મેલેરીયાના 6 અને ચિકનગુનિયાના 2 કેસો નોંધાયા: મચ્છરોની ઉત્પતિ સબબ 1995 આસામીઓને નોટિસ 45 હજારનો દંડ વસુલાયો
રાજકોટમાં વૈશ્ર્વિક મહામારી કોરોના સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે. પરંતુ ડેન્ગ્યુ એ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા સાત દિવસમાં શહેરમાં ડેન્ગ્યુના 23 કેસો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીથી ઉભરાઈ રહી છે. મેલેરીયા અને ચીકનગુનિયાના રોગચાળાએ માથુ ઉંચક્યું છે. મચ્છરની ઉત્પતિ સબબ 1995 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક રોગચાળાના આંકડામાં રાજકોટ શહેરમાં ગત 20 થી 26 સપ્ટેમ્બર સુધીના એક સપ્તાહના સમયગાળામાં ડેન્ગ્યુના 23 કેસો નોંધાયા છે. આ સાથે ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના કુલ કેસનો આંક 113એ પહોંચી જવા પામ્યો છે. મેલેરીયા અને ચીકનગુનિયાએ માથુ ઉંચક્યું છે.
છેલ્લા એક સપ્તાહમાં મેલેરીયાના 6 કેસો નોંધાતા વર્ષમાં નોંધાયેલા મેલેરીયાના કુલ કેસનો આંક 36એ પહોંચ્યો છે. જ્યારે ચીકનગુનિયાના 2 કેસો નોંધાયા છે. આ સાથે વર્ષમાં ચીકનગુનિયાના કુલ 16 કેસો નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન 6703 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું અને 85512 ઘરોમાં પોરાનાશક કામગીરી માટે દવા છંટકાવ કરવામાં આવી હતી. મચ્છરોની ઉત્પતિ જોવા મળતી 1995 આસામીને દંડ ફટકારી રૂા.45302નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
બાંધકામ સાઈટ, સ્કૂલ, હોસ્ટેલ, હોસ્પિટલ, ઈન્ડસ્ટ્રીઝ એરીયા, કોમ્પલેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળો, પેટ્રોલપંપ અને સરકારી કચેરી સહિત કુલ 809 સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાણીના 555 ખાડાઓમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ડેન્ગ્યુને નાથવા માટે કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલી રોગચાળા નિયંત્રણ માટેની ઝુંબેશને જાણે મચ્છરો પડકાર ફેંકી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. દર સપ્તાહે ડેન્ગ્યુ સહિતના રોગચાળો સતત વકરી રહ્યો છે. જે રીતે કેસ વધી રહ્યાં છે તે ખરેખર ચિંતાજનક છે.