અબતક,રાજકોટ
મહાપાલિકા દ્વારા મચ્છરોને નાથવા માટે કરવામાં આવી રહેલા તમામ પ્રયાસો જાણે બે અસર પુરવાર થઈ રહ્યાં હોય તેમ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ડેન્ગ્યુ તાવના 43 કેસો મળી આવ્યા છે. જ્યારે મેલેરીયાનો એક કેસ અને ચિકનગુનિયાના ચાર કેસ નોંધાયા છે. મચ્છરોની ઉત્પતિ સબબ 970 આસામીઓને નોટિસ ફટકારી દંડ વસુલ કરવામાં આવ્યો છે.
મેલેરીયાનો એક અને ચિકનગુનિયાના ચાર કેસો મળી આવ્યા:
મચ્છરની ઉત્પતિ સબબ 970 આસામીઓને નોટિસ આપી દંડ વસુલાયો
આ અંગે આરોગ્ય શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત 8 થી 14 નવેમ્બર દરમિયાન શહેરમાં ડેન્ગ્યુ તાવના 43 કેસો મળી આવતા ચાલુ વર્ષે ડેન્ગ્યુના કુલ કેસનો આંક 362એ પહોંચી જવા પામ્યો છે. જ્યારે મેલેરીયાએ પણ એક કેસ સાથે અડધી સદી ફટકારી છે. ચિકનગુનિયાના પણ ચાર કેસો મળી આવતા કુલ કેસનો આંક 26એ પહોંચ્યો છે. ગત સપ્તાહે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા 40897 ઘરોમાં પોરાભક્ષક કામગીરી કરવામાં આવી હતી અને 4831 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું.
અલગ અલગ 506 જગ્યાએ મચ્છરોની ઉત્પતિ સબબ ચેકિંગ કરવામાં આવ્યું હતું. 38 બાંધકામ સાઈટ, 9 ઈન્ડસ્ટ્રીઝના ચેકિંગ દરમિયાન 3 બાંધકામ સાઈટ અને 3 ઈન્ડસ્ટ્રીઝને મચ્છરને ઉત્પતિ સબબ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત રહેણાંક વિસ્તારમાં મચ્છરોની ઉત્પતિ સબબ 970 આસામીઓને નોટિસ આપી રૂા.7100નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.