બે દિવસમાં ૩૦૦ની ઓપીડી એક માસમાં ૧૦ જેટલી જટિલ સર્જરી
ત્રણ ન્યૂરો સર્જન સહિતના સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી
સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે રાજકોટ પીડિયુ સિવિલ હોસ્પિટલ આશીર્વાદ સમાન છે.સૌરાષ્ટ્ર-કચ્છ માંથી જટિલ અને નાના મોટા દર્દ ધરાવતા દર્દીઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે.ત્યારે રાજકોટમાં અગાઉ ન્યુરોલોજીસ્ટના તબીબ દ્વારા માત્ર ઓપીડી ચલાવવામાં આવતી હતી.પરંતુ થોડા વર્ષોથી સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન દ્વારા ઓપીડી પણ ચલાવવામાં આવે છે તેમજ જટિલ ઓપરેશનની સફળ સર્જરી કરવામાં આવે છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલના ન્યુરોલોજી વિભાગમાં હાલ ત્રણ નિષ્ણાંત તબીબો કાર્યરત છે.જેમાં આ વિભાગના મુખ્ય વડા તરીકે ડો.અંકુર પાંચાણી ફરજ બજાવે છે. ન્યૂરોસર્જરી વિભાગમાં ડો.મિલન સેજલિયાં અને ભાર્ગવ ત્રિવેદી દ્વારા દર મંગળવાર અને શુક્રવારે ન્યુરો સર્જનને લગતા દર્દીઓને તપાસવામાં આવે છે.એ સિવાયના દિવસોમાં સર્જરી અને જટિલ ઓપરેશન કરવામાં આવે છે.આ તબીબોની ટીમ ૨૦૧૯ની સાલથી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અગાઉ જટિલ ગણાતી સર્જરીમાં સ્પાઇન સર્જરી,ટ્યુમર સર્જરી,જન્મજાત ખોડ ખાપણ વાળા બાળકોની સર્જરી કરવી તે અશક્ય હતું. પરંતુ છેલ્લા અમુક વર્ષોથી હવે સિવિલ હોસ્પિટલમાં તેમની સર્જરી થઈ રહી છે જે દર્દીઓને આશીર્વાદ સમાન બન્યું છે જે ખાનગી હોસ્પિટલમાં મોંઘી અને પરવડે નહીં તેવી હોય છે. સિવિલ હોસ્પિટલમાં મંગળવાર અને શુક્રવાર સિવાયના દિવસોમાં એકાદ માસમાં ત્રણથી ચાર જટિલ સર્જરી સહિત ૫૦ થી ૬૦ દર્દીના ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. તેમજ અત્યાર સુધીમાં ન્યુરોસર્જરી વિભાગ દ્વારા અંદાજીત ૩૦૦૦ જેટલા દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા.