- શરદી-ઉધરસના 527, સામાન્ય તાવના 304, ઝાડા-ઉલ્ટીના 292 અને ટાઇફોઇડના બે કેસ મળી આવ્યા: મચ્છરોની ઉત્પતિ સબબ 439 આસામીઓને નોટિસ
ડેન્ગ્યૂ દિવસની ઉજવણી અંતર્ગત કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા લોક જાગૃત્તિના અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પરંતુ જાણે મચ્છરો કોર્પોરેશનને પડકાર આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે શહેરમાં ડેન્ગ્યૂ તાવના બે કેસ મળી આવતા કોર્પોરેશનની આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. ટાઇફોઇડના પણ બે કેસ મળી આવ્યા છે.
કોર્પોરેશનના આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. ગત સપ્તાહે શહેરમાં ડેન્ગ્યૂના નવા બે કેસ મળી આવ્યા છે. સામાન્ય રીતે ડેન્ગ્યૂ તાવનો ઉપદ્રવ ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના સમયગાળામાં જોવા મળતો હોય છે. પરંતુ હાલ હીટવેવના પ્રકોપ વચ્ચે પણ ડેન્ગ્યૂ હાહાકાર મચાવી રહ્યો છે. ગત સપ્તાહે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ડેન્ગ્યૂ તાવના નવા બે કેસ મળી આવ્યા હતા. જાન્યુઆરીથી લઇ અત્યાર સુધીમાં કોર્પોરેશનના ચોંપડે ડેન્ગ્યૂના 15 કેસ નોંધાયા છે. ગત વર્ષની સરખામણીએ ડેન્ગ્યૂનો પ્રકોપ ઘટ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ સૌથી ચિંતાજનક બાબતએ છે કે આ વર્ષે કાળઝાળ ઉનાળામાં પણ ડેન્ગ્યૂના ડાકલા વાગી રહ્યા છે. ગત સપ્તાહે શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી શરદી-ઉધરસના 527 કેસ, સામાન્ય તાવના 304 કેસ, ઝાડ-ઉલ્ટીના 292 કેસ અને ટાઇફોઇડ તાવના બે કેસ નોંધાયા છે. 1-જાન્યુઆરીથી લઇ અત્યાર સુધીમાં શરદી-ઉધરસના 19,705 કેસ, સામાન્ય તાવના 4,454 કેસ, ઝાડા-ઉલ્ટીના 4441 કેસ, ટાઇફોઇડના 10 કેસ, મેલેરિયાના પાંચ કેસ અને ચીકનગુનિયાના 16 કેસ મળી આવ્યા છે. રોગચાળાને નાથવા માટે ગત સપ્તાહે 7,882 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જ્યારે જે વિસ્તારોમાં મચ્છરોનો ત્રાસ વધુ હોય તેવા વિસ્તારોના 256 ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી-પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિતની બિનરહેણાંક હેતુની 581 બિલ્ડીંગોમાં મચ્છરના ઉપદ્રવ અંગે ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 92 સ્થળેથી મચ્છરોની ઉત્પતિ મળી આવતા તમામને નોટિસ આપવામાં આવી હતી. જ્યારે રહેણાંક હેતુની 347 મિલકતોમાં પણ મચ્છરોના લારવા મળી આવ્યા હતા. તમામને નોટિસ આપવામાં આવી રહી છે. ઉનાળાની આકરી ગરમીમાં પણ રોગચાળો ઘટવાનું નામ લેતો નથી.