માસુમ બાળકી, કિશોર અને વૃદ્ધનાં મોત બાદ પણ ડેન્ગ્યુનાં સાચા આંકડા જાહેર કરવામાં કોર્પોરેશનની ગુન્હાહિત બેદરકારી
ડેન્ગ્યુએ રાજકોટમાં અજગરી ભરડો લીધો છે. છેલ્લા ૧૭ દિવસમાં ડેન્ગ્યુ તાવે માસુમ બાળકી, ૧૩ વર્ષનાં કિશોર અને ૬૫ વર્ષનાં વૃદ્ધને ભરખી ગયો છે. શહેરમાં ઘેર-ઘેર માંદગીનાં ખાટલા પડયા છે છતાં રોગચાળાનાં સાચા આંકડા જાહેર કરવામાં કોર્પોરેશન ગુનાહિત બેદરકારી દાખવી રહ્યું છે. વહિવટી પાંખ અને શાસક પાંખ માત્ર મીટીંગોમાં જ વ્યસ્ત છે. કોર્પોરેશનને ડેન્ગ્યુનાં સતાવાર ૧૩૦ કેસો હોવાની જાહેરાત કરી છે જેની સામે વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયાએ શહેરનાં ડેન્ગ્યુનાં ૩૦૦૦થી પણ વધુ કેસો હોવાનો દાવો કર્યો છે.
વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ મહાપાલિકાનાં તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, શહેરમાં ડેન્ગ્યુનાં કારણે ૩ લોકોનાં મોત નિપજયા છે છતાં આરોગ્યલક્ષી કામગીરીની વાહ-વાહ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં શહેરમાં ડેન્ગ્યુનાં ૧૩૦ નહીં પરંતુ ૩૦૦૦થી પણ વધુ કેસો છે. મુખ્યમંત્રીનાં કાર્યક્રમમાં માત્ર ૩ સેક્ધડ વિજળી ગુલ થાય તો અધિકારીની બદલી કરી દેવામાં આવે છે ત્યારે ડેન્ગ્યુએ અજગરી ભરડો લીધો છે. કરોડોનાં રોડ તુટી ગયા છે. ઠેર-ઠેર ગંદકીનાં ગંજ જામી ગયા છે. આવામાં કોની જવાબદારી થાય તે કોર્પોરેશને જાહેર કરવું જોઈએ. ડેન્ગ્યુનાં કારણે લોકોનાં ટપોટપ મોત નિપજી રહ્યા છે છતાં તંત્ર ગુનાહિત બેદરકારી દાખવી રહ્યું છે. છેલ્લા ૧૭ દિવસમાં ૩ વ્યકિતઓને ડેન્ગ્યુ ભરખી ગયો છે. ગઈકાલે કોર્પોરેશન દ્વારા ડેન્ગ્યુનાં જે શંકાસ્પદ અને સતાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા તે પણ ખોટા છે. શહેરમાં ડેન્ગ્યુનાં ૧૩૦ નહીં પરંતુ ૩૦૦૦થી પણ વધુ કેસો છે.
રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય અધિકારીનાં જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં શંકાસ્પદ ડેન્ગ્યુનાં ૪૧ કેસો નોંધાયા છે. રેપીટકાર્ડ દ્વારા જેનું ટેસ્ટીંગ કરવામાં આવે તેને શંકાસ્પદ ડેન્ગ્યુ ગણવામાં આવે છે. જયારે ડેન્ગ્યુ હોવાનાં સતાવાર ૮૯ કેસો નોંધાયા છે જે સરકારની ગાઈડલાઈન મુજબ એલીઝા ટેસ્ટ કર્યા બાદ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ટાઈફોઈડ તાવનાં ૨ કેસ, મેલેરિયાનાં ૩ કેસ, કમળાનાં ૨ કેસ, અન્ય તાવનાં ૩૨ કેસ, સામાન્ય શરદી-ઉધરસ અને તાવનાં ૧૬૮ કેસ, ઝાડા-ઉલ્ટીનાં ૧૩૭ કેસ અને મરડાનાં ૯ કેસો નોંધાયા છે. શહેરની સિનર્જી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા અને રામનાથપરા મેઈન રોડ પર રહેતા પ્રિયાંશુ આહ્યા નામના ૧૩ વર્ષનાં બાળકનું ગત ૮ ઓકટોબરનાં રોજ અવસાન થયું હતું જેનો ડેન્ગ્યુનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ડેન્ગ્યુએ રાજકોટનાં વધુ એક વ્યકિતનો ભોગ લીધા બાદ કોર્પોરેશન દ્વારા રોગચાળાનાં સાચા આકડા જાહેર કરવામાં આવ્યા છે. જોકે અઠવાડિયામાં ડેન્ગ્યુનાં ૧૩૦ કેસો નોંધાયા હોવાનાં આંકડાઓ પણ હજુ શંકાસ્પદ લાગી રહ્યા છે.
મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે શહેરમાં ૨૫૪૦૧ ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૮૧૫૭ ઘરોમાં મચ્છરોનાં નાશ માટે ફોગીંગ કરવામાં આવ્યું હતું અને શાળા-કોલેજો, હોટલ, હોસ્પિટલ તથા બાંધકામ સાઈટ સહિત કુલ ૩૭૪ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મચ્છરની ઉત્પતિ સબબ ૨૩૬ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી અને ૬૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૩૬ રેકડી, ૨૫ દુકાન, ૩ હોટલ-રેસ્ટોરન્ટ, ૧૭ ડેરી ફાર્મ અને ૮૧ અન્ય સ્થળ સહિત કુલ ૨૩૫ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૪૬ વેપારીઓને નોટીસ ફટકારી ૨૫ કિલો અખાદ્ય સામગ્રીનાં જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને ૩૬ સ્થળોએથી ખાદ્ય સામગ્રીનાં નમુના લેવામાં આવ્યા હતા. સરકારની ગાઈડલાઈન અનુસાર એલીઝા ટેસ્ટથી થયેલા નિદાન બાદ જ ડેન્ગ્યુને સતાવાર ગણવામાં આવે છે જયારે રેપીટકાર્ડથી કરવામાં આવતા ટેસ્ટને શંકાસ્પદ ગણવામાં આવે છે. શહેરમાં ડેન્ગ્યુએ અજગરી ભરડો લીધો હોવા છતાં મહાપાલિકાનું નિર્ભર તંત્ર હજુ સુધી કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.
ડેન્ગ્યુને નાથવા કોઈ કામગીરી નહીં કરાય તો મેયર ચેમ્બરમાં ધરણાની કોંગી કોર્પોરેટરની ચીમકી
શહેરમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ડેન્ગ્યુને નાથવા માટે મહાપાલિકા તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મેયર ચેમ્બરમાં એક દિવસનાં ધરણા કરવામાં આવશે તેવી જાહેરાત આજે વોર્ડ નં.૧૩નાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે, આરોગ્ય શાખા ડેન્ગ્યુનાં ૧૩૦ કેસ હોવાનું જણાવી રહી છે જયારે મેયરે તાજેતરમાં ૧૯૨ કેસ હોવાનું જાહેર કર્યું હતું. શહેરની અલગ-અલગ હોસ્પિટલોમાં જયારે અમે રૂબરૂ મુલાકાત લીધી ત્યારે અનેક કેસો મળી આવ્યા છે. કોર્પોરેશન દ્વારા જે આંકડા લેવામાં આવે છે તે માત્ર ૬ હોસ્પિટલનાં હોય છે. શહેરની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલમાંથી ડેન્ગ્યુ સહિતનાં રોગચાળાનાં આંકડા લેવામાં આવે તો આ આંક ઘણો ઉંચો જાય તેમ છે.