સતત વાદળર્છાંયા અને વરસાદી વાતાવરણના કારણે રોગચાળો બન્યો બેકાબૂ: શરદી-ઉધરસના 1140, સામાન્ય તાવના 678, ઝાડા-ઉલ્ટીના 340, ટાઇફોઇડ તાવના ત્રણ અને કમળાનો એક કેસ નોંધાયો: મચ્છરોની ઉત્પતિ સબબ 501 આસામીઓને નોટિસ: રૂ.49,600નો દંડ વસૂલાયો
સતત વાદળર્છાંયા અને વરસાદી વાતાવરણના કારણે શહેરમાં રોગચાળો બેકાબૂ બન્યો છે. એક જ સપ્તાહમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ડેન્ગ્યૂ તાવના 11 કેસ નોંધાતા કોર્પોરેશનની આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. જ્યારે શહેરીજનોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. મચ્છરોની ઉત્પતિ સબબ 501 આસામીઓને નોટિસ આપવામાં આવી છે. રૂ.49,600નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે.
આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત 5 થી 11 ઓગસ્ટ સુધીના એક સપ્તાહમાં શહેરમાં ડેન્ગ્યૂના નવા 11 કેસ નોંધાયા છે. 1-જાન્યુઆરીથી લઇ અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના બાવન કેસ નોંધાયા છે. જે પૈકી 20 ટકાથી વધુ કેસ તો માત્ર એક જ સપ્તાહમાં નોંધાયા છે. ગત સપ્તાહે મેલેરિયાનો પણ એક કેસ નોંધાયો હતો. અત્યાર સુધીમાં ચાલુ સાલમાં મેલેરિયાના 15 કેસ નોંધાઇ ચુક્યા છે. આ ઉપરાંત ગત સપ્તાહે શરદી-ઉધરસના 1140 કેસ, સામાન્ય તાવના 678 કેસ, ઝાડા-ઉલ્ટીના 340 કેસ, ટાઇફોઇડના ત્રણ કેસ અને કમળાનો નવો એક કેસ નોંધાયો છે. છેલ્લા આઠ મહિનામાં શરદી-ઉધરસના 30,820, સામાન્ય તાવના 10,165, ઝાડા-ઉલ્ટીના 8,618, ટાઇફોઇડના 44 અને કમળાના ત્રણ કેસ નોંધાયા છે. શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. ઘેર-ઘેર માંદકીના ખાટલા પડ્યા છે. રોગચાળાને નાથવા માટે કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વીબીડી વોલીન્ટર્સ સહિતની 360 ટીમો દ્વારા 1,22020 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 3200 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. ડેન્ગ્યૂને નાથવા માટે બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિત બિનરહેણાંક હેતુની 554 મિલકતોમાં મચ્છરની ઉત્પતિ સબબ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 106 આસામીઓને નોટિસ ફટકારી રૂ.49,600નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રહેણાંક હેતુની મિલકતોમાં મચ્છરના ઉપદ્રવ અંગે ચેકીંગ દરમિયાન 395 આસામીઓને નોટિસ આપવામાં આવી છે.
સતત રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. મચ્છરોને નાથવા માટે કોર્પોરેશનના તમામ પ્રયાસો નિષ્ફળ નિવડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે ઓક્ટોબરથી ડિસેમ્બર માસમાં ડેન્ગ્યૂના કેસ વધુ નોંધાઇ રહ્યા છે. જે મોટી ચિંતાનો વિષય બની ગયો છે.
પ્રતિબંધિત પ્લાસ્ટીક પકડવા 171 સ્થળોએ કોર્પોરેશનના દરોડા
રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ 171 આસામીઓ પાસેથી 7.98 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.40250/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 63 આસામીઓ પાસેથી 1.61 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.11300/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગોપર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 62 આસામીઓ પાસેથી 4.87 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.16000/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 46 આસામીઓ પાસેથી 1.5 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.11200/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.