મેલેરિયાનો પણ એક કેસ નોંધાયો: શરદી-ઉધરસના 313 કેસ, સામાન્ય તાવના 68 અને ઝાડા-ઉલ્ટીના 92 કેસ
વરસાદી વાતાવરણના કારણે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યુ છે. સાથોસાથ ડેન્ગ્યૂ બેફામ બન્યો હોય તેવું લાગી રહ્યું છે. ગત સપ્તાહે શહેરમાં ડેન્ગ્યૂના નવા ચાર કેસ મળી આવતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. મેલેરિયાનો પણ એક કેસ નોંધાયો છે.
આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન મેલેરિયાનો નવો એક કેસ નોંધાયો છે. સાથોસાથ ડેન્ગ્યૂના ચાર અને ચિકન ગુનિયાના બે કેસ નોંધાયા છે. ચાલુ સપ્તાહે અત્યાર સુધીમાં મેલેરિયાના નવ કેસ, ડેન્ગ્યૂના 18 કેસ અને ચિકન ગુનિયાના નવ કેસ નોંધાયા છે. ગત સપ્તાહે શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી-ઉધરસના 113 કેસ, સામાન્ય તાવના 68 કેસ અને ઝાડા-ઉલ્ટીના 92 કેસ નોંધાયા છે.
રોગચાળાની અટકાયત માટે 16,463 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 249 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. અલગ-અલગ 438 સ્થળે મચ્છરોની ઉત્પતિ અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 376 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.