જોરદાર ઝાકળ વર્ષાના કારણે રાજમાર્ગો ભીના થઇ ગયા: લધુતમ તાપમાનનો પારો 4 થી પ ડિગ્રી સુધી ઉંચકાયો: ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ઝાકળ વર્ષા થવા પામી હતી. ગાઢ ઘુમ્મસ સાથે પવનનું જોર પણ રહેવાના વિઝિબિલિટીમાં ઘટાડો થયો ન હતો. જેના કારણે વાહન ચાલકોએ કોઇ મુશ્કેલી વેઠવી પડી ન હતી.
શનિવારથી રાજયભરમાં ઠંડીનું જોર વધશે આજે લધુતમ તાપમાનનો પારો 4 થી પ ડિગ્રી સુધી ઉંચકાયો હતો. તમામ શહેરોમાં તાપમાન ડબલ ડિજિટમાં પહોંચી જવાના કારણે સવારે થોડીવાર ઠંડીનો અહેસાસ થયો હતો ત્યારબાદ ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. નલીયામાં પણ આજે લધુતમ તાપમાન 14.8 ડિગ્રી એ પહોંચી ગયુઁ હતું. દરમિયાન ઉત્તર ગુજરાતમાં કમૌસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.
આજે સવારે સૌરાષ્ટ્રભરમાં ઝાકળવર્ષા થવા પામી હતી. રાજમાર્ગો ભીના થઇ ગયા હતા. ઝાકળની સાથે પવનનું જોર પણ રહેવાના વિઝિબિલિટીમાં ઘટાડો થયો ન હતો રાજકોટમાં આજે લધુતમ તાપમાનનો પારો 4.6 ડિગ્રી સુધી ઉંચકાયો હતો. આજે શહેરનું લધુતમ તાપમાન 18.7 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 94 ટકા અને પવનની સરેરાશ ઝડપ 8 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. જુનાગઢનું લધુતમ તાપમાન ર0 ડિગ્રીએ પહોંચી ગયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 84 ટકા અને પવનની સરેરાશ ઝડપ 4.3 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. આ ઉપરાંત કચ્છના નલીયાનું લધુતમ તાપમાન પણ આજે 14.8 ડિગ્રીએ પહોંચી જતા જાણે ઠંડી સંપૂર્ણપણે ગાયબ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદનું લધુતમ તાપમાન 17 ડિગ્રી, અમરેલીનું તાપમાન 17.3 ડિગ્રી, બરોડાનું તાપમાન 14.4 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 17.4 ડિગ્રી, ભુજનું તાપમાન 17.6 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 16.2 ડિગ્રી, કંડલાનું તાપમાન 16.5 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 18.7 ડિગ્રી અને વેરાવળનું તાપમાન 19.3 ડિગ્રી નોંધાયું હતું.
આગામી બે દિવસ ઠંડીમાં રાહત જોવા મળશે દરમિયાન શનિવારથી ફરી કડકડતી ઠંડીનું જોર વધશે બીજી તરફ ઉતર ગુજરાતના અનેક વિસ્તારોમાં કમૌસમી વરસાદની આગામી આપવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિતાંનુંં લખલખુ પ્રસરી જવા પામ્યું છે. આ વર્ષ શિયાળાની સિઝનમાં વાતાવરણમાં સતત ઉતાર ચઢાવ જોવા મળ્યો છે.
ઠંડીએ જમાવટ કરી નથી માત્ર ગણતરીના દિવસો પુરતી ઠંડીનો અહેસાસ થયો છે હવે ઠંડીનો છેલ્લો રાઉન્ડ આવે તેવું લાગી રહ્યું છે.