પતિના દબાણથી આરોપીને પેરોલ માટે લેટર લખનાર મહિલા સરપંચને હાઇકોર્ટનો કડક ઠપકો આપ્યો
મહિલા સરપંચ રબર સ્ટેમ્પની જેમ વર્તે તો મહિલા અનામતનો શું મતલબ/ હાઇકોર્ટના જસ્ટિસ અભિલાષાકુમારની ખંડપીઠે પેરોલ-ફર્લો પર જેલમાંથી બહાર આવેલા કેદીઓને પતિ કે અન્યોના દબાણમાં આવીને ગેરકાયદેસર રીતે ભલામણ પત્ર લખી આપી અદાલતની કાર્યવાહીમાં ખોટી રીતે હસ્તક્ષેપ કરવાના મામલે આ પ્રકારની અત્યંત માર્મિક અને તીખી આલોચના કરી હતી. ખંડપીઠે જેલ સમક્ષ હાજર થવામાં કેદીને મોડું થશે તેવી ભલામણ કરનાર મહિલા સરપંચ અને તલાટીનો ઉધડો લઇ લેખિતમાં માફી માગવાનો આદેશ પણ કર્યો છે.
આ કેસની હકીકત એવી છે કે, પંચમહાલ જિલ્લાના સામલી ગામના મહિલા સરપંચ દ્વારા એક આરોપીને જેલમાં મોડા હાજર થવા માટે એક પત્ર લખી આપ્યો હતો. જેમાં લખ્યું હતું કે, આરોપીના ઘરે એક સામાજિક કાર્યક્રમ હોવાથી તેઓ જેલમાં કેટલાક દિવસ મોડા હાજર થયા છે. હાઇકોર્ટે આરોપી જીતેન્દ્ર પટેલની જામીન અરજી ફગાવી દેતા આ બાબતની ગંભીર નોંધ લીધી હતી. તેમજ આ પ્રકારે પત્રો લખી આપનાર સરપંચ તલાટીને રૂબરૂ હાઇકોર્ટ સમક્ષ બોલાવ્યા હતા. જસ્ટિસ અભિલાષાકુમારીની ખંડપીઠે સમગ્ર બાબતને ગંભીર ગણાવી નોંધ્યું હતું કે,સરપંચ દ્વારા જેલ સત્તાવાળાઓને પત્ર લખી તેઓ જેલ સત્તાવાળા સમક્ષ મોડા હાજર થશે તેવું જણાવ્યું હતું. જે બાબતે હાઇકોર્ટે બે મહિલા સરપંચ સહિત તલાટીને હાઇકોર્ટની લેખિતમાં માફી માગવા આદેશ આપ્યો હતો. તેમણે એવી નોંધ પણ લીધી છે કે,તેઓ કોર્ટના ન્યાયિક ક્ષેત્ર અને જેલ સત્તાવાળાઓની કામગીરીમાં ખોટી હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો છે.
હાઇકોર્ટે એવી તીખી ટકોર કરી હતી કે,તેઓ સારા પત્ની છે, પરંતુ સરપંચ સારી નથી. આવા નબળા મહિલા સરપંચને કારણે અનામતની સમગ્ર પ્રક્રિયા અસરગ્રસ્ત થાય છે. જે હકો તેમને હસ્તક છે, તે તેમના પતિ અથવા કુટુંબના સભ્યો ભોગવે છે. તેઓ માત્ર રબર સ્ટેમ્પની ભૂમિકામાં છે. જો કે, દેશમાં અનેક સારા મહિલા સરપંચો છે અને પોતાની સ્વતંત્ર ભૂમિકા પણ ભજવી રહ્યા છે. સાથે જ ખંડપીઠે શંકા પણ વ્યક્ત કરી હતી કે,આ રીતે સર્ટિફિકેટ આપવું તે સરપંચ અને તલાટીની સામાજિક સેવા નહીં પરંતુ તેના બદલે કંઇ ઔર હોય તેમ જણાય છે.
સામલી ગામના મહિલા સરપંચે આરોપીને એવો પત્ર લખી આપ્યો હતો કે, આરોપીના ઘરે સામાજિક પ્રસંગ હોવાથી તેમની કામચલાઉ જામીન પૂર્ણ થયા હોવા છતાં તેઓ ત્રણ દિવસ મોડા જેલમાં હાજર થશે. સામાજિક પ્રસંગ હોવાની તેમણે આ બાબતની ખરાઇ પણ કરી છે. જોકે હાઇકોર્ટે મહિલા સરપંચને પૂછતાં તેમણે જણાવ્યું કે તેમણે તો માત્ર કેરેટકટર સર્ટિફિકેટ જ આપ્યું છે. કોર્ટે ગંભીરતાથી કહ્યું હતું કે,સર્ટિફિકેટમાં શું લખવામાં આવ્યું છે તે બાબતની પણ તેમને જાણકારી નથી. તેમના પતિ પૂર્વ સરપંચ અને હાલના પંચાયત સભ્ય છે. ત્યારે હજુ પણ ખરી સત્તા તો માત્ર પતિના હાથમાં જ છે.