જિલ્લાની તમામ સ્કૂલોએ એનઓસી માટે મહાનગરપાલિકાની ફાયર શાખામાં અરજી કરવી પડશે
બે વર્ષ પૂર્વે સુરતમાં બનેલી આગની ઘટના બાદ હવે અમદાવાદમાં કાપડ મીલમાં આગની ઘટના બાદ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સફાળુ જાગ્યું હોય તેમ તમામ શાળા-કોલેજોને ફાયર સેફટી એનઓસી રજૂ કરવા હુકમ કર્યા છે. ત્યારે ગઈકાલે ‘અબતક’ના અહેવાલ બાદ રાજકોટનું શિક્ષણ તંત્ર જાણે જાગી ગયું હોય તેમ ફાયર સેફટીના એનઓસી માટે ૨૯૧ સ્કૂલ દ્વારા અરજી આવી ગઈ છે જો કે હજુ રાજકોટ શહેર-જિલ્લાની ૮૪૭ સ્કૂલો પાસે ફાયર એનઓસી જ નથી અને આ એનઓસી ૧૫ દિવસમાં મેળવી લેવા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ હુકમ કર્યો છે.
રાજકોટ શહેર જિલ્લાની ૧૯૪ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી ૮૪૭ શાળા પાસે ફાયર સેફટીનું એનઓસી ન હોવાની ચોકાવનારી વિગતો આજે સામે આવી હતી. આ તમામ સ્કૂલોને રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની શાખામાંથી ફાયર સેફટીનું એનઓસી ૧૫ દિવસમાં લઈ લેવા તાકીદ કરી છે.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ૨૦૧૬માં આવેલ સ્કૂલ સેફટીના નિયમમાં ફાયર સેફટીનું એનઓસી ફરજીયાત ન હતું પરંતુ ત્યારબાદ ગત વર્ષે સુપ્રીમ કોર્ટમાં એક કેસમાં શાળા-કોલેજોમાં ફાયર સેફટીનું એનઓસી ફરજીયાતના ચૂકાદા બાદ રાજ્ય સરકારે તાજેતરમાં એક પરિપત્ર કર્યો છે અને સ્કૂલોમાં ફરજિયાત ફાયર સેફટીનું એનઓસી કરાયું છે. જિલ્લાની તમામ સ્કૂલોને એનઓસી માટે મહાપાલિકાની ફાયર શાખામાં અરજી કરવી પડશે.
રાજ્યભરના તમામ જિલ્લામાં ફાયર સેફટીની શાળાઓની વિગતો છે કે રાજકોટમાં ગઈકાલ સુધી આ વિગતો પુરતી ન હતી. જો કે આજે ચોકાવનારો ખુલાસો થયો હતો અને ત્યારબાદ જાણવા મળ્યું કે રાજકોટ જિલ્લામાં કુલ ૧૧૯૪ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાંથી ૮૪૭ શાળાઓ પાસે ફાયર સેફટીનું એનઓસી નથી આ તમામ શાળાને આગામી ૧૫ દિવસમાં એનઓસી મેળવી લેવા ડીઈઓએ તાકીદ કરી છે.