ની ચાર જાતિઓ અપ્સરા યલો, ટેનીસ બોલ પ્લસ, અશ્વગંધા પ્લસ અને ટોલ ગોલ્ડ નામક ચાર જાતિઓનું હું વૈજ્ઞાનિક ઢબે વાવેતર કરું છું સાથે અન્ય ૩ એકર વિસ્તારમાં ટેટી અને તરબુચની ખેતી ઋતુ અનુસાર કરું છું.
તેઓ કહે છે કે, ખેતીમાં નવા પાકોથી ખેડૂતો પોતાની લાગત સામે અનેકગણું વળતર મેળવી શકે છે પરંતુ સામાન્ય રીતે ખેડૂતો માંડવી,કપાસ,ચણા જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હોય છે એક જ પ્રકારના પાકનું વધુ પ્રમાણ હોવાથી તેમાંથી પૂરતું વળતર મેળવી શકાતું નથી.
હાલ અમે ગલગોટા, ટેટી અને તરબૂચનું વાવેતર કરીએ છીએ જેમાં ગલગોટાએ મને બારેમાસ આવક આપે છે. ગલગોટામાં પણ વૈજ્ઞાનિક રીતે વિકસિત કરેલા F-૧ છોડની જાતનો ઉપયોગ કર્યો છે જેનાથી મને તેમાંથી સતત આવક ચાલુ રહે છે. જ્યારથી ગલગોટાનું વાવેતર મેં ચાલુ કર્યું છે ત્યારથી આજ સુધી ક્યારેય મારા ખિસ્સા ખાલી રહ્યા નથી, આ નવા પાકોએ મને સતત સમૃદ્ધ બનાવ્યો છે. હાલ ટેટીના પાકમાં હું ગ્રો-કવર નો પ્રયોગ કરી રહ્યો છું. મારા ગલગોટાના પાકને હું રોજ રાજકોટ ખાતે વેચું છું જ્યાંથી મારા ફૂલ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જાય છે જે થકી હું રોજ મારા પાકનુ સારું વળતર વચેટિયા વગર મેળવું છું.
વળી ચતુરભાઈ ભીમાણીના દીકરી કે જેઓએ કૃષિમાં માસ્ટર ડિગ્રી મેળવેલ છે અને હાલમાં તેઓ કૃષિના વિષય પર જ પીએચ.ડી સંશોધન કાર્ય પણ કરી રહયા છે તેવા પૂજાબેન ભીમાણીએ નવી કૃષિ જાતો અને આધુનિક ખેતી વિશે જણાવ્યું હતું કે, હવે ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે વિકસાવેલી નવી જાતોનો ઉપયોગ કરે તે ખૂબ આવશ્યક છે, સામાન્ય રીતે હજુ પણ આપણો ખેડૂત વરસાદ પર આધારિત રહે છે ત્યારે પાકને પિયત માટે ટપક પધ્ધતિનો ઉપયોગ, ભેજ જાળવવા ગ્રો-કવર, મલ્ચીંગ જેવા સાધનોનો પ્રયોગ ખેડૂતોને ખૂબ લાભદાયી છે. મે મારા અભ્યાસ થકી મારા પિતાને ખેતીમાં અનેક નવી જાણકારીઓ આપી અને નવી ખેતી તરફ વાળ્યા છે, છેલ્લા પાંચ વર્ષથી અમે ગલગોટાની ખેતી કરી રહ્યા છીએ, જેના થકી ક્યારેય પાછું વળીને જોવાનો સમય આવ્યો નથી ત્યારે અન્ય ખેડૂતો પણ મલ્ચીંગ, ગ્રો-કવર જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને ખેતીમાંથી વધુ સારું વળતર મેળવી શકે છે સાથે જ નવા પાકનું વાવેતર કરી માર્કેટમાં પોતાના ઉત્પાદનનું સારું વળતર મેળવી શકે છે.