ગુજરાતની ટીમના પ્રિયાંક પંચાલને સુકાની બનાવાયો: સૌરાષ્ટ્રના હાર્વિક દેસાઇ, સમર્થ વ્યાસ અને પાર્થ ભૂતનું સિલેક્શન: ચેતન સાકરિયા અને યુવરાજસિંહ ડોડીયાને સ્ટેન્ડબાય રખાયા
આગામી 24 જુલાઇથી 3 ઓગસ્ટ સુધી રમાનારી પ્રો.દેવધર ટ્રોફી વનડે ક્રિકેટ ટુર્નામેન્ટ-2023/2024 માટે વેસ્ટ ઝોનની ટીમ જાહેર કરવામાં આવી છે. ગુજરાતના પ્રિયાંક પંચાલના નેતૃત્વમાં 15 ખેલાડીઓમાં સૌરાષ્ટ્રની ટીમના હાર્વિક દેસાઇ, સમર્થ વ્યાસ અને પાર્થ ભૂતની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ચેતન સાકરિયા અને યુવરાજસિંહ ડોડીયાને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
દેવધર ટ્રોફી વનડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઝોનની ટીમમાં પ્રિયાંક પંચાલ (સુકાની), હાર્વિક દેસાઇ, પૃથ્વી શો, રાહુલ ત્રિપાઠી, હેત પટેલ, સરફરાજ ખાન, અંકિત ભવાને, સમર્થ વ્યાસ, શિવમ દુબે, અતિત શેઠ, પાર્થ ભૂત, શામ્સ મુલાની, ચિંતન ગાજા, અરજાન નગવાસવાલા, રાજવર્ધન હંગાકરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ચેતન સાકરિયા, યુવરાજસિંહ ડોડીયા, તુષાર દેશપાંડે, અબુ કાઝી અને કર્થન પટેલને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. ચેતન સાકરિયા ફિટનેસ ટેસ્ટ પાસ કરશે તો તેનો આખરી 15 ખેલાડીમાં પસંદગી કરવામાં આવશે.
દેવધર ટ્રોફીમાં વેસ્ટ ઝોનનો મૂકાબલો 24મી જુલાઇએ નોર્થ-ઇસ્ટ ઝોન સામે, 26મીના રોજ સાઉથ ઝોન સામે, 28મીએ સેન્ટ્રલ ઝોન સામે, 30મીએ નોર્થ ઝોન સામે અને 1 ઓગસ્ટના રોજ ઇસ્ટ ઝોન સામે થશે.ટુર્નામેન્ટનો ફાઇનલ 3 ઓગસ્ટના રોજ રમાશે.