રાજ્યમા 6 થી 18 વર્ષના બાળકો શાળામાં ન જતા હોવાનુ ધ્યાને આવતા નિર્ણય શિક્ષણ વિભાગે ચાઈલ્ડ ટ્રેકિંગ માટે શિક્ષણાધિકારીઓને સૂચના આપી
રાજ્યમાં પ્રાથમિક બાદ માધ્યમિક અને માધ્યમિક બાદ ઉચ્ચત્તર માધ્યમિકમાં જતા બાળકોમાં ડ્રોપ આઉટ રેસિયો વધુ હોવાનું શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યું છે. જેથી આવા 6 થી 18 વર્ષના જે બાળકો શાળામાં જતા નથી તેમની વિગતો એકત્ર કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને આ બાળકોનું શાળામાં નામાંકન થાય તે માટે દરેક જિલ્લા અને તાલુકા કક્ષાના શિક્ષણના અધિકારીઓને સુચના આપવામાં આવી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
પાછલા વર્ષોના ડાયસ ડેટા મુજબ પ્રારંભિકથી માધ્યમિક કક્ષાનો ટ્રાન્ઝીશન રેટ ઓછો છે અને ધોરણ-6 થી 8 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ડ્રોપ આઉટ રેટ વધારે છે. આ બાળકોને મુખ્ય ધારામાં લાવવા માટે વર્ષ 2022-23 માટે શાળા બહારના તમામ બાળકોનો વિગત વાર સર્વે કરવાનો નિર્ણય લેવાયો છે. જે માટે સર્વે માટે જિલ્લા કક્ષાએ ડીઈઓ અને ડીપીઈઓ દ્વારા તેમજ કોર્પોરેશન વિસ્તાર માટે શાસનાધિકારી દ્વારા તમામ વિસ્તારોનો શાળા, ક્લસ્ટર, બ્લોક અને જિલ્લા વાઈઝ મેપિંગ કરવાનું રહેશે. આ રીતે વિગતવાર મેપીંગ કરી વિસ્તાર વાઈઝ સર્વે ટીમનું ગઠન કરી કામગીરી કરવાની રહેશે. આ સર્વે ટીમોમાં શાળાના શિક્ષકો ઉપરાંત સમગ્ર શિક્ષાના સ્ટાફને પણ સમાવવાનો રહેશે. શાળા બહારના વિદ્યાર્થીઓના સર્વે માટેના ફોર્મ શાળા કક્ષાએથી ડાઉનલોડ કરી સર્વેયરને આપવાના રહેશે. સર્વેમાં મળેલા તમામ શાળા બહારના વિદ્યાર્થીઓની ઓન લાઈન એન્ટ્રી ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં કરવાની સુચના અપાઈ છે.