કોરોનાના કારણે સાદાઇથી લગ્ન કર્યા બાદ ધામધૂમથી લગ્ન કરી દહેજમાં રોકડ, ઘરેણા અને સગા-સંબંધીઓ માટે મીઠાઇની કરી માગણી
અબતક,રાજકોટ
સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં રહેતી ડેન્ટીસ્ટના અમેરિકા સ્થિત પતિ સાથે કોરોનાના કારણે એક વર્ષ પૂર્વે સાદાઇથી લગ્ન થયા બાદ ફરી ધામધૂમથી લગ્ન કરી કરિયાવરમાં સોનાના ઘરેણા, રોકડ અને સગા-સંબંધીઓ માટે મીઠાઇની માગણી કરી ડ્રાઇવીંગ કરવા ન દઇ, બેન્કમાં એકાઉન્ટ ખોલાવવા ન દઇને અને ઘરની બહાર જવા ન દઇ ત્રાસ દેતા હોવાની પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં રહેતી અને ગાંધીગ્રામ વિસ્તારના સત્યનારાયણ પાર્કમાં ડેન્ટીસ્ટનું ક્લિનીક ધરાવતી ધારાબેન અનિલભાઇ જસાણીએ વડોદરા રહેતા અને અમેરિકા ખાતે ગુગલમાં સોફટવેર એન્જિનીયર તરીકે વ્યવસાય કરતા ધ્રુવીલ કિરીટભાઇ પટેલ અને તેમની માતા નિતાબેન કિરીટભાઇ પટેલ સામે શારીરિક અને માનસિક ત્રાસ દઇ કાઢી મુક્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ધારાબેન જસાણી અને ધ્રુવીલ પટેલ શાદી ડોટ કોમના માધ્યમથી એક બીજાના પરિચયમાં આવ્યા બાદ બંનેના પરિવારની મરજીથી ગત તા.૧૧-૧૨-૨૦૨૦ના રોજ રાજકોટની ફોર્ચ્યુનર હોટલમાં સગાઇ અને લગ્ન થયા હતા. લગ્ન સમયે કોરોનાની કપરી પરિસ્થિતી હોવાથી લગ્ન સાદાઇથી કરવાનું બંનેના પરિવાર દ્વારા સમજુતી કરી લોક ડાઉન બાદ ધામધૂમથી લગ્ન કરવાનું નક્કી કરાયું હતું.ધ્રુવીલ પટેલ ગત તા.૬-૩-૨૦ના રોજ અમેરીકા જતા રહ્યા હતા અન્તા.૨૬-૧૦-૨૦ના રોજ ધારાબેનને પતિ ધ્રવીલ પટેલે ભારત પરત મોકલી આપતા પોતાના પિતા અનિલભાઇ જસાણીને ત્યાં રહેવા આવી ગઇ હતી.
કોરોનાની પરિસ્થતીના કારણે લગ્ન સાદાઇથી કર્યા હોવાથી સાસુ નિતાબેન પટેલે ધામધૂમથી લગ્ન કરવાનું કહી કરિયાવરમાં સોનાના ઘરેણા, રોકડ રકમના કવર અને સગા-સંબંધીઓ માટે મીઠાઇ આપવી પડશે તેવી માગણી કરી હતી. તારા કરતા ઓછુ ભણેલી અને પટેલની દિકરી સાથે ધ્રુવીલના લગ્ન કર્યા હોત તો અમારી માગણી મુજબનો કરિવાર મળી શકે તેમ હતો, તને ઘર કામ કરતા આવડતુ નથી કહી ત્રાસ દેતા અને મારકૂટ કરતા સોફાનો ખૂણો લાગતા પાસડીમાં ફેકચર થયું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.ડ્રાઇવીંગ કરવા ન દેતા હોવાનો, ઘરની બહાર ન નીકળવા દેતા હોવાનો, બેન્કમાં એકાઉન્ટ ન ખાલવા દઇ, પિયરમાં મોબાઇલથી વાત ન કરવા દઇ પતિ અને સાસુ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ દીધાના આક્ષેપ કર્યા છે. મહિલા પોલીસ મથકના પી.એસ.આઇ. સી.એસ.વાછાણી સહિતના સ્ટાફે બંને સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.