રૂ.૧૦,૧૫૦નો દંડ વસુલ કરાયો: ૩૮૫ ખાડા-ખાબોચીયામાં મચ્છરોના નાશ માટે ઓઈલનો છંટકાવ
ચોમાસાની સીઝનમાં ડેન્ગ્યુ અને મેલેરિયાનો રોગચાળો ફાટી ન નિકળે તે માટે કોર્પોરેશનની મેલેરિયા શાખા દ્વારા શહેરના તમામ ૧૮ વોર્ડમાં છેલ્લા એક પખવાડિયા દરમિયાન ૮૧,૫૫૮ ઘરોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૭ હોસ્પિટલ, ૧૧ કોમ્પ્લેક્ષ, ૭ શાળા, ૩ ભંગારના ડેલા અને ૧૨ ઈન્ડસ્ટ્રીઝ સહિત કુલ ૪૦૮ સ્થળોએ ડેન્ગ્યુ તાવ ફેલાવતા એડીશ મચ્છરોની ઉત્પતિ મળી આવતા તમામને નોટિસ ફટકારી રૂ.૧૦,૧૫૦નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મેલેરિયા વિભાગના ૧૪૨ સ્વયંસેવકો, ૫૨ ફિલ્ડ વર્કર દ્વારા છેલ્લા એક પખવાડિયામાં શહેરના ૮૧,૫૫૮ ઘરોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૫૨ બાંધકામ સાઈટ, ૪૨ હોસ્પિટલ, ૯૨ સ્કુલ-કોલેજ, ૪૦ ધાર્મિક સ્થળ, ૮૧ કોમ્પ્લેક્ષ અને સેલર, ૨૨ ભંગારના ડેલા, ૫૭ ઈન્ડસ્ટ્રીઝ, ૧૮ સરકારી કચેરી, ૩૬ હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જે પૈકી ૫૩ સ્થળોએ મચ્છરોના પોરા મળી આવતા તમામને નોટિસ ફટકારવામાં આવી હતી.શહેરમાં કુલ ૪૦૮ ઘરોમાં ડેન્ગ્યુ ફેલાવતા એડીસ મચ્છરોની ઉત્પતિ જોવા મળતા નોટિસ આપવામાં આવી હતી.
આ ઉપરાંત નાના-મોટા ૩૮૫ ખાડાઓમાં બીપીઆઈ અને ઓઈલનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ૫૮ શાળા-કોલેજો, ૧૦૬ શેરી અને સોસાયટીઓમાં મચ્છરોના પોરા, અને પોરા ભક્ષક માછીઓના જીવન નિર્દેશ અંગે માહિતી આપવામાં આવી હતી.