અત્યાર સુધીમાં શહેરમાં ડેન્ગયુનાં ૩૦૪ કેસો: મેલેરિયાનાં પણ ૫૦ કેસ મળી આવ્યા
શહેરમાં ડેન્ગ્યુનાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો હોય તેમ છેલ્લા એક સપ્તાહ દરમિયાન ડેન્ગ્યુ તાવમાં વધુ ૭૯ કેસો મળી આવતા કોર્પોરેશનમાં દોડધામ મચી જવા પામી છે. ઓકટોબર માસનાં પ્રથમ પખવાડિયામાં જ ડેન્ગ્યુનાં ૧૫૧ કેસો નોંધાયા છે જોકે ગત વર્ષ કરતા આ વર્ષે ડેન્ગ્યુનાં કેસો ઓછા હોવાનો દાવો કોર્પોરેશન તંત્ર કરી રહ્યું છે. મેલેરિયાનાં પણ ૬ કેસ છેલ્લા એક સપ્તાહમાં નોંધાયા છે. મહામારીને નાથવા માટે કોર્પોરેશન તંત્ર સફાળુ જાગ્યું છે અને વોર્ડવાઈઝ સફાઈ ઝુંબેશ અને આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરી દીધી છે.
મેયર બીનાબેન આચાર્ય અને આરોગ્ય સમિતિનાં ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા આજે એવી સતાવાર જાહેરાત કરવામાં આવી છે કે, ૭ થી ૧૩ ઓકટોબર દરમિયાન શહેરમાં ડેન્ગ્યુનાં વધુ ૭૯ કેસ નોંધાયા છે. જુલાઈ માસમાં ડેન્ગ્યુનાં ૮ કેસ, ઓગસ્ટમાં ૨૨ કેસ, સપ્ટેમ્બર ૧૨૩ કેસ અને ઓકટોબરનાં પ્રથમ પખવાડિયામાં ૧૫૧ કેસ સાથે અત્યાર સુધીમાં શહેરમાં ડેન્ગ્યુનાં ૩૦૪ જેટલા કેસો નોંધાયા છે.
છેલ્લા એક સપ્તાહ દરમિયાન મેલેરિયા તાવનાં પણ વધુ ૬ કેસો નોંધાયા છે. અત્યાર સુધીમાં મેલેરિયાનાં ૫૦ જેટલા કેસો મળી આવ્યા છે. દર વર્ષે ઓકટોબર-નવેમ્બર માસમાં ડેન્ગ્યુનાં વધુ કેસો મળી આવતા હોય છે. ગત વર્ષે ઓકટોબર માસમાં ડેન્ગ્યુનાં ૨૮૯ અને મેલેરિયાનાં ૧૭ કેસો મળી આવ્યા હતા. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યુ અને મેલેરિયાનાં ઓછા કેસ હોવાનો દાવો પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે.
વાહકજન્ય રોગચાળાને અટકાયત માટે છેલ્લા એક માસમાં ૨૨,૯૧૧ ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. ૧,૪૯,૦૭૮ ઘરોમાં ઈન્ટ્રાડોમેસ્ટીક કામગીરી કરવામાં આવી છે. મચ્છરોની ઉત્પતિ સબબ ૭૦૧ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે અને રૂ.૬૯,૪૫૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. શાળા, બાંધકામ સાઈટ, ઈન્ડસ્ટ્રીઝ, ધાર્મિક સ્થળ, ભંગારનાં ડેલા, કોમ્પ્લેક્ષ, હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય સંસ્થાઓમાં જયાં ચેકિંગ ચાલી રહ્યું છે. રોગચાળાને અટકાવવા માટે ૨૭૨ આશાવર્કર, ૧૨૦ નર્સીંગ સ્ટાફ, ૩૬ આરબીએએસકેની ટીમ દ્વારા હાલ શહેરભરમાં ચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે ડેન્ગ્યુનાં મચ્છરો ચોખ્ખા પાણીમાં થતા હોય છે. લોકોને ઘરમાં ચોખ્ખુ પાણી ઢાંકીને રાખવા અપીલ કરવામાં આવી છે.